Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

'સમૂહલગ્નોત્સવ' જ શ્રેયરૂપ...ભરવાડ સમાજમાં ગૂંજી 'સામાજીક ઉન્નતિ'ની શરણાઇ

બે દાયકાની મહેનત લાવી રંગ...દિકરીને દુધ પીતી કરવી, પેટે ચાંદલા રિવાજ,દિયર વટુ, કન્યા વિક્રય, ઝુરા (દહેજ) પ્રથાના 'કુરિવાજા'ે સંપૂર્ણપણે કાબુમાં: અરસપરસની આત્મીયતા-લાગણી વધારવા સાથે સાથે 'સબંધ-સંપર્ક સેતુ'ને વધુ મળી મજબુતાઇઃ શૈક્ષણિક જયોતને પણ ઝળહળાવી, ૨૦ વર્ષ પહેલા માત્ર ૧૦% જ શિક્ષણ હતુ'ને હવે રેસિયો છેક ૬૦%ની ઉંચી ઉડાનને આંબી ગયો

રાજકોટ, તા.૮: શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અગાઉના ત્રણ-ચાર દાયકા પહેલા ભરવાડ સમાજમાં માત્રને માત્ર પશુપાલન જ આજીવિકાનો મુખ્ય આધારસ્તંભ હોવાથી શૈક્ષ્ણિક જાગૃતિનો અભાવ જોવા મળતો હતો...પરંતુ સમાજના અભ્યાસુ-જાગૃત અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ દ્વારા આશરે બ ે દાયકા પહેલા રૈયા ગામે શ્રી મચ્છુમાતાજીના શુભ સાનિધ્યમાં 'સમાજ સુધારા'નું બીડુ રોપાયા બાદ ૨૦  વર્ષના પરિણામરૂપે હવે સમગ્ર સમાજમાં માત્રને માત્ર 'સમૂહલગ્નોત્સવ'ની સફળતાના ભાગરૂપે 'સામાજીક ઉન્નતિ'ની શરણાઇઓ ચો તરફ ગુંજવા લાગી છેે એવું કહેવું કોઇપણ પ્રકારે ખોટુ નથી જ.

આ અંગે સમાજના શ્રેષ્ઠીઓનું કહેવુ છે કે, પહેલાના સમયમાં ભરવાડ સમાજના મોટાભાગના લોકો માત્રને માત્ર ઘેટા-બકરા ચરાવી, દુધ વેચી પોતાનું અને પરિવારના સભ્યોનું ગુજરાન ચલાવતા હતા.પરંતુ જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ સામાજીક જાગૃતિનો સંદેશો કોઇને કોઇ રીતે પ્રસરવા લાગતા પશુપાલન છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા.

સ્વાભાવિક છે કે,ભરવાડ સમાજમાં  પશુપાલન વારસાગત વ્યવસાય છે...પણ સમયના વ્હાણા વિતવા લાગ્યા જેમ જેમ ટેકનોલોજીનો યુગ આગળ વધવા લાગ્યો તેમ જ સમયની સાથે ચાલી માલધારી જ્ઞાતિએ પણ પશુપાલનના વ્યવસાયને તિલાંજલિ આપી અન્ય વ્યવસાયોમાં ઝંપલાવવાનું શરૂ કરી દીધુ...પોત-પોતાની મહેનત, કુનેહ, કોઠાસૂઝ અને આવડતને પરિણામે સફળતાનો સોનેરી સ્વાદ ચાખવા લાગ્યા.

હા...એક વાત ચોકકસ કહેવાનું મન થાય કે, ભરવાડ સમાજ પશુપાલન સાથે સંકળાયેલો હોવાથી વર્ષો આગાઉ શરૂઆતના તબકકામાં જરૂરી શિક્ષણના અભાવે અન્ય રોજગાર તરફ વળવુ એટલુ સહેલુ નહોતુ...પરંતુ રૈયા ગામે સમૂહલગ્નોત્સવના શુભારંભ સાથે જ સામાજીક ઉન્નતિનો  ઉદયરૂપ સુરજ ઉગવા લાગ્યો...વર્ષો પહેલા જયારે આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓએ ૨૧ દિકરીઓથી પ્રારંભ  કરેલ સમૂહલગ્નોત્સવરૂપ સામાજીક સેવા યજ્ઞ આજે વટવૃક્ષના રૂપમાં પરિવર્તિત થઇ દર વર્ષે આગળને આગળ જ વધી રહયો હોવાથી પાયાના પથ્થરસમા અગ્રણીઓના હૈયામાં હરખ સમાતો નથી.

હાલ...લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે ચારે બાજુ ગુંજતા શરણાઇઓના સુર નવદંપતિઓના સાંસારિક જીવનમાં નવપ્રવેશની ખુશી સાથે જ સામાજીક જવાબદારી પણ સોપે છે.પરંતુ ભરવાડ સમાજમાં જોઇએ તો સમૂહલગ્નોત્સવોએ  માત્ર નવયુગલો માટે સંસારરૂપ કેડી જ નથી કંડારી, પણ સમગ્ર સમાજમાં 'સામાજીક ઉન્નતિ'રૂપ શરણાઇઓ ગુંજવી દીધી હોવાથી અગાઉ ઘર કરી ગયેલા કુરિવાજો જેવા કે, દિકરીને દુધ પીતી કરવી, પેટે ચાંદલા, દિયરવટુ, કન્યા વિક્રય, ઝુરા (દહેજ) પ્રથા સંપૂર્ણપણે કાબુમાં આવી જવા પામી છે.

એવી જ રીતે સમૂહલગ્નની સફળતાની બીજી બાજુ જોઇએ તો ગરીબમાં ગરીબ પરિવારની દિકરીઓ સમાજના પૂજનીય સંતો-મહંતોના સાનિધ્ય અને સમાજ શ્રેષ્ઠીઓ, નાત-ગંગાની બહોળી ઉપસ્થિતિમાં સાસરે વળવાનું સાંૈભાગ્ય પ્રાપ્ત કરે છે.

વળી, સંતો-મહંતોના શુભ સાનિધ્યમાં સમાજનો મોટામાં મોટા પરિવાર પણ સમૂહલગ્નને હરખે ઉમંગે માણતો  હોવાને પગલે પ્રસરતી 'સૌ સરખા'ની ભાવનાથી અરસપરસની આત્મીયતા, લાગણી વધે છે, તો અન્ય કેટલાક પરિવારો વચ્ચે કોઇને કોઇ કારણોસર થયેલા મતભેદો પણ દુર થયા છે...સમૂહલગ્નોત્સવનો આત્મીયતારૂપ માહોલ જ્ઞાતિજનોમાં સબંધ  વિકસાવવા સાથે સાથે સંપર્ક સેતુને પણ મજબુતાઇ આપવામાં સફળ નિવડયો છે.

જો કે, વર્તમાન સમયમાં ભાગદોડભરી જીવનશૈલીમાં લોકોને કારણ વિના કામ કાજ ખોટી કરવા પોસાય તેમ નથી ત્યારે સમૂહલગ્ન સામાજીક સુધારાની જેમ જ માણસોના કિંમતી સમયનો પણ બચાવ કરે છે.

દરમિયાન  રાજુભાઇ જૂંજા અને  ભીખાભાઇ પડસારીયાના જણાવ્યાનુસાર અગાઉ રાજકોટ કે સૌરાષ્ટ્રમાં કોઇ સ્થળોએ સમૂહલગ્નોત્સવ થતા  જ નહિ,પણ જેવી રાજકોટમાંથી સમૂહલગ્નોત્સવરૂપી સામાજીક ક્રાંતિની મિશાલ પ્રગટયા બાદ દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરના વિવિધ તાલુકા મથકોએ સમૂહલગ્નોની શરૂઆત થઇ...હાલ દરેક તાલુકા-તાલુકાએ સામુહિક લેવલે એક જ મંડપ નીચે દિકરીઓ પ્રભુતમાં પગલા માંડી સાંસારિક જીવનની કેડીએ પગલા માંડે છે.

બસ...એવી જ રીતે છાત્રાલયોની સંખ્યા પણ વર્ષેને વર્ષે વધતી ગઇ છે.જેમાં અત્યારે રાજકોટમાં કન્યા-કુમાર છાત્રાલયની જેમ જ જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, બાબરા, અમરેલી, વાંકાનેર, સાવરકુંડલા અને છેક અમદાવાદ સુધી શૈક્ષણિક જયોતનો ઝળહળાટ પહોંચી ગયો છે.એક વાત ચોકકસ કહી શકાય કે, સૌરાષ્ટ્રભરમાં સમૂહલગ્નોત્સવની જેમ જ છાત્રાલયોના નિર્માણમાં પણ રાજકોટની ગૌપાલક સમૂહ લગ્ન સેવા સમિતિ પ્રેરણા-રાહરૂપ બની છે.

જો કે, આશરે વીસેક વર્ષ અગાઉ જ્ઞાતિમાં શિક્ષણનું સ્તર માંડ માંડ ૧૦% જેટલુ જ હતુ, જયારે વર્તમાન સમયમાં અંદાજીત ૬૦%જેટલી આવેલી ઉંચી ઉડાન પણ માત્રનેમાત્ર સમૂહલગ્નને જ આભારી કહી શકાય...તો દિકરા-દિકરીને સમાંતર ગણવાની ભાવના, ભૃણ હત્યાને સદંતરપણે બ્રેક, આણા પ્રથા, બાળ લગ્ન નાબુદી, લાજ પ્રથામાં જાગૃતતા, દેખા દેખી, વ્યસન જાગૃતિ, લગ્નોમાં કરાતા ખોટા ખર્ચા ઉપર કાપ સહિતની વિવિધ બાબતો પ્રત્યે સમાજમાં આવેલી જાગૃતિમાં પણ સમૂહલગ્નોત્સવોને જ  કડીરૂપ માનવા સામે કોઇ પ્રશ્નાર્થ જ નથી.

મંગલ દિવસોમાં માંગલિક પ્રસંગોમાં ખુશીઓના સાક્ષી બનનાર વિવિધ ધર્મસ્થાનોના સંતો-મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સ્ટેજ ઉપરથી થતા પ્રવચનો પણ ખરેખર 'સમાજ સંદેશા' જેવા જ બની રહે છે.દરેક સ્થળે થતા પ્રાસંગિક પ્રવચનોના  પરિણામ સ્વરૂપે અત્યારે સમાજમાં લગભગ તમામ સ્તરે જાગૃતતા તો આવી ગઇ છે...પરંતુ વડીલોને માન-સન્માન આપવા મુદે મળતી શીખને પણ સૌ સોના સમાન ગણતા હોય તેમ હાલ ભરવાડ સમાજના એકેય વૃધ્ધ વ્યકિત કોઇ વૃધ્ધાશ્રમમાં નથી...એ જ બાબત શ્રેષ્ઠ-લાગણીસભર-વિવેકી-વડીલવંદનારૂપ સમાજની સાક્ષી પુરે છે.

દરમિયાન વર્તમાન સમયમાં દિવસેને દિવસે વધી રહેલી પશ્વિમી સંસ્કૃતિના પ્રસરતા પવનને પગલે પગલે સંત સૂરાની પાવનભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં પણ યુવા વર્ગ ભારતીય સંસ્કૃતિથી કયાક ને કયાક વિમુખ થતો જતો હોવાની સામાજીક સ્તરે જાગૃત શ્રેષ્ઠીઓને ચિંતા સતાવી રહી છે ત્યારે ભરવાડ સમાજના અગ્રણી અને સમૂહલગ્ન સમિતિમાં સંચાલકની ભૂમિકા ભજવી સેવા જયોતને ચો તરફ પ્રસરાવતા રાજુભાઇ જૂંજાએ ભરવાડ સમાજની એક પણ વ્યકિત વૃધ્ધાશ્રમ ન હોવાની ખુશી વ્યકત કરવા સાથે જ અન્ય કેટલાક સમાજના વડીલોની  વૃધ્ધાશ્રમોમાં વધી રહેલી રહેલી સંખ્યા  બાબતે ચિંતા વ્યકત કરી જણાવ્યુ હતુ કે, અવાર-નવાર કેટલાક અગ્રણીઓ દ્વારા વૃધ્ધાશ્રમોને દાન આપવાની પ્રવૃતિ ચાલી આવે છે...હા, વડીલોની સેવા-ચાકરી કાજે માનવતા દાખવવી સારી વાત છે, પણ થોડુ ઉંડુ વિચારીને દાન આપવાને બદલે વૃધ્ધાશ્રમને સંપૂર્ણપણે નાબુદ કરવાની ભાવના કેળવી વડીલોને જ દતક લઇ સાર સંભાળ રખાય તો જરૂર સમાજમાંથી આવતા વર્ષોમાં વૃધ્ધાશ્રમો પણ બંધ થતા જોવા મળશે.તેમાં કોઇ શંકાને સથાન જ નથી...સાથે સાથે સરકારે પણ  વૃધ્ધાશ્રમરૂપ પ્રવૃતિને સદંતર બ્રેક લગાવવા બાબતે  યોજના બનાવવી જોઇએ.

સામાજીક ક્રાંતિ ઉપર એક નજર...

-શિક્ષણ જયોતની સોનેરી સુવાસ  ૧૦%માંથી ઉંચે ચડીને છેક ૬૦% એ પહોંચી

-કન્યા વિક્રયમાં સોનેરી સફળતારૂપ ૧૦૦%ઘટાડો

-બાળ લગ્નમાં પણ  ઐતિહાસિકસમો ૧૦૦% અંકુશ

-સાસુ-સસરા જ સમય સાથે મિલાવવા લાગ્યા તાલ,લાજ પ્રથા અંદાજે ૭૦% ઓછી થઇ

-કન્યા વિક્રય જેવો ઘટયો એવો જ કન્યા કેળવણીનો ઉમંગભેર ઉદય

-માવતરોમાં સંતાનો પ્રત્યેના મતભેદો  ઉપર પૂર્ણવિરામ, દિકરા-દિકરીને સમાન ગણવાની ભાવના ચો તરફ ખીલી

-ભૃણ હત્યાનું 'ચોરી છુપી' થતું પાપ સદંતરપણે ધોવાયુ

-આણા પ્રથા ઉપર પણ અંકુશ આવ્યો

-દિકરીઓને સમયસર સાસરે વળાવવાનો માર્ગ આંગણે-આંગણે પહોંચ્યો

-યુવાનોમાં માનવ જયોત ઝળહળી, બે દાયકાંમાં રકતદાનની સેવા સુવાસ ધમધમવા લાગી...

-આંતરિક મતભેદો નિવારણરૂપ 'જ્ઞાતિ પંચ'ની બોલબાલા યથાવત...શ્રી મચ્છુ માતાજીની સાક્ષીએ સમાધાનની ફોર્મ્યુલામાં સૌને પૂર્ણ વિશ્વાસ

ગૃહકંકાસનો રામબાણ ઇલાજ પુત્રવધુને 'દિકરી' તરીકે સ્વીકારોઃ રાજુભાઇ જૂંજા

'જીવાદોરી' ટંુકાવતા  વ્યસન છોડી યુવાનોએ સમાજમાં માન-મોભો વધારતા 'સેવાકાયો'ર્નું વ્યસન કરવુ જોઇએઃ નવપરિણીત યુવતિઓને પણ શીખ...સાસુને માતાની જેમ જ આદર આપો

રાજકોટઃ વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખુટી રહેલી ધીરજને કારણે પરણીને સાસરે ગયેલી યુવતિઓ અને સાસુઓ વચ્ચે અવાર-નવાર કોઇને કોઇ વાત મુદે મતભેદો સર્જાતા રહે છે...ઘણી વખત તો નાની-નાની બાબતે થતી રકઝક મોટુ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે ત્યારે સૌ દિકરીઓ અને સામે તેની સાસુઓએે પણ રાજુભાઇ જૂંજાની વાત સ્વીકારવા જેવી છે.

આ અંગે રાજુભાઇ (મો ૯૮૯૮૧ ૦૨૪૭૨)એ કહયુ હતુ કે, જો સાસુ પોતાની પુત્રવધુને વહુને બદલે દિકરીના રૂપમાં જોશે તો કદી ઝઘડવાની પરિસ્થિતિ જ સામે આવીને ઉભી નહિ રહે...તો સામે પક્ષે નવપરિણીત દિકરીઓએ પણ સાસુને' માં'ની નજરે જોઇ આદરભાવ આપવો જરૂરી બની જાય છે.

એવી જ રીતે સમાજમાં લગ્નમાં દિવસેને દિવસે વધી રહેલી લેતી-દેતી બાબતે ચિંતા વ્યકત કરી ઉમેર્યુ હતુ કે, ખાસ કરીને શ્રીમંત પરિવારોએ માત્રને માત્ર દેખાડા ખાતર ઘરેણા આપવામાં કાપ મુકવો જોઇએ.બાહ્ય આડંબર છોડીને પથદર્શક બનવુ જરૂરી છે.

આ ઉપરાંત યુવાનોમાં વધી રહેલા વ્યસનોને ટાંકીને જણાવ્યુ હતુ કે, યુવા વર્ગે તમાકુ, ગુટખા, માવા, ફાકી, સિગારેટ જેવા શરીરને નુકશાન કરવા સાથે જ જીવાદોરી ઉપર કાપ મુકતા ખોટા વ્યસનોને તિલાંજલિ આપી સમાજમાં માન-મોભો વધે તેવા સેવાકાર્યોમાં જોડાઇને સમાજસેવાનું વ્યસન અપનાવવું જોઇએ.એવી જ રીતે રાજુભાઇ જૂંજાએ તો ભારતવર્ષની સંસ્કૃતિ અને અસ્મિતાને ટકાવવા મુદે કહેલ કે, હવે તમામ સમાજેે જ્ઞાતિના વાડા અને ભેદભાવ ભૂલીને માત્રને માત્ર 'માનવતા'ના રસ્તે ચાલવાનો સમય આવી ગયો છે.

 ગામડાનું ગૌરવ, પણ મહિલાઓમાં વધતું વ્યસનનું દુષણ  ચિંતાજનકઃ ભીખાભાઇ પડસારીયાઃ અવાર-નવાર કપડા પહેરાવવા જેવી ઉપજાવી કાઢેલી પ્રથામાં કદી આંધળો વિશ્વાસ મુકતા નહિ

રાજકોટઃ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં વસવાટ કરતા ભરવાડ સમાજમાં દિવસેને દિવસે વધી રહેલી શૈક્ષણિક જાગૃતિ અને જ્ઞાતિમાં ગૌરવરૂપ કાર્યને પગલે અન્ય લોકોમાં પણ પ્રેરણાબળ મળે છે...પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં વધતું વ્યસનનું દુષણને સમૂહલગ્ન સમિતિના અગ્રણી ભીખાભાઇ પડસારીયા (૯૮૨૪૧ ૯૯૯૦૯)એ  સમગ્ર સમાજ માટે ચિંતાજનક ગણાવ્યુ હતુ.

સાથે સાથે મહિલાઓને ટાંકીને એવું પણ કહયુ હતુ કે, ખાસ કરીને ગામડાઓમાં અવાર-નવાર કોઇને કોઇ વેપારીઓ દ્વારા પૈસા કમાવાની લ્હાયમાં કપડા પહેરાવવા, મીઠાઇ ખવડાવવા જેવી વાતો પ્રસરાવાતી હોય છે...જેને પગલે નાછૂટકે ભોળી-અશિક્ષિત  મહિલાઓને મોંઘવારીના સમયમાં મને કમને ખોટા ખર્ચા કરવા પડે છે.

ખરેખર ભરવાડ સમાજ ધર્મમાં માનવાવાળો હોવાથી ગમે તેની આસ્થારૂપ વાતોમાં વિશ્વાસ કરી લેતો હોય છે ત્યારે જયારે-જયારે આવી કોઇ  વાતો કે અફવા સાંભળવા મળે ત્યારે ઉતાવળમાં ખોટા ખર્ચા કરવાને બદલે કોઇ મોવડીઓ કે અગ્રણીઓની સલાહ લેવાનું ચુકવુ જોઇએ નહિ.

આ ઉપરાંત ભીખાભાઇએ સગાઇ, દિકરીઓને ઝબલા દેવા જેવા નાના-નાના પ્રસંગોએ પણ યથાયોગ્ય કાપ મુકી કરકસરની રીત અપનાવવા  મહેચ્છા વ્યકત કરી છે.

 અહેવાલ

જગદિશ  ભુંડીયા

(11:51 am IST)