Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પથરીના ઓપરેશન બાદ ધ્રાંગધ્રાના બાવળી ગામની પરિણીતાનું મોતઃ બેદરકારીનો આક્ષેપ

જયા રાઠોડ (ઉ.૨૨)નું એકવાર સુરેન્દ્રનગર અને બીજીવાર અમદાવાદ ઓપરેશન કરાવાયેલઃ તબિબ વિરૂધ્ધ આક્ષેપો થતાં લાશનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૮: ધ્રાંગધ્રાના બાવળી ગામની ચમાર પરિણીતા જયાબેન ઇશ્વર રાઠોડ (ઉ.૨૨)નું પથરીના ઓપરેશન બાદ લોહીની ઉલ્ટી થતાં મોત નિપજતાં સુરેન્દ્રનગરના તબિબની બેદરકારીથી મોત થયાનો સ્વજનોએ આક્ષેપ કરતાં વઢવાણ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં ખસેડી છે.

મૃતક જયાબેનના સગાએ કહ્યું હતું કે જયાબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર મુળીના પાંડવરા ગામે રહે છે. પતિ ઇશ્વર લાલજીભાઇ રાઠોડ છૂટક મજૂરી કરે છે. જયાબેનને પેટમાં દુઃખાવો ઉપડતાં સુરેન્દ્રનગરના ડો. ખારોડને ત્યાં દેખાડતાં પથરીનું નિદાન થયું હતું. તેની હોસ્પિટલમાં જ વીસ દિવસ પહેલા દાખલ કરી એક પથરી ઓપરેશની કાઢવામાં આવી હતી. બીજી પથરીના ઓપરેશન માટે અમદાવાદ મણીનગરના ડોકટર પાસે મોકલાયેલ. ત્યાં ઓપરેશન બાદ ઘરે આવ્યા હતાં. ગત પાંચમીએ દુઃખાવો ઉપડતાં ડો. ખારોડની હોસ્પિટલમાં લઇ જવાયેલ. છઠ્ઠીએ લોહીની ઉલ્ટી શરૂ થઇ જતાં અને ઝાડામાં પણ લોહી આવવા માંડતાં ફરીથી ડો. ખારોડને ત્યાં દાખલ કરાયેલ. જ્યાં ગત સાંજે મોત નિપજ્યું હતું.

આ ડોકટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ તેણીના પતિ, ભાઇ, બનેવી સહિતે  કરતાં વઢવાણ પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા મૃતદેહ રાજકોટ ખસેડ્યો છે. (૧૪.૬)

(11:48 am IST)