Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાજકોટના સરોજબેનનું મોરબીના અમરેલીમાં આવેલું મકાન ચાંઉ કરી જઇ ત્રણ શખ્સોની ૧૫ લાખની ઠગાઇ

દિકરી સાથે રહેતાં રજપૂત વિધવાએ પતિના પરિચીત દેવરાજ મુંધવા મારફત લતીપરના ખોડા રામાણીને મકાન અપાવ્યું: ખોડાએ બારોબાર સંજય ખાંડેખાને વેંચી માર્યુ!: તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૮: આજીડેમ ચોકડી પાસે રામ પાર્ક-૪માં રહેતાં સરોજબેન અરવિંદભાઇ સિંધવ (ઉ.૫૮) નામના રજપૂત મહિલાની માલિકીનું મોરબી જીલ્લાના અમરેલી ગામમાં આવેલુ મકાન લતીપર, રાજકોટ, મોરબીના ત્રણ શખ્સોએ ખરીદવાના બહાને ૧૫ લાખમાં સોદો કરી તેનો દસ્તાવેજ કરાવી લઇ બાદમાં મકાનની કિંમતના રૂ. ૧૫ લાખ ન ચુકવી ઠગાઇ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે તાલુકા પોલીસે સરોજબેન સિંધવની ફરિયાદ પરથી ધ્રોલના લતીપરના ખોડા નાગજીભાઇ રામાણી, રાજકોટ રણુજા મંદિર પાસે રહેતાં દેવરાજ રત્નાભાઇ મુંધવા અને રાજકોટ તથા મોરબીમાં રહેતાં સંજય ખાંડેખા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે.

સરોજબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા દિકરી રીનાબેન સાથે રહુ છું અને નિવૃત જીવન ગાળુ છું. મારા પતિનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું છે. સાડા ચારેક વર્ષ પહેલા અમે કોઠારીયા રોડ પર માટેલ હોટેલ પાસે રહેતાં હતાં. ત્યારે બાજુમાં દેવરાજભાઇ મુંધવા રહેતાં હોઇ તેની સાથે પરિચય થયેલો અને મારા પતિએ મારા નામે મોરબીના અમરેલીના રણછોડનગર-૧માં આવેલી જમીન પ્લોટ નં. ૪૧માં ૫૪૦ ચો.ફુટની જમીન પર મકાન લીધેલુ હોઇ તે વેંચવાની વાત દેવરાજભાઇને કરી હતી.

તે વખતે દેવરાજભાઇએ કહેલુ કે લતીપરના ખોડાભાઇ રામાણી મારા જાણીતા છે અને હું તેને વાત કરીશ. તેના થોડા સમય પછી દેવરાજભાઇએ કહેલ કે આત્મીય કોલેજ પાસે આપણે જવાનું છે ત્યાં ખોડાભાઇ આવી રહ્યા છે. આથી હું , મારા દિકરી રીનાબેન અને દેવરાજભાઇ ત્યાં ગયા હતાં. ત્યારે કોલેજના ગેઇટ નજીક એક ભાઇ ઉભા હતાં તે ખોડાભાઇ હોવાનું દેવરાજભાઇએ કહ્યું હતું. તેણે મકાન ખરીદવું છે તેવી વાત કરતાં અમે દસ્તાવેજો બતાવેલા હતાં અને ૧૫ લાખ કિંમત કહી હતી. સોદો નક્કી થતાં અમે મોરબી જઇ દસ્તાવેજ કરી દઇએ અખે ખોડાભાઇને આપી દઇએ એટલે ૧૫ લાખ મળી જશે તેવું નક્કી થયું હતું.

ત્યાર પછી હું, મારા દિકરી અને દેવરાજભાઇ મોરબી ગયેલા અને ખોડાભાઇ રામાણીના નામનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તે વખતે તેણે રૂપિયા કાલે મળી જશે તેમ કહ્યું હતું. પરંતુ બીજા દિવસે રૂપિયા આપ્યા નહોતાં. અમે ઉઘરાણી કરતાં ગોળ-ગોળ જવાબો આપ્યા હતાં. એ પછી અમે દેવરાજભાઇ મુ઼ધવાને વાત કરતાં તેણે પણ ખોડાભાઇ પૈસા આપી દેશે, તે સારા માણસ છે તેવી વાતો કરી હતી. પણ પૈસા આવ્યા નહોતાં. બાદમાં અમે તપાસ કરતાં દેવરાજ મુંધવા રાજકોટથી બીજે રહેવા જતાં રહ્યાની અને ખોડાભાઇએ અમારું મકાન સંજય ખાંડેખાને વેંચાણ દસ્તાવેજથી વેંચી નાંખ્યાની ખબર પડી હતી.

આમ આ ત્રણેય જણાએ પૂર્વયોજીત કાવત્રુ રચી અમારું મકાન પડાવી લઇ ઠગાઇ કરી છે. તેમ વધુમાં સરોજબેને જણાવતાં પી.આઇ. વણઝારાની રાહબરીમાં પી.એસ.આઇ. સી.એસ. આસુન્દ્રાએ તપાસ શરૂ કરી છે.

(11:30 am IST)