Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનાની સંભવિત લહેર સામે સજ્જ થતું રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર:પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી

રાજકોટ જિલ્લામાં કોરોના નું ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે- કલેકટર અરુણ મહેશ બાબુ :રાજકોટ જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરાશે

રાજકોટ:રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર સંભવિત કોરોના ની લહેર સામે સજ્જ થયું છે. રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા એ રાજકોટ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાના કેસ વધે તો લોકો માટે ઉપલબ્ધ સારવાર અને હાથ ધરાયેલી કામગીરી ની ચર્ચા કરી હતી.

  રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ ,મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે હાથ ધરવામાં આવેલા પગલાની તેમજ જરૂર પડે તો વધારવામાં આવનાર કામગીરીની માહિતી આપી હતી.
 પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ લોકો વધુ સંક્રમિત ન થાય તે માટે આગમચેતીના ભાગરૂપે તેમજ જરૂરી પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિદિન કોરોના નું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે .જો કેસ વધે તો લોકોની સારવાર થઇ શકે તે માટે આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા તબીબી પેરા મેડીકલ સ્ટાફ કર્મચારીઓની નિમણૂક થાય તે માટે નોડલ અધિકારીઓ પણ નિમવામાં આવ્યા છે.
  રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૦ ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ બાદ જરૂર પડયે એક સપ્તાહમાં વધારાના ૫૦ સંજીવની રથ શરૂ કરવામાં આવશે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ માટે ઇ-સંજીવની કાર્યરત કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૬૦૦ એમ્બ્યુલન્સનો કાફલો સાબદો રાખવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો તમામ સુવિધાઓથી સજજ બનાવવામાં આવી છે રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં ટુ ડોર સર્વે કરવાની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરાશે શંકાસ્પદ લોકોનું ટેસ્ટિંગ થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ  દ્વારા પણ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

 આ સાથે રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સમાં અપાયેલી સુચનાઓ અને માર્ગદર્શિકાઓ નું જિલ્લામાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા હેતુએ અમલ થાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:41 pm IST)