Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પારીજાત સોસાયટી પાસેથી દારૂની ૮૪ બોટલ સાથે ત્રણને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

નરેન્‍દ્રસિંહ રાણા, ધર્મેન્‍દ્રસિંહ ઉર્ફે મુન્‍નો અને જય પરમારની ધરપકડ : એકના ઘરમાંથી પણ દારૂની ૨૨ બોટલ કબ્‍જે

રાજકોટ,તા. ૮ : યુનિવર્સિટી રોડ પર પારીજાત સોસાયટી મેઇન રોડ વિમલનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ત્રણ શખ્‍સોને દારૂની ૮૪ બોટલ સાથે પકડયા બાદ પુછપરછ દરમ્‍યાન આલાપ એવન્‍યુ સોસાયટીમાં મકાનમાંથી પણ દારૂની ૨૨ બોટલ કબ્‍જે કરી હતી.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર પારીજાત સોસાયટી મેઇન રોડ વિમલનગરમાં ત્રણ શખ્‍સો દારૂના જથ્‍થા સાથે ઉભા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. સંજયભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક તથા ઉમેશભાઇ ચાવડાને બાતમી મળતા પારીજાત સોસાયટી મેઇન રોડ પર વિમલનગર રાધે હોલની સામે ખુલ્લી જગ્‍યામાં દરોડો પાડી રૂા. ૪૨ હજારની કિંમતની દારૂની ૮૪ બોટલ સાથે યુનિવર્સિટી રોડ આલાપ એવન્‍યુ સોસાયટીમાં રહેતા નરેન્‍દ્રસિંહ સુખદેવ રાણા, પારીજાત સોસાયટી શેરી નં. ૬ના ધર્મેન્‍દ્રસિંહ ઉર્ફે મુન્નો જયદેવસિંહ પરમાર તથા મુંજકા ગામ ટીટોડીયા સ્‍લમ કવાર્ટર એલ/૧૭૯માં રહેતો જય મનોજભાઇ પરમારને પકડી લઇ દારૂનો જથ્‍થો તથા એકટીવા અને એકસેસ મળી રૂા. ૧.૬૬ લાખની મતા કબ્‍જે કરી હતી. પોલીસે ત્રણેયની પુછપરછ કરતા જય પરમાર એકટીવા લઇને દારૂ લેવા આવ્‍યો હતો બાદ વધુ દારૂનો જથ્‍થો નરેન્‍દ્રસિંહ રાણાના મકાનમાં પડયો હોવાનું જાણવા મળતા આલાપ એવન્‍યુ સોસાયટીમાં મકાનમાં દરોડો પાડી રૂા. ૧૭,૦૦૦ની કિંમતની દારૂની ૨૨ બોટલ કબ્‍જે કરી હતી અને હરપાલસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.


 

(3:27 pm IST)