Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

સાત દિવસના સ્વર, સૂર અને તાલના મેઘધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮'નું સમાપન

શાસ્ત્રીય સંગીતનો લેજન્ડ પંડિત ભજન સોપારીએ સંતુરના સૂરથી રંગ ભર્યા : રાજકોટના નવોદિત કલાકાર ધ્વની વચ્છરાજાનીએ તેમના સ્વરની સાધનાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા : સાત દિવસમાં સંગીતપ્રેમીઓએ શિસ્તબદ્ધ અને મનભરીને કાર્યક્રમ માણ્યો : કાર્યક્રમના આયોજક જયોતિ સીએનસીવાળા પરાક્રમસિંહ જાડેજા અને તેની સમગ્ર ટીમ ઉપર અભિનંદન વર્ષાનો ધોધ

રાજકોટ, તા. ૮ : શાસ્ત્રીય સંગીતને લોક ભોગ્ય અને યુવાનોથી માંડીને તમામ ઉમરના લોકોને હિન્દુસ્તાની સંગીત સમીપ લાવવા, તેમજ સમાજમાં શાસ્ત્રીય સંગીત થકી સંસ્કાર ના ધડતર કરવાનુ લક્ષ્ય લઈને નીઓ રાજકોટ ફાઉન્ડેશન ચાલી રહી છે. તે ઉપરાંત સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન અયોજીત શાસ્ત્રીય સંગીતના મેદ્યધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮' કલા મહોત્સવ ના સાતમા અને અંતીમ દિવસે પં. ભજન સોપોરીએ સંતુરના સુર થી રંગ ભર્યા અને સુરમયી સપ્તાહની પૂર્ણાહુતી કરી હતી.

આ સાત દિવસના કાર્યક્રમોને માણવા લગભગ ૪૦૦૦ લોકોએ રસ દાખવ્યો હતો, જેમા રોજ સરેરાશ ૧૩૦૦ જેટલા લોકોએ સતત સાત દિવસ શિષ્તબદ્ધ રીતે, મનભરી આ કાર્યક્રમોને માણ્યા હતા. આ શાસ્ત્રીય સંગીતના મેઘધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮'માં મોહનવીણા વાદક પંવિશ્વમોહન ભટ્ટ, સિતાર વાદક અમિતા દલાલ, શાસ્ત્રીય ગાયક ઉ. રાશીદ ખાન, વાયોલીન વાદક ડો. એન. રાજમ, શાસ્ત્રીય ગાયીકા સુ. શુભામુદગલ, સિતાર વાદક પં. કુશાલ દાસ, તબલા વાદક ઉ. ફઝલ કુરેશી, અને સંતુર વાદક પં. ભજન સોપોરી જેવા દિગજજ અને પ્રથમ હરોળના કલાકારોની કલાનો લાભ રાજકોટવાસીઓને મળ્યો.

સાતમાં અને અંતિમ દિવસના ની સાંજ સ્વર અને સુર ના સંગાથે થઈ રસસભર. રાજકોટના નવોદિત કલાકારા ધ્વનિ વચ્છરાજાની એ તેમના કંઠય સંગીત અને પંડિત ભજન સોપોરીના સંતુર વાદને કર્યા રાજકોટવાસીઓને રસતરબોળ. કલા મહિત્સવના સાતમા દિવસની શરુઅત દીપ પ્રાગટય દ્વારા કરાઇ. જેમા પેટ્રન એંજલ પંપ ના શ્રી શિવલાલ અદરોજા અને જયોતિ સીએનસી પરિવારના શ્રી દ્યનશ્યામસિંહ અને સહદેવસિંહ જાડેજા પરિવાર, તેમજ કો-પેટ્રન પ્રો. ડો.મેધા મહેતા, કોટેચા સ્કુલના ભુતપૂર્વ પ્રિન્સીપાલ શ્રી વત્સલાબેન મહેતા અને ડો.અર્ચનાબેન દેસાઇ દ્વારા કરાયો.

કાર્યક્રમના પ્રથમ ચરણ માં રાજકોટના નવોદિત કલાકારા ધ્વનિ વચ્છરાજાની કે જેઓ શાસ્ત્રીય ગાયન ના (ઇંદોર ઘરાના) સારા કલાકારા છે. તેમણે MA કર્યું છે અને હાલમાં PhD કરી રહ્યા છે અને સંગીત માં તેઓ વિશારદ અને અલંકાર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અંગ્રેજી ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયેલા છે. તેઓ છેલ્લા ૧૭ વર્ષથી તેમના ગુરૂ પીયુબેન સરખેલ પાસેથી (ઇંદોર ઘરાના) સંગીતની તાલીમ મેળવી છે. તેઓએ તેમના સુરીલા કંઠનો પરિચય આપ્યો હતો. સપ્ત સંગીતિ જેવા મંચનો લાભ રાજકોટની ઉગતી નવોદિત પ્રતિભાઓને મળે તે માટે આ વખતે નીયો રાજકોટ ફાઉન્ડેશનના આયોજકો દ્વારા રાજકોટના કલાકારોને પણ આ વિશ્વ વિખ્યાત કલાકારો વચ્ચે થોડો સમય સ્ટેજ શેર કરવાની તક આપવાનુ સ્તુત્ય આયોજન કરાયુ. આમ કરવા પાછળનો આશય એવો છે કે દેશના યુવાધન ને શાસ્ત્રીય સંગીત તરફ લાવી શકાય અને જે કલાકારો આ ક્ષેત્રે કારકિર્દિ બનાવવા માંગે છે તેમને પ્રોત્સાહન મળે, અત્મવિશ્વાસ વધે અને મોટા મંચ ની તક સાંપડે. તેમની સાથે હારમોનીયમ પર સંગત કરી હતી, રાજકોટના જ યુવા સ્વરકાર અને વાદ્યકાર શ્રી પલાશ ધોળકીયાએ અને તેમના મોટા બંધુ શ્રી નિરજ ધોળકીયા એ તબલા પર સંગત કરી હતી. સૌ  પ્રથમ ધ્વનિએ રાગ જોગમાં વિલંબીત ખયાલ ની બંદિશ 'ઓ બલમા' તાલ રૂપકમાં અને તરાના તીન તાલમાં રજુ કર્યો હતો.  પછી સુંદર ભજન, 'મારો પ્રણામ બાંકે બિહારી' રાગ યમન કલ્યાણમાં રજુ કરી શ્રોતાઓની વાહ વાહી મેળવી હતી.

કાર્યક્રમાના દ્વિતીય  ચરણ માં હિન્દુસ્તાની સંતુર વાદનના ખ્યાતી પ્રાપ્ત કલાકાર પદ્મ શ્રી પંડિત ભજન સોપોરી પ્રસ્તુત થયા હતા. શાસ્ત્રીય વાદ્ય સંગીતના લીવીંગ લેજન્ડ  પંડિત ભજન સોપોરી ભારતના ટોચના સંતુર વાદક છે. તેઓ નો જન્મ કાશ્મીરના શ્રીનગરમાં, સંતુર વાદન ની ૩૦૦ વર્ષ જુની અનોખી પરંપરાગત શૈલી 'સુફિયાના ઘરાના'માં થયો હતો. તેઓ દેશના અન્ય ભાગો અને કાશ્મીર વચ્ચે સાંસ્કૃતિક જોડાણના સેતુ સમાન છે. તેઓ સારા સંતુર વાદક, કમ્પોઝર, સંગીતકાર, સંગીતાચાર્ય, લેખક, કવિ અને અસામાન્ય વ્યકિતત્વ છે. સંતુર ને દેશ અને દુનિયામાં એક સંપૂર્ણ એકલ વાદન વાદ્ય તરીકે પ્રસ્થાપીત કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમણે ૧૯૫૦ ના દાયકામાં, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ને સંતુર પર સમારહોમાં રજુ કરનાર પ્રથમ કલાકાર તરીકેનો ઇતિહાસ રચ્યો છે. તેમણે તેમની છ દાયકાની સંતુર સાધના દરમ્યાન સંતુર સંગીતના ઘણા નવા આયામો નુ અનવેષણ કર્યું છે, અને તેમા તેમનુ એક અનન્ય સર્જન રહ્યું છે, 'સોપોરી બાજ'નુ, જેમાં સંતુરને પદ્ધતિસર શાસ્ત્રીય સ્વરુપે વાદન કરાય છે. આ સોપોરી બાજ વાદ્યને ૪૪ તંતુઓ થી તેમણે બનાવ્યુ છે. તેમણે અભ્યાસમા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માં બેવડી અનુસ્નાસ્તક પદવીઓ મેળવી છે, જેમા સિતાર અને સંતુરમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું છે. તે ઉપરાંત તેમણે અંગ્રેજી સાહિત્યમાં પણ અનુસ્નાતક કરેલ છે. તેમણે અમેરીકા ની વોશીંગટન યુનિવર્સીટીમાંથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી છે. તેમની સાથે તબલા પર સંગત કરી હતી પં. મિથીલેશ કુમાર ઝા, તેઓ પં. ગોપીકુમારના શિષ્ય છે. બનારસ ઘરાનાના પં.બુલબુલ મહારાજ પાસે ઉચ્ચ્તર તાલીમ લીધી. તેઓ ૪૫ વર્ષથી તબલા વગાડે છે અને ઘણા એવોર્ડ મેળવ્યા છે. તેમને પખવાજ પર સંગત કરી હતી રીષીશંકર ઉપાદ્યાય કે જેઓ ૧૫મી પેઢીના પખવાજ વાદક છે.

પં. ભજન સોપોરીએ તેમના પર્ફોર્મન્સની શરુઆત સંતુર પર છેડયો ખુબ ઓછો પ્રચલિત અને મુશ્કેલ રાગ વાગદેશ્વરી. આ અગાઉ વર્ષો પહેલા પંડિત સ્વ.ત્યાગરાજજીએ એ આ રાગ વગાડ્યો હતો, ત્યારબાદ તેની રજુઆત ઓછી થઈ છે પણ આજે તે રાગ છેડી સોપોરીજી એ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ કર્ણાટકી બઢતકારીનો ભાગ રજુ કર્યો અને રાગ આધારીત સુરોની બઢત પોતે ગાઈ અને શ્રોતાઓ પાસે પણ ગવડાવી હતી. પછી રાગ ગાવતી ની શરૂઆત તબલા સાથે સંગત પર કરી. તેમણે લયકારીમાં જુગલબંદી રજુ કરી. ત્યારબાદ મઘલય એકતાલ માં તરાના રજુ કર્યો અને દર્શકો પાસે ગવડાવ્યુ. તબલા અને પખવાજ સાથે દ્રુત લય અને અતીદ્રુતલય માં અદભુત જુગલબંદી રજુ કરી દર્શકોની તાલીઓની પ્રસંશા મેળવી હતી. તેમને દર્શકોએ સ્ટેંડિંગ ઓવેશન આપી વધાવી લીધા હતા. આ સાતેય દિવસ દરમ્યાન કાર્યક્રમનુ અદભૂત કોંપેરીંગ નીયો રાજકોટના બને ડિરેકટરો દિપકભાઇ રિંડાણી અને વિક્રમભાઇ સંઘાણીએ કરી શ્રોતાઓની સરાહના મેળવી હતી.

કાર્યક્રમના અંતમાં કલાકારોનુ સન્માન નીયો રાજકોટના ટીમ મેમ્બર સહદેવભાઇ, અજય વસાવડા, નરેન્દ્રભાઇ, હેમંત શાપરીયા, રાહુલભાઇ, પરીષભાઇ જોષી, કેતનભાઇ કકકડ દ્વારા કરાયુ. સપ્ત સંગીતિ ૨૦૧૮ના નિર્વાણના દિવસે સર્વે ડિરેકટર શ્રીઓ સર્વે, દિપકભાઇ રિંડાણી, પરાક્રમસિંહ જાડેજા, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરિયા, મૌલેશભાઇ ઉકાણી અને અરવિંદભાઇ પટેલ એ તમામ ઉદાર દાતાઓ, તમામ નીસ્વાર્થ સ્વયંસેવકો ની ટીમ, અને રસીક રાજકોટના તમામ શાસ્ત્રીય સંગીતમ માણવા આવનાર શ્રોતાઓ, તેમજ તમામ મિડિયા અને અખબારો, તમામ એજન્સીઓ કે જેમણે આખા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ધ્વની વછરાજાનીની ખયાલ ગાયકીએ લોકોની દાદ મેળવી

રાજકોટ, તા.૦૮ : ખુબજ નાની ઉંમરે મોટેરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી માધ્યમના પ્રોફેસર અને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે એક મૂકામ પ્રાપ્ત કરનાર રાજકોટના ધ્વની વિભાકરભાઇ વછરાજાનીએ સભાના પ્રથમ ચરણમાં રાગ 'જોગ'ના સૂર લગાવ્યા. તેમાં વિલંબીત રૂપક તાલમાં આલાપ, બોલઆલાપ, સરગમ, તાનને ન્યાય આપ્યો. તો તિનતાલમાં તરાનામાં લયકારી કરી શ્રોતાઓના મનોમસ્તિષ્ક પર છવાઇ ગયા. અંતમાં રાગ યમન કલ્યાણમાં કિશોરી આમોનકરજીના ભજન 'મારો પ્રણામ બાંકે બિહારીજી..' ને વહેતુ મૂકતાંજ જાણે ઓડિટોરીયમમાં વ્રજ ઉભું થયું હોય તેવો માહોલ રચાયો. ધ્વનીબેન શ્રીમતી પિયુબેન સરખેલના શિષ્યા છે. ધ્વની વછરાજાની સાથે તાનપુરા સંગત તેમની ગુરૂબહેન વિભા દવેએ જયારે તબલા અને હાર્મોનિયમ સંગત ધોળકિયા બંધુઓએ કરી હતી.

સેવાનું પ્રતિક એટલે નિયો રાજકોટ ફાઉન્ડેશન :

મહાપાલિકા સંચાલિત તમામ શાળામાં એક વર્ગને સ્માર્ટ કલાસ બનાવવાનું બીડુ ઝડપ્યુ છે : બે શાળામાં કામ ચાલુ

રાજકોટવાસીઓને નવુ શરૂ થયેલુ વર્ષ ૨૦૧૮ સુરમયી બની રહે તે માટે સતત બીજા વર્ષે નીયો રાજકોટ ફાઉન્ડેશને રાજકોટ ને 'સપ્ત સંગીતિ ૨૦૧૮'ની અલભ્ય ભેટ આપી. જેમા દેશ અને દુનિયાના ખ્યાતિ પ્રાપ્ત દિગગજ કલા સાધકોને રાજકોટના મહેમાન બનાવી, જેમના કાર્યક્રમોની ટીકીટો હજારો રૂપીયા ખર્ચતા પણ મળવી મુશ્કેલ હોય તેમને, રાજકોટની શાસ્ત્રીય સંગીત પ્રિય જનતાને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી, ગત વર્ષની ઐતિહાસીક પહેલ ને દોહરાવી છે. આ કાર્યક્રમમાં જે દાતાઓનો સહયોગ સાંપડ્યો તેમણે પણ પોતાના નામ નો ઉલ્લેખ ન કરવા અને ફકત આ સારા કામને અગળ ધપાવવા વેગ પુરો પાડયો હતો.

નીયો રાજકોટ ફાઉન્ડેશન તેની વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન 'પ્રયાસ' અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબદ્ધ રીતે કારકિર્દી લક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષઠા પામેલ છે. સંસ્થા દ્વારા રાજકોટ મ્યુનિસીપલ સંચાલીત સ્કુલો માં દરેક શાળામાં એક કલાસને ટેકનોલોજી ની મદદ થી સ્માર્ટ કલાસ બનાવવા નુ બીડુ જડપયું છે. આ કલાસના દરેક બાળકને અલગ કમ્પયુટર, વાઇ-ફાઇ, ટેલીવિઝન, સ્પેશિયલ સોફટવેર્સ અને ફેકલટી દ્વારા સ્પેશિય્લ શિક્ષણ અપવામાં આવે છે. એક શાળાનો એક કલાસ સેટઅપ કરવાનો ખર્ચ  રૂ. ૧૦ લાખ થાય છે, અને તેને મેઇન્ટેન કરવા દર વર્ષ રૂ. ૩ લાખનો ખર્ચ કરવામાં આવે છે. અત્યારે બે સ્કુલોમાં આ કાર્ય ચાલે છે અને ચાલુ વર્ષે વધુ છ શાળાઓમાં આવા કલાસ શરૂ કરવાની નેમ ધરાવે છે. આ શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

પંડિત ભજન સોપોરીના સંતુરના તરંગોથી રેલાયા સૂરોના રંગો : દુર્લભ રાગ વાગદેસ્વરી અને રાગ ગાવતીની સાથે શ્રોતાઓને પણ ગાતા કર્યા

રાજકોટ, તા. ૦૮: નિયો ફાઉન્ડેશન આયોજીત સપ્તસંગીતિ સપ્તાહની અંતિમ રાત્રીની સમાપ્તિ સાથેજ લોકોને આખું વર્ષ મમળાવવા માટે ટોનિક મળી રહ્યું. કાશ્મીરના લોકવાદ્ય સંતુરના સૂરને લોકોએ આત્મસાત કર્યા. પંડિત ભજન સોપોરીએ સંતુરના તારના તરંગોમાંથી સૂરોના રંગો રેલાવ્યા.

હિમાલયના આગોશમાં બરફના થર જામ્યા હોય, ઉતર ભારત ઠંડીમાં થથરતું હોય તો એનો રેલો બીજા રાજયો સુધી પહોંચેને ! રાજકોટમાં પણ સૂરજ ઉપર વાદળાના ઢાંકણા થયા અને ઠંડી માહોલ વચ્ચે પણ સપ્તસંગીતિની અંતીમ રાત્રે ૧૩૦૦થી વધુ સંગીત રસિયાઓનો જમાવડો રહ્યો. સભાના દ્વિતિય ચરણમાં પંડિત ભજન સોપોરીજીએ પ્રથમ ખુબજ દુર્લભ રાગ શ્નવાગદેસ્વરીલૃવહેતો મૂકયો. મૂળ કર્ણાટકના આ રાગને સંત ત્યાગરાજજીએ રચેલો જેને ઉત્ત્।ર ભારતીય શૈલીમાં લાવવાનું શ્રેય ભજનજીને જાય છે. આ રાગમાં ઉતરાંગનો ઉપયોગ થાય છે જેમાં 'પધનીસા'પર ભાર મુકાય છે. નિષાદ કોમળ આવે છે. આ રાગની પેસકશ હાથ જોડ છંદ આધારીત આવે છે. આલાપ-જોડ-જાલા-લયકારીની કારીગરી પર સૌ ફિદા થયા. પહેલી વાખત એવું બન્યું કે કોઇ કલાકાર શ્રોતાઓના ગુરૂ બન્યા હોય.. ભજન સોપોરીએ તંતુ વાદ્યની ગાયકિમાં સ્વરો લોકોને સમજાવ્યા 'ધ ની સા ગ સા ની ધ... ધ ની સા ની ધ... ધ ધ સાં ની ની પ... પ ધ ની ધ.. મ પ ધ ની ધ.. સાં ની ધ ની સાં..'  અને શ્રોતાઓને સૂરજ્ઞાનનો ઘૂંટડો પિવરાવી ગાતા કર્યા. સાથે રિશિ શંકરજીના પખાવજના નાદે પ્રાણ પૂર્યા.

પંડિતજીએ જયારે રાગ 'ગાવતી'ને સંતુર પર છેડ્યો તો જાણે તંત્ર વાદ્યમાં સૂરોનો મંત્ર ફુંકાણો. તેમને આંખ મીંચીને સાંભળીએ તો નિજમાં સમર્પિત થવાનો સુંદર ભાવ અનુભવાય. રાગ ગાવતીમાં તબલા પર મિથીલેશ કુમારેની દશ માત્રાના વિલંબીત ઝપતાલના ઠેકા સાથે રજુઆત અને મધ્યલય એક તાલમાં તરાના 'ધીમ તાનાના તાનારે તાદાની..'એ સૂરીલી સફર કરાવી. તરાનામાં તારના બારિક કંપન સાથે લોકોમાં સ્પંદન ઉત્પન્ન થયું. પંડિતજીનો સંતુરના તારને કોમળ સ્પર્શ જાણે ઠંડીની ઋતુમાં ફુલોને સ્પર્શતી ઝાંકળ જેવો લાગ્યો. સભાની કલાઇમેકસમાં પખાવજ-તબલા અને સંતુરમાં દ્રુત અને અતિ દ્રુત તીનતાલનાં ઠેકા સાથે સ્વરના પ્રત્યુતર તાલથી અપાયા. જાણે ત્રણેય વાદ્યોના ટ્રાયોને લોકોએ માણ્યો. પંડિતજીએ મંદ્ર, મધ્ય અને તાર સપ્તકમાં મીંડ સાથે સંતુર થકી કાશ્મીરની સુગંધને રાજકોટમાં પ્રસરાવી.

- શબ્દાંકન - પ્રશાંત બક્ષી - ૯૪૨૬૪૭૩૬૮૧

(3:46 pm IST)