Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ચોપન વર્ષના રિક્ષાચાલક ઢગાએ સાડાસાત વર્ષની બાળાને રૂમમાં પુરી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો

અઢી મહિના પહેલા જ પત્‍નિ ગુમાવનાર પ્રોૈઢ ઘરમાં એકલો હતો, બપોરે શેરી પણ સુમસામ હતી અને બાળા એકલી નીકળતાં દાઢ ડળકીઃ પોલ ખુલી જતાં કહ્યું-હું તો તેને સંતરુ ખવડાવવા લઇ ગયો'તો : બાળાએ દેકારો કરતાં કોઇએ દરવાજો ખખડાવતાં ઢગો બી ગયો અને બાળા બચી ગઇઃ મહિલા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ ઝણકાત, એએસઆઇ જે. વી. શુક્‍લએ ગુનો નોંધી હવસખોરને દબોચી આગવી પુછતાછ કરી

રાજકોટ તા. ૭: શહેરમાંએક વિકૃત કુસ્‍તીબાજે સો જેટલી મહિલાઓની પજવણી કર્યાનો પર્દાફાશ થયા બાદ વિકૃતિની વધુ એક ઘટના બની છે. જેમાં પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતાં ચોપન વર્ષના રિક્ષાચાલક ઢગાએ સોડા લેવા નીકળેલી સાડા સાત વર્ષની બાળાને તેડીને રૂમમાં લઇ જઇ આબરૂ લૂંટવાનો પ્રયાસ કરી અત્‍યંત બિભત્‍સ હરકતો કરતાં બાળાએ દેકારો કરી મુકતાં કોઇએ દરવાજો ખખડાવતાં બાળા બચી ગઇ હતી. પોલીસે આ ઢગાને પકડી લઇ આગવી ઢબે પુછતાછ કરી હતી.

આ ઘટનામાં મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા ભોગ બનેલી બાળકીના માતાની ફરિયાદને આધારે પોપટપરા રઘુનંદન સોસાયટી-૧ સતનામ પ્રોવિઝન સ્‍ટોર ઉપર રહેતાં રિક્ષાચાલક યુસુફ ઇસ્‍માઇલભાઇ જૂણાચ (ઉ.વ.૫૪) નામના વિધુર ઢગા સામે આઇપીસી ૩૫૪, પોક્‍સોની કલમ ૭-૮ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

બાળાના માતાએ પોલીસને જણાવ્‍યું હતું કે હું પતિ-બાળકો સાથે રહુ છું અને સોૈથી નાની દિકરી ત્રણ વર્ષની છે જ્‍યારે બીજા નંબરની દિકરી સાડા સાત વર્ષની છે.  તા. ૫ના બપોરે મને પેટમાં દુઃખાવો ઉપડતાં મેં મારી સાડા સાત વર્ષની દિકરી મારા માટે સોડા લેવા ગઇ હતી. પરંતુ તેને પાછા આવવામાં મોડુ થતાં હું બહાર નીકળીને જોતાં તે જોવા મળી નહોતી. મારો નાનો દિકરો રડતો હોઇ હું ફરી ઘરમાં જતી રહી હતી. એ પછી વીસ પચ્‍ચીસ મિનીટ બાદ મારી દિકરી સોડા લઇને આવી ત્‍યારે તેને મોડુ શા માટે થયું? તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે પોતે સોડા લેવા ગઇ ત્‍યારે રિક્ષાવાળા ભાઇ તેડીને દૂકાનની ઉપર ઘરમાં લઇ ગયા હતાં અને રૂમ બંધ કરી અડપલા કરવા માંડયો હતો. હોઠ ઉપર ચુંબન કરી લઇ ગુપ્‍ત ભાગે પણ અડપલા કરતાં તેમજ મોઢુ પકડી રાખતાં પોતે રાડારાડી કરવા માંડી હતી.

આ વખતે કોઇએ રૂમનો દરવાજો ખખડાવતાં રિક્ષાવાળો ભાઇ ઉભો થઇ ગયો હતો અને દરવાજો ખોલી તેણીને બહાર મુકી ગયો હતો. તેમ મારી દિકરીએ જણાવ્‍યું હતું. મારી દિકરીને પેટ અને ડોકના ભાગે દુઃખાવો થતો હોઇ અને તે સરખી ચાલી પણ શકતી ન હોઇ હું તુરત તપાસ કરવા ગઇ હતી અને દૂકાન ઉપર રહેતાં શખ્‍સનું નામ યુસુફ જૂણાચ હોવાનું જાણવા મળ્‍યું હતું. મેં તેની સાથે વાત કરતાં તેણે એવું કહેલું કે તમારી દિકરી સોડા લઇને જતી હતી ત્‍યારે પડી જતાં મેં તેને ઉભી કરી હતી, હું ઘરમાં લઇ ગયો નહોતો. 

જો કે યુસુફ ખોટુ બોલતો હોવાનું લાગતાં અને જે તે વખતે મોડી સાંજ થઇ ગઇ હોઇ બીજા દિવસે મેં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ભોગ બનનારના માતાએ કહેતાં પીઆઇ બી. એમ. ઝણકાત અને રાઇટર એએસઆઇ જયેશભાઇ શુક્‍લાએ તુરત જ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ તેના પત્‍નિનું અઢી મહિના અગાઉ બિમારીથી અવસાન થઇ ચુક્‍યું છે. તેની એક દિકરોપાંચેક દિવસ પહેલા જ દુબઇ નોકરી કરવા ગયો છે અને દિકરી કોલેજમાં ભણે છે. પરમ દિવસે સગાને ત્‍યાં જમણવાર હોઇ પોતે જમીને ઘરે આવી ગયો હતો અને દિકરી હજુ ત્‍યાં રોકાઇ હતી. બપોરના સમયે શેરીમાંપણ કોઇ ન હોઇ તે વખતે બાળકીને એકલી જોતાં પ્રોૈઢની દાઢ ડળકી હતી અને બાળાને રૂમમાં ખેંચી જઇ હવસનો શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઇએ દરવાજો ખખડાવતાં તે ગભરાયો હતો અને બાળા બચી ગઇ હતી.

 વિધુર ઢગાએ એવુ રટણ કર્યુ હતું કે બાળા પડી જતાં સોડા ઢોળાઇ જતાં પોતે તેને રૂમમાં લઇ ગયો હતો અને સંતરુ ખવડાવ્‍યું હતું. સાડા સાત વર્ષની બાળાને હવસખોરીનો શિકાર બનાવવા પ્રયાસ કરનારા ઢગાની પોલીસે બરાબરની પુછતાછ કરી હતી.

(11:46 am IST)