Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજકોટ એસઆરપીના પીએસઆઇ રાણા અને બે કોન્સ્ટેબલે મળી ૪૦ કિલો ચાંદી લૂંટી : અમદાવાદ પોલીસે દબોચ્યા

ગોમતીપુર વિસ્તારમાં ચાંદીના વેપારીને રોકી ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી ૩ કલાક ફેરવ્યો : સરખેજ પાસે મારમારી ચાંદી લૂંટી ગયા : ગ્રુપ-૧૩ના પીએસઆઇ રાણા, કોન્સ. યોગેન્દ્રસિંહ અને અમીતની ધરપકડ

રાજકોટ, તા. ૬ : સરસપુરમાં ચાંદી ગાળવાની ભઠ્ઠી ધરાવતા વેપારીને ગોમતીપુર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી ત્રણ શખ્સોએ ૪૦ કિલો ચાંદીની લૂંટ ચલાવવાના બનાવમાં ગોમતીપુર પોલીસે રાજકોટ એસઆરપી-૧૩ના પીએસઆઇ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ સરસપુર વિસ્તારમાં રહેતા અને ચાંદી ગાળવાની ભઠ્ઠી ધરાવતા વેપારી સંતોષભાઇ પોપટભાઇ પોતાના નિત્યક્રમ મુજબ એકટીવા લઇને સોની વેપારીઓ પાસેથી લીધેલ ચાંદી ગાળીને તેના ચોરસા બનાવી ૪૦ કિલો ચોરસા એકટીવાની ડેકીમાં રાખી વેપારીઓને આપવા માટે નિકળ્યા હતા. સંતોષભાઇ ગોમતીપુર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેને રોકી પોતે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી હતી. બાદ એકટીવાની તલાશી લેતા ડેકીમાંથી ચાંદી નીકળતા સંતોષભાઇ પાસે તેનું બીલ માંગ્યું હતું. સંતોષભાઇ પાસે ચાંદીનું બીલ ન હોઇ, તેથી ત્રણેય શખ્સોએ 'ચાલો ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે' તેમ કહી ત્રણ પૈકી બે હોન્ડા મોટરસાયકલ અને એક શખ્સ એકટીવામાં સંતોષભાઇને બેસાડી ઇસનપુર, નારોલ, વટવા વિસ્તારમાં ત્રણ કલાક સુધી ફેરવ્યા બાદ સરખેજ પાસે ઉભા રહી અને વેપારી સંતોષભાઇને મારમારી ૪૦ કિલો ચાંદી લૂંટી ગયા હતા. આ બનાવ બનતા વેપારીને આ ત્રણેય શખ્સો ઠગ ટોળકી હોવાની ખબર પડતા તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં પહોંચી બનાવ અંગે જણાવ્યું હતું, પરંતુ ત્યાં પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા પોતે ગોમતીપુર પોલીસ મથકમાં પહોંચી ફરીયાદ નોંધાવતા પીઆઇ સી.બી. ટંડેલ તથા ડી-સ્ટાફના પીએસઆઇ રાઠોડ અને રઇશભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને ૪૦ કિલો ચાંદી લૂંટી લેનાર રાજકોટ એસઆરપી ગ્રુપ-૧૩ના પીએસઆઇ પી.બી. રાણા, તથા કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા દોઢ મહિનાથી ગેરહાજર રહેલા અમીત રાણાની ધરપકડ  કરી હતી. એસઆરપી ગ્રુપ-૧૩ના પીએસઆઇ રાણા અને કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલાને અમદાવાદ ફરજ પર મૂકવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે. (૮.૧૮)

(3:40 pm IST)