Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ભરણ પોષણના કેસમાં ડો. પતિ સામે જપ્તિ વોરંટ કાઢવાનો કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૭ : અત્રેના માધવીબેન તેના એમ.બી.બી.એસ.ડો. પતિ અમિત બાબુભાઇ દશાડીયા વિરૂધ્ધ થયેલ ભરણ પોષણના કેસમાં ચડત રકમ પતિએ નહિ ચુકવતા અદાલતે પતિ વિરૂધ્ધ મિલ્કતજપ્તનું વોરંટ કાઢવાનો હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કેએમ.બી.બી.એસ.ની ડીગ્રી ધરાવતા તેમજ ડોકટર તરીકે જશદણ તાલુકાના મોઢુકા ગામે પી.એચ.સી.માં નોકરી કરતા અમીતભાઇ બાબુભાઇ દસાડીયા સામે તેમના પત્નીએ શારીરીક, માનસીક ત્રાસના કારણે ભરણ પોષણ મેળવવા રાજકોટ ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરેલ, જે અરજીની હકીકતો જોતા અરજદાર લગ્ન બાદ અરજદાર માધવીબેન સાથે આ અમીતભાઇ તથા તેમના માતુશ્રી નાની નાની બાબતમાં હેરાન પરેશાન કરી મેણા-ટોણા મારવા લાગેલા તેમજ સ્ત્રીધન કરીયાવર બાબતે મેેણા-ટોણા મારી હેરાન પરેશાન કરવા લાગેલા તેમજ ફ્રીઝ, ફર્નિચર, ઘરવખરીનો માલસમાન વગેરે સામાન ઓછો લઇ આવવા બદલ ઝડઘાઓ કરવા લાગેલા સામાવાળા પતિ અમીતભાઇ એમ.બી.બી.એસ.ડોકટર હોય વધુ અભ્યાસ અર્થે રૂ. ૮,૦૦,૦૦૦ ફી ભરવાની હોય તે ફીના પૈસા લઇ આવવા માટે અરજદાર માધવીબેનને દબાણ કરી તેમની સાથે ઝઘડો કરી મારકુટ કરતા તેવી વિગતો વાળી ભરણ પોષણની અરજી અરજદાર લાવેલ.

આ અરજીમાં વચગાળાની ભરણ પોષણની અરજી ચાલી જતા તેમાં વચગાળાના ભરણ પોષણ પેટે માસિક રૂ. ૧૬,૦૦૦ અરજદારને ચુકવવા તેવો હુકમ થયેલો જે હુકમ મુજબ સામાવાળા ડો. અમીતભાઇ દસાડીયા પૈસા ન ભરતા દશ મહીનાનું ભરણ પોષણ ચડત થયેલ જેથી અરજદારે ચડત ભરણપોષણ વસુલ મેળવવા અરજી દાખલ કરેલ જે અરજીમાં નોટીસ બજી ગયા બાદ પણ સામાવાળા અમીતભાઇ કોર્ટમાં હાજર થયેલ નહી કે ચડત રકમ રૂ. ૧,૬૦,૦૦૦માંથી એક પણ રૂપીયો જમા કરાવેલ નહી જે હકીકતો લક્ષમાં લઇ ફેમીલી કોર્ટે સામાવાળા ડો. અમીતભાઇ બાબુભાઇ દસાડીયા વિરૂધ્ધ રૂ.૧,૬૦,૦૦૦નું મિલ્કત જપ્તીનું વોરંટ કાઢેલ છે.

આ કામમાં અરજદાર વતી રાજકોટના ધારાશાસ્ત્રી મહેશ સી.ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્રજરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ, પ્રશાંત પંડયા રોકાયેલા હતા.

(3:51 pm IST)