Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વજેસીંગભાઇએ વિસાવદરમાં 'અકિલા' વાંચ્યું અને અજાણ્યો મૃતદેહ ઓળખાયો

અતિથી ચોકમાંથી મળેલી લાશ રજપૂત પ્રૌઢ રાજેશભાઇની હતીઃ પિતાએ મૃતદેહ ઓળખ્યો : મૃતક વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતાં

રાજકોટ તા.૭: અતિથી ચોકમાં અજાણ્યા પ્રૌઢની લાશ મળી આવતાં માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. વરસાદ અને ઠંડીને કારણે આ પ્રૌઢનું મોત નિપજ્યાનું તારણ નીકળ્યું હતું. અજાણ્યા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પોલીસનો સંપર્ક કરવો...એવા મથાળા હેઠળ અને મૃતકની તસ્વીર સાથે 'અકિલા'એ સમાચાર પ્રસિધ્ધ કર્યા હતાં. આ સમાચાર વિસાવદર રહેતાં કારડીયા રજપૂત વજેસીંગભાઇ અસવારે વાંચતા રાજકોટમાં મળેલા અજાણ્યા મૃતદેહની ઓળખ થઇ ગઇ હતી. વજેસીંગભાઇએ રાજકોટ આવી માલવીયાનગર પોલીસ સમક્ષ પહોંચી અજાણ્યા પ્રૌઢની લાશ પોતાના પુત્ર રાજેશભાઇ અસવાર (ઉ.૫૪)ની હોવાનું ઓળખી બતાવ્યું હતું.

રાજેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને અપરિણીત હતાં. પંદરેક વર્ષથી તેઓ ઘર છોડીને જતાં રહ્યા હતાં અને છેલ્લા આઠ-દસ વર્ષથી અતિથી ચોકમાં જ કોઇપણ હોટેલમાં કામ કરી ત્યાં જ ગમે ત્યાં સુઇ જતાં હતાં. વજેસીંગભાઇએ અકિલામાં તસ્વીર-સમાચાર જોતાં જ મૃતક વ્યકિત પોતાનો પુત્ર હોવાનું ઓળખી લેતાં તેમણે રાજકોટ આવી પી.એસ.આઇ. એ.આર. મલેક અને રાઇટર અરૂણભાઇ ચાવડા સમક્ષ ઓળખવિધી કરતાં મૃતદેહ તેમને સોંપાયો હતો.

(3:49 pm IST)