Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રણછોડનગરમાં સ્મીત પટેલ પર છોકરી મામલે હુમલોઃ બંને પગ ભાંગી નંખાયા

કેવીન ટોપીયા (પટેલ) અને પાંચ છ શખ્સો લાકડી-ધોકાથી તૂટી પડ્યા : ગંભીર ઇજા પામનાર સ્મીત ભુષણ વિદ્યાલયનો ધોરણ-૧૨નો વિદ્યાર્થી

રાજકોટ તા. ૭: રણછોડનગરમાં રહેતાં અને ધોરણ-૧૨મા અભ્યાસ કરતાં લેઉવા પટેલ છાત્રને રાત્રે પાણીના ઘોડા પાસે છોકરીની માથાકુટમાં પટેલ શખ્સ અને પાંચ-છ અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારી બંને પગ ભાંગી નાંખતા હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રણછોડનગર-૧૪માં આનંદ પાન સામે રહેતો અને રણછોડદાસ બાપુના આશ્રમ નજીક ભુષણ વિદ્યાલયમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો સ્મીત પરેશભાઇ મુંગરા (લેઉવા પટેલ) (ઉ.૧૭) રાત્રીના પોણા નવેક વાગ્યે પાણીના ઘોડા પાસે રજવાડી પાન પાસે ઉભો હતો ત્યારે રણછોડનગરમાં જ રહેતો કેવીન ટોપીયા નામનો પટેલ શખ્સ અને બીજા પાંચ-છ શખ્સો આવ્યા હતાં અને બોચાલી કરી ધોકા-લાકડીથી હુમલો કરી વાંસા, હાથ, બંને પગમાં બેફામ માર મારી ભાગી જતાં સ્મીતને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પી.એસ.આઇ. આર. એસ. સાંકળીયા અને હરપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી સ્મીતના પિતા પરેશભાઇ વાલજીભાઇ મુંગરા (પટેલ) (ઉ.૪૩)ની ફરિયાદ પરથી કેવીન ટોપીયા અને પાંચ-છ અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

પરેશભાઇના કહેવા મુજબ પોતે યાર્ડમાં બકાલાનો વેપાર કરે છે. પોતાને સંતાનમાં બે પુત્રો છે. જેમાં સ્મીત નાનો છે અને ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. અગાઉ છોકરી બાબતે સ્મીતને કેવીને સાથે બોલાચાલી થઇ હતી. રાત્રે સ્મીત રજવાડી પાન નામની દૂકાને હતો ત્યારે કેવીન સહિતનાએ આવી જુના મનદુઃખનો ખાર રાખી ધોકા-લાકડીથી હુમલો કર્યો હતો અને ભાગી ગયા હતાં. પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.

 

(11:37 am IST)