Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રાજકોટ શહેર-જીલ્લા ચૂંટણી કાઉન્ટ ડાઉન

કાલે બપોરથી ૧૦ હજારનો સ્ટાફ 'બૂથ'માં રવાના...

મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પહોંચાડવા ૮૦૦ બસ મુકાશે : રાજકોટ-૬૮, ૬૯, ૭૦, ૭૧ ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીની બેઠકો પર સુરક્ષીત મતદાન માટે અર્ધ લશ્કરી દળો-પોલીસના ધાડા ઉતારાયાઃ ૫૫૦થી વધુ સંવેદનશીલ મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્તઃ આઠેય બેઠકોમાં ૧ - ૧ મહિલા પોલીસ સ્ટેશન ઉભુ કરાયું ? એક મતદાન મથકમાં ૬નો વહીવટી સ્ટાફ ઉપરાંત પોલીસ સ્ટાફઃ કાલથી ચૂંટણી સ્ટાફ રવાના થવા લાગશેઃ ઈવીએમ-વીવીપેટ સહિત ૭૨૦ વસ્તુઓનો ઉપયોગ થશે

રાજકોટ, તા. ૭ :. આગામી તા. ૯મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાનાર છે ત્યારે રાજકોટ શહેર જિલ્લાના કુલ ૨૧૪૨ મતદાન મથકો ઉપર મતદાન માટે કલેકટર તંત્ર સજ્જ થઈ ગયુ છે અને આવતીકાલે તા. ૮ના રોજથી તમામ મતદાન મથકો ઉપર કુલ ૧૦૦૦૦નો ચૂંટણી સ્ટાફ બસ મારફતે રવાના થશે.

રાજકોટ શહેરની વિધાનસભા ૬૮, ૬૯, ૭૦, ૭૧ ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર વગેરે મળી કુલ ૮ બેઠકોમાં ૯મીએ મતદાન થનાર છે ત્યારે ચૂંટણી સ્ટાફને ડીસ્પેચીંગ તથા રીસીવીંગ માટે કુલ ૮ સેન્ટરો ઉભા કરાયા છે. જેમાં રાજકોટ પૂર્વ માટે પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ પશ્ચિમ માટે વિરાણી હાઈસ્કૂલ ટાગોર રોડ, રાજકોટ દક્ષિણ માટે પી.ડી. માલવીયા કોલેજ, રાજકોટ ગ્રામ્ય માટે ચૌધરી હાઈસ્કૂલ ઉપરાંત જસદણ માટે મોડેલ સ્કૂલ કમળાપુર રોડ જસદણ, ગોંડલ માટે સંગ્રામજી હાઈસ્કૂલ કોલેજ ચોક ગોંડલ, જેતપુર માટે લાયન્સ હાઈસ્કૂલ જૂનાગઢ રોડ જેતપુર, ધોરાજી માટે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ સ્ટેશન રોડ-ધોરાજી વગેરે સ્થળોએ સેન્ટરો ઉભા કરાયા છે. ત્યાંથી દરેક બુથદીઠ ૬ કર્મચારીનો વહીવટી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સહિત કુલ ૧૦૦૦૦ના ચૂંટણી સ્ટાફને તેઓના બુથ ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાન માટે ઈવીએમ-વીવીપેટ સહિત કુલ ૭૨૦ ચીજવસ્તુઓનો ઉપયોગ થશે અને આવતીકાલ બપોરથી આ ચૂંટણી સાહિત્ય સાથે કર્મચારીઓ મતદાન મથકે પહોંચી જશે અને ત્યાં જ રાત્રી રોકાણ કરશે.

નોંધનીય છે કે, મતદાન દરમિયાન સુરક્ષા માટે અર્ધ લશ્કરી દળો અને પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા છે. તેમજ મતદાન મથકના ૨૦૦ મીટર વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરી પ્રવેશબંધી ફરમાવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં ૫૫૦થી વધુ સંવેદનશીલ મતદાન મથકો જાહેર થયા છે તથા રાજકોટ શહેરમાં ૨૮૫થી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે ત્યારે તેની સુરક્ષા માટે પણ ચાંપતો બંદોબસ્ત રખાયો છે.

આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક દીઠ એક મહિલા પોલીસ સ્ટેશન ઉભુ કરાયુ છે. જેમાં રાજકોટ પૂર્વમાં વોર્ડ નં. ૫ ખાતે, રાજકોટ પશ્ચિમમાં વોર્ડ નં. ૮ ખાતે, રાજકોટ દક્ષિણમાં વોર્ડ નં. ૧૩ ખાતે, રાજકોટ ગ્રામ્ય માટે મવડી-૨ ખાતે અને જસદણ-૨૬, ગોંડલ-૨૦, જેતપુર-૭૮, ધોરાજી-૨૧ વગેરે મતદાન મથકોએ મહિલા પોલીસ સ્ટેશન ઉભા કરાયા છે.

આમ આગામી તા. ૯મી ડિસેમ્બરે રાજકોટ શહેર જિલ્લાના કુલ ૨૦૬૪૭૫૯ મતદારો મતદાન કરનાર છે. જેમાં રાજકોટ પૂર્વમાં ૧૩૭૬૭૪ પુરૂષ અને ૧૨૨૨૯૭ સ્ત્રીઓ, રાજકોટ પશ્ચિમમા ૧૬૧૨૨૪ પુરૂષ અને ૧૫૫૪૩૮ સ્ત્રીઓ, રાજકોટ દક્ષિણમાં ૧૨૪૭૭૬ પુરૂષ અને ૧૧૭૭૦૩ સ્ત્રીઓ સહિત રાજકોટ શહેરમાં કુલ ૪૨૩૬૭૪ પુરૂષો અને ૩૯૫૪૩૮ સ્ત્રીઓ મતદારો છે.

જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ૧૫૮૦૧૯ પુરૂષ અને ૧૪૨૦૨૭ સ્ત્રીઓ, જસદણમાં ૧૨૦૪૮૬ પુરૂષ અને ૧૦૮૨૪૭ સ્ત્રીઓ, ગોંડલમાં ૧૧૦૧૧૮ પુરૂષ અને ૧૦૨૯૦૬ સ્ત્રીઓ, જેતપુરમાં ૧૩૩૧૬૯ પુરૂષ અને ૧૨૦૨૦૩ સ્ત્રીઓ, ધોરાજીમાં ૧૩૧૧૮૮ પુરૂષ અને ૧૧૯૨૬૮ સ્ત્રીઓ મળી જિલ્લાની આ તમામ બેઠકોમાં કુલ ૬૫૨૯૮૦ પુરૂષો અને ૫૯૨૬૫૧ સ્ત્રીઓ મતદારો છે.

(11:33 am IST)