Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

મોરબી પૂલકાંડ : પ્રફુલ્લાબેન સોનીની પ્રેરક સેવા

સમાજના મૃતકોને કફન બાંધવાથી માંડીને અંતિમ વિધિમાં જોડાયા : જવાનો-બચાવ-રાહત કર્મીઓ માટે ચા-સરબત વ્‍યવસ્‍થા કરી : અખિલ હિન્‍દ મહિલા પરિષદ-લાયોનેસ કલબની ટીમ સાથે રાત-દિવસ કાર્યરત રહ્યા

રાજકોટ,તા. ૭ : મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પાડતા અનેક પરિવારો પર કાળ ત્રાટક્‍યો હતો. આ ઘટનાના આંતરરાષ્‍ટ્રીય પડઘા પડયા છે. પુલ તૂટયો ત્‍યારે માહોલ મરણચીસોથી ગાજ્‍યો હતો. આ કપરા સમયે અનેક નામી-અનામી લોકો સેવામાં લાગી ગયા હતા. મોરબીના મહિલા અગ્રણી પ્રફુલ્લાબેન સોની પણ દુર્ઘટના બન્‍યાની ક્ષણવીરમાં ઘટના સ્‍થળે પહોંચી જઇને સેવામાં લાગી ગયા હતા.

‘અકિલા' સાથે વાતચીત કરતા પ્રફુલ્લાબેને જણાવ્‍યું હતું કે, હું પુલની સામે જ રહું છું દુર્ઘટનાનો ખ્‍યાલ આવતા ઝડપથી પહોંચી જઇને સેવા આદરી હતી. ભાવુક  થઇને તેઓએ જણાવ્‍યું હતું કે, પુલ પરથી ૪૦૦ જેટલાં લોકો પાણીમાં પડયા હશે. અતિ કરૂણ દ્રશ્‍યો હતા. ઘણા એવા હતભાગી હતા કે તેની નજર સામે સ્‍વજનોને ડુબતા જોયા છે.

પ્રફુલ્લાબેને જણાવ્‍યું હતું કે, મોરબીનો એક સોની સમાજનો પરિવાર પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ભાવેશભાઇ ભીંડી, તેમના પત્‍ની અને બે બાળકોના આ દુર્ઘટનામાં મૃત્‍યુ થયા હતા. પ્રફુલ્લાબેને આ ચારેયના મૃતદેહને કફન બાંધવાથી માંડીને અંતિમવિધિ સુધીની પ્રક્રિયામાં સેવા કરી હતી.

પ્રફુલ્લાબેને જણાવ્‍યું હતું કે, દુર્ઘટના ખૂબ ગંભીર હતી. અમે ટીમ વર્કથી સેવામાં લાગી ગયા હતા. પ્રફુલ્લાબેન અખિલ હિન્‍દ મહિલા પરિષદ તથા લાયોનેસ કલબ સાથે સંકળાયેલા છે. આ બંને સંસ્‍થાના બેનર હેઠળ સેવાકાર્ય કર્યું હતું.

બચાવ-રાહત કર્મીઓ માટે ચા-પાણી, લીંબુ સરબત વગેરેની વ્‍યવસ્‍થા કરી હતી. ઉપરાંત હોસ્‍પિટલમાં પણ સેવાકાર્યોમાં સહભાગી બન્‍યા હતા. પ્રફુલ્લાબેન કહે છે કે, હું રાજનીતિથી દૂર છુ, પણ એક વાત કહીશ કે કાંતિભાઇ અમૃતિયાએ ક્ષણવારનો વિચાર કર્યો વગર પાણીમાં ધુબાકો મારીને ખુબ બચાવકાર્યમાં લાગી ગયા હતા. બાદમાં તેની ટીમે પણ બચાવ-રાહતની નોંધપાત્ર સેવા કરી હતી.

પ્રફુલ્લાબેને ભુતકાળમાં પણ ભૂકંપ સહિતની આફતોમાં મોરબીની સેવા કરી હતી. ચંદ્રિકાબેન સોની કહે છે કે, પ્રફુલ્લાબેન મહિલાઓ માટે પ્રેરક છે. મહિલાઓ માટે સામાન્‍ય રીતે અઘરા ગણાતા કાર્યો કફન બાંધવા તથા હોસ્‍પિટલમાં રાત્રીના સમયે પણ સેવા કરવી વગેરે... કાર્યો સુજ અને હિંમતથી કર્યા છે. તેઓની ટીમમાં પુષ્‍પાબેન કારિયા, ચંદ્રિકાબેન, ધ્‍વનિ મેડમ, નયનાબેન, દિનેશભાઇ વગેરે જોડાયા હતા.

(3:41 pm IST)