Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

પ્રમુખમાર્ગઃ સંત હૃદય

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં સંતના હૃદયની વિશેષતા જણાવી છે.

સંત હૃદય નવનીત સમાના, કહા કવિન્હ પરિ કહૈ ન જાના;

નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પરદુઃખ દ્રવહિં સંત સુપુનીતામમ

સંતોના હૃદય માખણ જેવા પીગળી જનારાં હોય છે. એમ કવિઓએ કહ્યું છે. પરંતુ તેમણે મૂળ વાત કહેવાનું જાણ્યું નથી. માખણ તો પોતાને તાપ મળે (પોતાને દુઃખ પડે) ત્યારે પીગળે છે, જયારે પરમપવિત્ર સંતો તો અન્યના દુઃખથી પીગળી જાય છે. (રામચરિતમાનસ-ઉત્તરકાંડ-૧૨૪/૪)

સંત એકનાથ ગંગાજળની કાવડ ભરી રામેશ્વરની યાત્રાએ જઈ રહ્યા હતા. ગંગાના પવિત્રજળથી ભગવાન રામેશ્વરને અભિષેક કરવાનો તેમનો સંકલ્પ હતો. ૮૦૦ માઈલની આ મુસાફરી તેઓ પદયાત્રા દ્વારા કરી રહ્યા હતા. રસ્તામાં તેમણે એક ગધેડાને તરફડતો જોયો. સંત એકનાથનું હૃદય ગધેડાનું દુઃખ જોઈ દ્રવી ઊઠ્યું. તાત્કાલિક પાણી પાવું જરૂરી હતું. સાથે બીજા યાત્રિકો હતા પણ ગધેડાને પાણી કોણ પાય ? સંત એકનાથે ભગવાનના અભિષેક માટે કાવડમાં ભરેલું જળ ગધેડાના મુખમાં રેડી તેને શાંત કર્યો. સાથીઓએ પ્રશ્ન કર્યો કે  'રામેશ્વરમાં અભિષેક શેનાથી કરશો? ' સંત એકનાથે જણાવ્યું કે 'આ રામેશ્વર ભગવાનને જ ગધેડામાં રહી ગ્રહણ કર્યું છે.'

ગોસ્વામી તુલસીદાસજીએ કરેલી સંત હૃદયની વાત સંતોના જીવનમાં વારંવાર મૂર્તિમાન થતી દેખાય છે.

૧૯૮૭માં દુકાળને લીધે લોકો ઢોરને ઢોરવાડામાં મૂકી જતા. રાજકોટ પાસે રતનપુર ગામે સરકાર સંચાલિત ઢોરવાડો હતા. લગભગ પાંચેક હજાર ગાય, બળદને વાછરડાં ત્યાં રાખવામાં આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ તે ઢોરવાડામાં પધાર્યા કે ભૂખે ટળવળતા હજારો વાછરડાં તેમની પાસે ધસી આવ્યા. આ જોઈ પ્રમુખસ્વામી મહારાજની આંખો કરૂણાથી ભરાઈ ગઈ. તેમણે ઢોરવાડાના સંચાલકને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે 'બે-ત્રણ દિવસથી આ પશુઓને કંઈ જ ખોરાક મળ્યો નથી. તેથી તેઓ કોઈપણ આવે તેની પાછળ ખોરાકની આશાથી આમ ફર્યા કરે છે.' – સાંભળતા જ પ્રમુખસ્વામી મહારાજ મૌન થઈ ગયા, આંખોમાં આંસું છલકાઈ ઊઠ્યા. રાજકોટથી ગોંડલ પધારી કોઠારી જ્ઞાનપ્રસાદ સ્વામીને બોલાવી કહ્યું 'રતનપુરમાં જે રીતે વાછરડાં પાછળ દોડતાં હતાં. તે હું જોઈ ન શકયો. અત્યારે ને અત્યારે ઘાસ ત્યાં મોકલવું છે.' દુકાળને લીધે ઘાસની ખૂબ જ અછત હતા છતાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સંતોએ પ્રયત્ન કરી  ટ્રક ભરીને ઘાસ તાત્કાલિક તે ઢોરવાડામાં મોકલાવ્યું. તે દિવસથી જયાં સુધી તે ઢોરવાડો ચાલ્યો ત્યાં સુધી ઘાસ મોકલતા જ રહ્યા તે પછી પ્રમુખસ્વામી મહારાજે કેટલકેમ્પ કરવાનો નિર્ણય લઈ, બોચાસણ, ભવાનપુરા, અટલાદરા તથા સાંકરીમાં પંદર જ દિવસમાં કેટલકેમ્પ શરૂ કરાવ્યા. કાયમ બીજાના દુઃખનો વિચાર પહેલો આવે તેવા સંત પ્રમુખસ્વામી મહારાજ હતા.

૧૯૭૭માં પેટલાદમાં મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે શોભાયાત્રાનું આયોજન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજને સફેદ ઘોડાની બગીમાં બિરાજમાન કર્યા હતા. શોભાયાત્રાનો પ્રારંભ થતા બગીના ચાલકે લગામ ખેંચી ઘોડાઓને ચાલવાનો આદેશ આપ્યો. પણ ઘોડાઓ તો સ્થિર થઈ ગયા હતા. તેથી બગીવાળો ઘોડાઓને ચાબૂકથી ફટકારવા લાગ્યો. આ જોતા પ્રમુખસ્વામી મહારાજે બૂમ પાડી બગીવાળાને રોકયો. 'ભઈ, ઘોડા ભલે ન ચાલે પણ તને મારશો નહીં.' એમ કહેતા તેઓ બગીમાંથી નીચે ઊતરી ચાલવા લાગ્યા. સ્થાનિક હરિભકતે કહ્યું 'બાપા, શોભાયાત્રામાં આપ ચાલતા પધારો તે સારૃં ન લાગે.' ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું 'આ રીતે ઘોડાને મારે તે તમને સારું લાગે છે? '

કોઈનું પણ દુઃખ પ્રમુખસ્વામી મહારાજ સહન ન કરી શકતા. ૧૯૮૯માં બાળ અધિવેશન વિદ્યાનગરમાં હતું. તેમાં એક સંવાદમાં નાનકડા બે બાઈઓ એક આકસ્મિક ઘટનાથી છૂટા પડી ગયા, અને તેમાં એક ભાઈ ભીખારી થઈને રખડતો રઝળતો ભટકતો હતો, આવું દૃશ્ય આવ્યું. આ તો કાલ્પનિક દૃશ્ય હતું. પણ તે નાનકડા બાળકનું દુઃખ જોતા પ્રમુખસ્વામી મહારાજની આંખો આસુંથી છલકાઈ ઊઠી. ૧૯૯૪માં ભકત પ્રહલાદની નૃત્યનાટિકા લંડનમાં ભજવાતી હતી. તે સમયે હિરણ્યકશિપુ દ્વારા પ્રહલાદને અપાતા ત્રાસને જોઈ પણ પ્રમુખસ્વામી મહારાજની આંખો આસુંથી ભરાઈ ગઈ હતી.

૧૯૮૭ના દુકાળના સમયે પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં ચીકુવાડીમાં વોંકીગ કરી રહ્યા હતા. તે સમયે ઝાડ ઉપર ઊગેલા ચીકુ જોઈ તેમણે વાડી સંભાળતા સંતને તેમણે આદેશ આપ્યો હતો કે 'આ વર્ષે એક પણ ફળ ઝાડ પરથી તોડવા નહીં. પક્ષીઓને દુકાળ હોવાથી બીજે કયાંયથી ચારો નહીં મળે તેથી તેમને ચીકુ ખાવા દેવા અને ઝાડ પર પાણીની કુંડીઓ પણ લટકાવવી જેથી પક્ષીઓની તરસ છીપે.'

આવું મૃદુહૃદય ધરાવતા હોવાથી જ પ્રમુખસ્વામી મહારાજ કહી શકયા હતા કે 'મને કયારેય કોઈનું પણ અહિત કરવાનો વિચાર આવ્યો નથી.' 'બીજાના સુખમાં આપણું સુખ છે.'  તે પ્રમુખસ્વામી મહારાજનો કેવળ જીવનમંત્ર નહોતો પણ જીવનશૈલી હતી.

પ્રમુખસ્વામી મહારાજના માર્ગે ચાલી આપણે પણ આપણા જીવનમાં પ્રમુખમાર્ગ કંડારી સ્વ અને સૌને સુખી કરીએ

સાધુ નારાયણમુનિદાસ

(3:38 pm IST)