Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

બાલમુમુક્ષુ મોક્ષનો તા. ૨૬ના રોજ પ્રવજ્યા સમારોહઃ વર્ષીદાન યાત્રા - વરઘોડો - અંજનશલાકા યોજાશે

પૂજ્યપાદ શા.પ્ર.આ.ભ.શ્રી રાજરત્નસૂરીશ્વરજી મ.સા.ના શ્રીમુખેથી મુંબઇ ખાતે

રાજકોટ તા. ૭ : મુંબઇ કાંદીવલીમાં ધર્મ સૂર્યોદય સુરીશ્વર ધર્મસામ્રાજ્યે શાસન પ્રભાવક આચાર્ય ભગવંત રાજરત્નસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે બાલ મુમુક્ષુ મોક્ષ કુમારનો દિક્ષા મહોત્સવ આગામી તા. ૨૬ના રોજ મુંબઇ મુકામે ઉજવાશે. દિક્ષા મહોત્સવનું આયોજન વાસુપૂજ્યસ્વામી જીનાલય મહાવીરનગર જૈન શ્વે.મુ. સંઘ શંકરલેન કાંદીવલી ખાતે કરાયું છે.

ડોલીબેન તથા પ્રજ્ઞેશભાઇ મહેતાના સુપુત્ર મોક્ષ સંયમના માર્ગે જવા થનગની રહ્યો છે. મુંબઇ મુકામે વિવિધ કાર્યક્રમો ઉજવાશે તેમજ મુમુક્ષુની જન્મભૂમિ નાલાસોપારામાં દિક્ષા મહોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૨મીએ સવારે ૯ કલાકે અનેક વિશિષ્ટ ઔષધિમિશ્રત નયનરમ્ય અષ્ટોતરી મહાભિષેક વિધાન તથા રાત્રે ૮ કલાકે પાઠશાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા. ૧૩મીએ સવારે ૮.૪૫ કલાકે મુમુક્ષુની વર્ષીદાન યાત્રા તેમજ વરઘોડો નીકળશે. ત્યારબાદ સંઘ સાધાર્મિક વાત્સલ્યનું આયોજન કરાયું છે.

તા. ૨૨ થી ૨૬ સુધી વિવિધ મહોત્સવ ઉજવાશે. તા. ૨૨મીએ બપોરે ૨ કલાકે 'કેસરિયો રંગ જિનશાસનનો મળજો' નામે સંવેદના કાર્યક્રમ સાથે મુમુક્ષુના સંયમવસ્ત્રો કેસરવર્ણા કરવાનો કાર્યક્રમ યોજાશે. તા. ૨૩મીએ બપોરે સાંજી સમારોહ તથા આચાર્યદેવ દ્વારા મુમુક્ષુની સંયમ છાબની અભીમંત્રણા વિધિ કરાશે.

તા. ૨૪મીએ બપોરે ૨ કલાકે પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનું વિશિષ્ટ ઔષધિઓ કેસર આદી વિશિષ્ટ દ્રવ્યયુકત અદ્ભૂત અષ્ટોતરી મહાભિષેક વિધાન રાત્રે ૮ કલાકે યોજાશે. તથા હાર્દિક શાહ - સંગીતકાર પિયુષ શાહ ભકિતરસ પીરસશે તથા વિદાય સમારોહ યોજાશે. તા. ૨૫મીએ સવારે ૮.૩૦ કલાકે અંજનશલાકા પ્રતિષ્ઠા સાથે ઐતિહાસિક રથયાત્રા અને મુમુક્ષુની ભવ્યાતિ ભવ્ય વર્ષિદાન યાત્રા વરઘોડો બપોરે ૨ કલાકે મુમુક્ષુ દ્વારા સંગીત સુરાવલી વચ્ચે સકલ સંઘને બેઠુ વર્ષિદાન સાંજે ૪.૩૦ કલાકે, અંતિમ વાયણુ તા. ૨૬મીએ સવારે ૮ કલાકે તથા હાર્દિક શાહ અને સંગીતકાર નિલેષ રાણાવતના સંગે મુમુક્ષુના દિક્ષા સમારોહનો ભવ્ય પ્રારંભ થશે.

જ્યારે તા. ૨૭ સવારે મુમુક્ષુના સંસારીક નિવાસસ્થાને આચાર્યદેવ નૂતનબાલ મુનીવર આદી ચતુર્વિધ સંઘના પાવન પગલા અને પ્રવચન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિક્ષા મહોત્સવમાં અનેક ગુરૂ ભગવંતો તથા બહોળી સંખ્યામાં શ્રાવક, શ્રાવિકાઓ ઉપસ્થિત રહેશે. મુમુક્ષુ સદગુરૂદેવ શ્રી પૂ. પારસમુનિ મ.સા.ના સંસાર પક્ષે ભાણેજ થાય છે તથા શ્રી મુનિશ્રી કૃપાંશુશેખરવિજયજી મ.સા. અને શ્રી કૃપાંશુયશાશ્રીજી મ.ના સંસાર પક્ષે ભાઇ થાય છે.

(3:37 pm IST)