Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કોઠારીયા રોડ પર ગોલ્‍ડન રેસીડેન્‍સીમાં કૃણાલભાઇના મકાનમાં ૧.૬૯ લાખની ચોરી

પરિવાર સાથે જુનાગઢ ગયાને પાછળથી તસ્‍કરો હાથફેરો કરી ગયા

રાજકોટ તા. ૭ :.. કોઠારીયા મેઇન રોડ પર આવેલ ગોલ્‍ડન રેસીડેન્‍સીમાં ભાડે રહેતા યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૧,૬૯,૦૦૦ ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મુળ જુનાગઢ હાલ રાજકોટ કોઠારીયા રોડ પર સરદાર ચોક પાસે આવેલ ગોલ્‍ડન રેસીડેન્‍સીમાં નરેન્‍દ્રભાઇ ધામેચાના મકાનમાં છેલ્‍લ બે વર્ષથી ભાડે રહેતા કૃણાલભાઇ કમલેશભાઇ પંડયા (ઉ.વ.૩૪) એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે લોજીસ્‍ટીક કંપનીમાં ઓપરેશન ડીપાર્ટમેન્‍ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા. ૪ ના રોજ પોતે પરિવાર સાથે ઘરને તાળુ મારી જુનાગઢ વતનમાં ગયા હતા ત્‍યાંથી પોતે વ્‍યવહારીક કામ સબબ સુતરાપાડા ગામે ગયા હતા બાદ ગઇકાલે પાડોશી અશ્વિનભાઇ ભુતનો ફોન આવેલ અને કહેલ કે, ‘તમારા મકાનના દરવાજાના તાળા તૂટેલા છે' અને દરવાજો ખુલ્લો છે તેમ કહેતા પોતે પોતાના માસીના દીકરા શુભમ દવેને ફોન કરીને વાત કરેલ કે, ‘તુ મારા ઘરે જા મારા ઘરના તાળા તુટેલ છે.' શું બનાવ બનેલ છે. તે તપાસ કરીને મને જણાવ હું સુત્રાપાડા ગામ છું' તેમ કહેતા થોડીવારબાદ શુભમે ફોન કરી ઘરમાં ચોરી થઇ હોવાનું  જણાવ્‍યું હતું. બાદ પોતે રાત્રે પોતે ઘરે આવ્‍યા ત્‍યાર ઘરના દરવાજાનું તાળુ તુટેલુ હતું. અને અંદર જઇ તપાસ કરતા નીચેના બેડ રૂમમાં કબાટ ખુલ્લો અને સામાન વેર-વિખેર પડેલ હોઇ, કબાટના ખાનામાં રાખેલ સોનાની હિરા જડેલ બુટી, તથા બાજુમાં લોખંડના કબાટમાંથી ચાંદીનું બ્રેસલેટ સોનાનો હાર, બે સોનાની બુટી, વીંટી, રોકડા રૂા. ૬૦૦૦, બે પાટલા મળી રૂા. ૧,૬૯,૦૦૦ ની મતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે તાકીદે પોલીસમાં જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના હેડ કો. એમ. ડી. પરમાર સહિતે સ્‍થળ પર પહોંચી કૃણાલભાઇ પંડયાની ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)