Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

આજી ડેમ પોલીસ વિસ્‍તારની સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાંઆરોપીને આજીવન કેદઃ કુદરતી મૃત્‍યુ સુધી જેલમાં રહેવા હુકમ

આરોપીએ ૧ર વર્ષની કુમળી વયની સગીરાની જીંદગી બરબાદ કરી છેઃ આકરામાં આકરી સજા કરવી જોઇએઃ એ.પી.પી. મુકેશ પીપળીયાની સફળ રજુઆત

રાજકોટ તા. ૭: સગીરા ઉપર દુષ્‍કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા સ્‍પે. જજ શ્રી જે. ડી. સુથારે ફરમાવી હતી. સજાના હુકમમાં કોર્ટે આરોપીને જીવે ત્‍યાં સુધી સજાનો હુકમ કરેલ છે.

ગત તા. ર૯-૧૧-૧૯ના રોજ લાપાસરી ગામનાં રોડ ઉપર આવેલ ઇંટુના ભઠ્ઠા પાસેની સગીરાનું અપહરણ કરી લઇ જઇ તેના ઉપર દુષ્‍કર્મ ગુજારનાર આરોપી લાલા પ્રતાપભાઇ ભૂરીયા રહે. રાણાપુર, જી. જાબુંઆ, મધ્‍ય પ્રદેશ વાળાને પોકસો કોર્ટમાં કેસ ચાલી જતા આજીવન કેદ (કુદરતી મૃત્‍યુ થતા સુધી) ની સજા કરેલ છે. તેમજ ભોગ બનનારને રૂપિયા ૪ લાખનું વળતર અપાવા હુકમ કરેલ છે.

આ બનાવની ફરીયાદ આજી પોલીસ સ્‍ટેશનમાં તા. ૧-ર-ર૦નાં રોજ નોંધવામાં આવી અને ત્‍યારબાદ આ કામનો આરોપી તથા ભોગ બનનાર સગીરા એકાદ વર્ષ પછી પોલીસને હાથમાં આવેલ જયારે પોલીસને આ આરોપી તથા ભોગ બનનાર સગીરા મળી આવેલ ત્‍યારે ભોગ બનનાર સગીરાને એક બાળકનો જન્‍મ થઇ ગયેલ હતો આ કામની ભોગ બનનાર સગીરાને જયારે આરોપી ભગાડીને લઇ ગયેલ ત્‍યારે ભોગ બનનાર સગીરાની ઉંમર માત્ર ૧ર વર્ષ ૩ મહિના હતી.

આ કેસ પોકસો કોર્ટમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા દ્વારા ચલાવવામાં આવેલ અને કોર્ટમાં ભોગ બનનાર સગીરા તેમજ ફરીયાદી અને ડોકટર તથા તપાીસનીસ અધિકારીની જુબાની લેવામાં આવેલ તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા.

આ કેસમાં સરકારી વકિલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનાર સગીરાને જયારે આરોપી ભગાડીને લઇ ગયેલ ત્‍યારે ભોગ બનનાર સગીરાની ઉંમર માત્ર ૧ર વર્ષ ૩ મહિના હતી અને એવડી નાની ઉંમરમાં આ કામનાં આરોપીએ તેના ઉપર દુષ્‍કર્મ કરી ૧ બાળકનો જન્‍મ થયેલ છે. ડી.એન.એ.નાં રીપોર્ટ મુજબ આ બાળક આરોપીનું હોવાનું પુરવાર થયેલ છે. આવા સમાજ વિરોધી ગુનેગારને સખતમાં સખ્‍ત સજા કરવા રજુઆત કરેલ હતી.

સરકારી શ્રી મુકેશભાઇ પીપળીયાની દલીલને ધ્‍યાને લઇ પોકસો કોર્ટનાં જજ શ્રી જે. ડી. સુથાર એ આરોપીને આજીવન કેદ (કુદરતી મૃત્‍યુ થાય ત્‍યાં સુધી) ની સજા કરેલ છે. તેમજ સગીરાને રૂપિયા ૪ લાખ વળતર આપવાનો હુકમ કરેલ છે.

આ કેસ સરકાર તરફે સરકારી વકીલ શ્રી મુકેશ જી. પીપળીયા એ ચલાવેલ હતો.

(3:34 pm IST)