Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

વિશ્વકર્મા સમાજ હવે રાજકીય અન્‍યાય સહન નહીં કરે

જરૂર પડયે અપક્ષ ઉમેદવાર લડાવવા પણ તૈયારી : ખાટલા બેઠકોનો ધમધમાટ શરૂ

રાજકોટ તા. ૭ : વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્‍યારે વિશ્વકર્મા સમાજે હવે રાજકીય અન્‍યાય સહન નહીં થાય તેવો ધ્રુજારો વ્‍યકત કર્યો છે.
‘અકિલા' ખાતે વિશ્વકર્મા ઓબીસી પરિવારના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે સમગ્ર સૌરાષ્‍ટ્રનું કેન્‍દ્ર ગણાતા રાજકોટમાં વિશ્વકર્મા સમાજ જેવી કે પ્રજાપતિ સમાજ, કડીયા સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, સોની સમાજ, દરજી સમાજ સહીત લાખોની સંખ્‍યામાં જન સંખ્‍યા ધરાવે છે.
તેમ છતા રાજકીય પક્ષો દ્વારા દર વખતે ટીકીટ ફાળવણીમાં આ મોટા સમુદાયને અવગણીને અન્‍યાય કરવામાં આવે છે. પરંતુ હવે સહન નહીં કરાય. આગામી વિધાનસભાની ચુંટણીમાં જો વિશ્વકર્મા સમાજને અન્‍યાય થશે તો જે તે પક્ષોએ તેના માઠા પરિણામ ભોગવવા પડશે. તેમ આ આગેવાનોએ જણાવ્‍યુ હતુ.
ખાસ કરીને વિશ્વકર્મા સમાજ ભાજપને વફાદાર રહ્યો છે. તેની વોટબેંક ગણાય છે. કોર્પોરેશનની ચુંટણી હોય કે વિધાનસભા અને સંસદ સભાની ચુંટણી હોય વિશ્વકર્મા સમાજના મતો નિર્ણાયક ગણવામાં આવે છે. રાજકોટ-૩ ની બેઠકો એટલે કે રાજકોટ - ૬૮, રાજકોટ- ૭૦ અને રાજકોટ ૭૧ ની બેઠક પર વિશ્વકર્માનું પ્રભુત્‍વ સારૂ છે. આ બેઠક પર કોંગ્રેસ અને આપ જેવા પક્ષો  માત્ર પાટીદાર સમાજને પ્રાધાન્‍ય આપવાની ભુલ કરી રહ્યો છે. પરંતુ સમાજ તેનો જડબાતોડ જવાબ આપશે.
વિશ્વકર્મા સમાજની ખાટલા બેઠકો શરૂ થઇ ચુકી છે. સંગઠન મજબુત બનાવી સક્ષમ અપક્ષ ઉમેદવારને જંગમાં ઉતારી વિશ્વકર્મા સમાજ તેનું પ્રતિનિધિત્‍વ પુરવાર કરી બતાવશે તેમ આ આગેવાનોએ જણાવ્‍યુ હતુ.
તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિશ્વકર્મા સમાજના સર્વશ્રી અરવિંદભાઇ ગોહીલ, અરવિંદભાઇ ગજજર, વિશાલભાઇ પીઠડીયા, કલરવભાઇ કાચા, કરશનભાઇ ગાંગાણી, વિકાસભાઇ મીષાી, પ્રફુલ્લભાઇ લુહાર, મનીષભાઇ સોરાણી, રાજુભાઇ કાચા, કાન્‍તીભાઇ રાઠોડ, નરેન્‍દ્રભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:30 pm IST)