Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ગોંડલ વિધાનસભા બેઠક માટે ઓનલાઇન સર્વેમાં રાજદિપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજાને ૮૧૬૫ અને જ્‍યોતિરાદિત્‍યસિંહ જયરાજસિંહ જાડેજાને ૫૧૨૪ મત મળ્‍યા

સૌરાષ્‍ટ્રની સૌથી ચર્ચાસ્‍પદ બેઠક માટેના સર્વેથી રાજકીય ગરમાવો

રાજકોટ તા. ૭ : વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. ત્‍યારે ગોંડલ વિધાનસભા બેઠક માટે થયેલા ઓનલાઇન સર્વેમાં રાજદિપસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજાને ૮૧૬૫ મત અને જ્‍યોતિરાદિત્‍યસિંહ જયરાજસિંહ જાડેજાને ૫૧૨૪ મત મળ્‍યા છે.

છેલ્લા કેટલાય મહિનાથી રાજકોટ શહેર અને જિલ્લાની ગોંડલ સીટ ઉપર રાજકીય ગરમાવો ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. યુદ્ધ એ જ કલ્‍યાણ ગ્રુપ દ્વારા ગોંડલના મોવૈયા ખાતે સન્‍માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જે કાર્યક્રમમાં જેન્‍તીભાઈ ઢોલ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ નરેશ પટેલની હાજરી જોવા મળી હતી. ત્‍યાર બાદ સતત આ બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ ઉપર આકરા પ્રહારો કરતા પણ જોવા મળ્‍યા હતા જે બાબતના વીડિયો પણ વાયરલ થઈ ચૂક્‍યા છે.

આ તમામની વચ્‍ચે દસ દિવસ પૂર્વે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્‍સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્‍સની પ્રક્રિયામાં રીબડા ગ્રુપ અને ગોંડલ જયરાજસિંહ ગ્રુપ દ્વારા પોત પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી. બંને ક્ષત્રિય સમાજના ગ્રુપ દ્વારા પોતાની સાથે રહેલા પાટીદાર નેતાઓના નામ પણ આગળ ધરવામાં આવ્‍યા હતા. જયરાજસિંહ ગ્રુપ દ્વારા ગીતાબા જાડેજા, જયોતિરાદિત્‍ય સિહ ઉર્ફે ગણેશ તેમજ અશોક પીપળીયા સહિતના નામ આગળ વધારવામાં આવ્‍યા હતા. જયારે કે રીબડા અનિરૂદ્ધસિંહ જાડેજાના ગ્રુપ દ્વારા રાજદીપસિંહ જાડેજા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ તેમના ગ્રુપના પાટીદાર આગેવાનોના નામ આગળ ધરવામાં આવ્‍યા હતા.

તાજેતરમાં જ મળેલી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ નામો અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. પહેલા વાત એવી સામે આવી હતી કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી કમિટીની બેઠક માટે ગીતાબા જાડેજા, જયોતિરાદિત્‍ય સિંહ જાડેજા અને અશોક પીપળીયાના નામની પેનલ મોકલવામાં આવી છે. પરંતુ મળતી માહિતી મુજબ, માત્ર ગીતાબા જાડેજાને અશોક પીપળીયાના નામની પેનલ જ મોકલવામાં આવી છે. આ બાબતનો પુરાવો ત્‍યારે મળ્‍યો જયારે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્‍યું કે, ચાલુ ધારાસભ્‍ય, ચાલુ મંત્રી, ચાલુ સાંસદ કે પૂર્વ સાંસદ કે મંત્રીના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે. આમ, આ વાત પરથી સ્‍પષ્ટ થઈ ગયું કે, જયોતિરાદિત્‍ય સિંહ જાડેજા ઉર્ફે ગણેશનું નામ કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી બોર્ડને મોકલવામાં નથી આવ્‍યું. કારણ કે જો આગામી સમયમાં ગોંડલ બેઠક પર જયોતિરાદિત્‍ય સિંહ જાડેજા ગણેશને ટિકિટ આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પરિવારવાદ ચલાવવામાં આવી રહ્યો હોવાની વાત ફલિત થઈ જાય.

કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક મળે તે પૂર્વે જ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. બંને રાજકુવારોના નામના સર્વે હાલ સોશિયલ મીડિયાના માધ્‍યમથી કરવામાં આવી રહ્યા હોવાની વિગત પણ સામે આવી છે. ગોંડલ યુવા ભાજપ ગ્રુપના સ્‍ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જે સ્‍ક્રીનશોટમાં સ્‍પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ગોંડલ વિધાનસભામાં ટિકિટ કોને મળવી જોઈએ? ત્‍યારબાદ લખવામાં આવ્‍યું છે કે રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડા અને જયોતિરાદિત્‍ય સિંહ જયરાજસિંહ જાડેજાના નામની આગળ બ્‍લુ બતાવવામાં આવ્‍યું છે. તેમજ નીચે મેસેજ પણ લખવામાં આવ્‍યો છે કે વોટિંગમાં આજે રેકોર્ડ તોડી નાખવો છે ૫૧ હજાર.

સાથોસાથ જે સર્વે સામે આવ્‍યો છે તેમાં રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાને ૬૧.૪૪% વોટ મળ્‍યા છે. જયારે કે જયોતિરાદિત્‍યસિંહ જાડેજા ને ૩૮.૫૬% મત મળ્‍યા છે. લિંકમાં સ્‍પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કુલ ૧૩૨૮૯ લોકોએ વોટ કર્યા છે. જે પૈકી ૮૧૬૫ વોટ રાજદિપસિંહને મળ્‍યા છે. જયારે કે જયોતિરાદિત્‍ય સિંહ જાડેજાને ૫૧૨૪ વોટ મળ્‍યા છે.ᅠત્‍યારે કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી બોર્ડ કોના નામ પર મહોર મારે છે, તે જોવું અતિમહત્‍વનું બની રહેશે. પરંતુ હાલ ગોંડલનું રાજકારણ ઓનલાઇન સર્વેમાં પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.

(3:26 pm IST)