Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ચપ્પલ ફેંકી દેવા મામલે પડોશીઓ વચ્ચે ડખ્ખોઃ કૂકરથી મારામારી થતાં ૩ ઘવાયા

યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં બનાવ : કાજલબેન પંડ્યા અને સામા પક્ષે નમ્રતાબેન તથા સુમનબેનને ઇજા

રાજકોટ તા. ૭: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ આવેલા આર.એમ.સી. કવાર્ટરમાં પહેલા માળે રહેતાં પડોશીઓ વચ્ચે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી. મારામારીમાં કૂકર, પથ્થરનો ઉપયોગ થયો હતો.

આરએમસી કવાર્ટરમાં બીજા માળે રહેતાં કાજલબેન નરેન્દ્રભાઇ પંડ્યા (ઉ.૩૫) સાંજે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેણે પોતાના પર પડોશી હાર્દિક, નમ્રતાબેન દેસાણી, સુમન સહિતે હુમલો કરી કૂકર, પથ્થરથી ઇજા પહોંચાડ્યાનું કહ્યું હતું.

સામા પક્ષે નમ્રતાબેન ભરતભાઇ દેસાણી (ઉ.૪૫) અને સુમનબેન હાર્દિક (ઉ.૨૪) પણ પોતાના પર કાજલબેન, નરેન્દ્રભાઇ સહિતે હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ નિવેદન નોંધે એ પહેલા બધા રજા લઇ જતાં રહ્યા હતાં. કાજલબેને જણાવ્યું હતું કે મારા ચપ્પલ મેં ઘર બહાર દરવાજા પાસે રાખ્યા હોઇ તે પડોશીએ ફેંકી દીધા હતાં. અગાઉ પણ આવુ થયું હોઇ તેને સમજાવવા જતાં કૂકર, પથ્થરથી હુમલો કર્યો હતો.

(3:34 pm IST)