Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટ યાર્ડમાં ફરી મગફળીના ઢગલે-ઢગલાઃ ૧.૩પ લાખની ગુણીની વિક્રમજનક આવક

યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તથા ડિરેકટરો તથા કર્મચારીઓએ મગફળી ભરેલા ૧૮૦૦થી વધુ વાહનોની ઉતરાઇ કરાવી : જંગી આવકને પગલે મગફળીના ભાવમાં ૧૦ રૂપીયાનો ઘટાડો : સફેદ તલ અને જીરૂના ભાવમાં વધારોઃ મણે ૧૦૦ રૂપીયાનો ઉછાળો

રાજકોટ, તા., ૭:  સૌરાષ્‍ટ્રના અગ્રીમ હરોળના રાજકોટ યાર્ડમાં ગઇકાલે મગફળીની આવકો શરૂ કરાતા ૧.૩પ લાખ ગુણીની ઐતિહાસિક આવક થઇ હતી. યાર્ડમાં જયાં જુઓ ત્‍યાં મગફળીના ઢગલે-ઢગલા નજરે પડતા હતા. જંગી આવકના પગલે બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી મગફળીની આવકો બંધ કરાઇ હતી.

યાર્ડમાં ગઇકાલે મગફળીની આવકો શરૂ કરાતા મગફળી ભરેલા ૧૮૦૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. યાર્ડના ચેરમેન  જયેશ બોઘરા, તમામ ડીરેકટરો તથા કર્મચારીઓએ સંકલનથી મગફળી ભરેલા તમામ વાહનોની ઉતરાઇ કરાવી હતી. યાર્ડમાં  આજે મગફળીની ૧.૩પ લાખ ગુણીની આવકો નોંધાઇ હતી. જે યાર્ડના ઇતિહાસમાં ઐતિહાસિક ઘટના હોવાનું યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્‍યું હતું. રાજકોટ યાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ અસરકારક વહીવટને કારણે યાર્ડની વિવિધ જણસીઓની આવકોમાં ઉતરોત્તર વધારો થઇ રહયાનું અને સૌરાષ્‍ટ્રના ખેડુતોનો પ્રવાહ રાજકોટ યાર્ડ તરફ વધી રહયાનું ચેરમેન બોઘરાએ જણાવ્‍યું હતું.

દિવાળી બાદ યાર્ડ ખુલતા જ લાભ પાંચમ બાદ મગફળીની ૭પ હજાર ગુણીની આવકો નોંધાઇ હતી. ત્‍યાર બાદ આજે ૧.૩પ લાખ ગુણીની વિક્રમજનક આવકો થઇ હતી. મગફળીની જંગી આવકને પગલે ભાવોમાં નજીવો  ૧૦ રૂપીયાનો ઘટાડો થયો છે. મીલ ડીલવરીમાં મગફળી ઝીણીના ભાવ  ૧૧૦૦ થી ૧ર૭૦ અને મગફળી મોટી એક મણના ભાવ ૧૧પ૦ થી ૧૩૧પ રૂપીયાના ભાવે સોદા પડયા હતા.

રાજકોટ યાર્ડમાં કપાસની પણ દૈનિક ૧પ થી ર૦ હજાર મણની આવકો થાય છે.  કપાસ એક મણના ભાવ ૧પ૦૦ થી ૧૮પ૦ રૂપીયાના ભાવે સોદા પડી રહયા છે. જો કે આજે યાર્ડમાં સફેદ તલ અને જીરૂના ભાવમાં ૧૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો.

(1:17 pm IST)