Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

બી.એન.કારીયાને ૪૦ વર્ષની પ્રસંશનીય ફરજ બાદ નિવૃત થતા વિદાયમાન અપાયું...

રાજકોટ જિલ્લા ન્‍યાયખાતા વર્ગ-૩ના કર્મચારી : સાદગીમાં માનતા બી.એન.કારીયાએ નિવૃત્તિ સુધી સાયકલ પર જ ફરજ બજાવી હતી

રાજકોટની સ્‍મોલકોઝ કોર્ટમાંથી ૪૦ વર્ષની ફરજ બાદ નિવૃત થયેલા બી.એન.કારીયાને બેલીફ મંડળના હોદેદારો ઉપેશ કે.પરમાર, દિપક પંડયા, સંજયભાઇ , જીજ્ઞેશ દવે તથા સોલંકીભાઇએ ગુલદાસ્‍તો આપી શાલ ઓઢાડી સન્‍માન કરેલ. તે પ્રસંગની તસ્‍વીર, બીજી તસ્‍વીરમાં બી.એન.કારીયા નજરે પડે છે.

રાજકોટઃ રાજકોટ જિલ્લા ન્‍યાયખાતાના કર્મચારી બી.એન.કારીયા (બેલીફ) ૪૦ વર્ષની પ્રસંશનીય ફરજ બજાવી નિવૃત થતા ન્‍યાય ખાતાના કર્મચારી બલીફ નિયન દ્વારા દિવાળીમાં ખુલતા વેકેસને ભવ્‍ય વિદાયમાન અપાયુ હતું.

રાજકોટ જિલ્લા ન્‍યાય ખાતામાં તા.૨૨-૧૦-૧૯૮૨ના રોજ વર્ગ ૪ના કર્મચારી તરીકે નિમણુંક મેળવી વર્ષો સુધી જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટકલાસ કોર્ટમાં ફરજ બજાવ્‍યા બાદ આશરે ૩ વર્ષ મોરબીમાં ફરજ બજાવી ફરી રાજકોટમાં નિમણુંક મેળવેલ. ત્‍યારબાદ સને ૨૦૦૮ની સાલમાં ડીસ્‍ટ્રીક જજ એમ.જે.ઠક્કરે બેલીફ તરીકે પ્રમોશન આપી જેતપુર ખાતે નિમણુંક આપેલ. જેતપુર મુકામે બેલીફ તરીકે સને ૨૦૧૭ સુધી ફરજ બજાવી ફરી ક્રમ મુજબ રાજકોટ મુકામે વતનમાં સિવિલ કોર્ટમાં બદલી થયેલ. છેલ્લે ૩૧ ઓકટોબર ૨૦૨૨ સુધી રાજકોટ સ્‍મોલ કોઝ કોર્ટમાં ફરજ બજાવી નિવૃત થતા વિદાયમાન પ્રસંગે સ્‍મોલ કોર્ટના સ્‍ટાફના ઉપેશ કે.પરમાર, સંજય કડવાતર, દિપલ પંડયા, જીજ્ઞેશ દવે, સોંદરવાભાઇ તેમજ સોલંકીભાઇએ નિવૃત થતા કર્મચારી બી.એન.કારીયાને મોમેન્‍ટો અર્પણ કરી શાલ ઓઢાડી સન્‍માન કરી કારીયાભાઇએ ન્‍યાયતંત્રમાં બજાવેલ સંનિષ્‍ઠ ફરજને બીરદાવી નિવૃતિ જીવન આનંદદાયક પસાર કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

બી.એન.કારીયા પ્રથમથી જ સાદગીમાં માનતા હોય નોકરી દરમિયાન છેવટ સુધી સાયકલ પર જ ફરજ બજાવી છે પોતાની ફરજ દરમિયાન રાજકોટના દુરના વિસ્‍તારોમાં પણ કોર્ટમાં સમન્‍સ નોટીસ બજાવવા પણ સાયકલનો જ ઉપયોગ નિવૃતિ સમય સુધી કર્યો હતો. તેમની સાદગીને કોર્ટના કર્મચારી તેમજ એડવોકેટોએ પણ બિરદાવી હતી. કામથી કામ અને કામ સિવાય કંઇ નહિ બોલવાની આદત ધરાવતા હોવાથી કર્મચારીઓમાં પણ બી.એન.કારીયા ભારે આદર ધરાવતા હતા.

(11:51 am IST)