Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સિવિલમાં સતત છ માસથી કોરોના સામે ૫૫૦ નર્સિંગ સ્ટાફની સતત કામગીરી

તહેવારોમાં સતત સચેત રહેવા અપિલ કરતાં નર્સિંગ સુપ્રિ. હિતેન્દ્ર જાખરીયા

રાજકોટ : એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો ૫૫૦ વ્યકિતઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કાબિલેદાદ કામગીરી કરી ફલોરેન્સના નામને સાર્થક કરી રહ્યા હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ હિતેન્દ્ર જાખરીયા ગૌરવ સાથે જણાવે છે.

સતત ૬ માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદારણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બન્યાનું જાખરીયા જણાવે છે.

કોવીડ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓ માટે ખાસ વોર્ડ અને ઓ.ટી. વિભાગ ખોલવામાં આવ્યો છે. અહીં અવતાર પામતા લાડલા બાળકોને માની મમતા આ નર્સ બહેનો પુરી પાડી રહી છે. પુરુષ નર્સ સમયની પરવા કર્યા વગર તેમની ફરજ નિભાવી નર્સિંગ વ્યવસાયને સેવા રૂપી કવચ પહેવારી ઉચ્ચતમ શિખરે પહોચાડ્યું હોવાનું હિતેન્દ્ર જાખરીયા જણાવે છે. પોતે જોયેલ કોરોનાનું રૌદ્ર સ્વરૂપ અને છ માસની નર્સિંગ કામગીરીને ધ્યાને લઇ પ્રજાને આવનારા તહેવારોમાં સચેત રહેવા ખાસ અપીલ કરે છે.

(3:33 pm IST)