Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કાલે દેવ દિવાળી : ઠાકોરજી - તુલસીજીના વિવાહનો મંગલ અવસર

શાલીગ્રામ સ્‍વરૂપ ઠાકોરજીની જાન જોડાશે : તુલસીજી સાથે ફેરા : જાનૈયા-માંડવીયા બનવા ભાવિકો ઉત્‍સુક : શેરડીનું શુકન સાચવવા ધુમ વેંચાણ : રાત્રે એક દિવસીય ફટાકડાની આતશબાજી જામશે : ઠેરઠેર તુલસી વિવાહના આયોજનો

રાજકોટ તા. ૭ : કાલે કારતક સુદ એકાદશી. જેને દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે આપણે ત્‍યાં દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.

કાલે જ દેવ દિવાળી હોય લોકોમાં અનેરો ઉમંગ છવાયો છે. દેવ દિવાળી એટલે દેવોના વિવાહનો અવસર ગણવામાં આવે છે. આમ જુઓતો નવા શરૂ થયેલ વિક્રમ સંવતનો આ પ્રથમ ઉત્‍સવ ગણાય. આમેય દેવોના વિવાહ કરીને પછી જ લોકો પોતાના સંતાનોના લગ્ન પ્રસંગના આયોજનો કરતા હોય છે.

આવતી કાલે ઠાકર અને તુલસીજીના લગ્નનો અવસર ઉજવવા ભાવિકોમાં  અનેરો ઉત્‍સાહ છવાયો છે. શાલીગ્રામ સ્‍વરૂપ ઠાકોરજી અને છોડ સ્‍વરૂપ તુલસીજીના લગ્ન પ્રસંગને ઉકેલવા કોઇ ભાવિકો જાનૈયા બનશે તો કોઇ ભાવિકો માંડવિયા બનશે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્‍ટ્રભરમાં પણ કાલે દેવ દિવાળીના પર્વે તુલસી વિવાહના આયોજનો થયા છે. ફટાકડાની બજારોમાં ફરી એક દિવસીય રોનક જામશે. દિવળી પછી કાલે ફરી આકાશમાં આતશબાજી જોવા મળશે.

શેરડીની બજારમાં પણ સીઝનની શરૂઆત આ શુકન સાચવીને થતી હોય તેમ બજારોમાં ઠેરઠેર શેરડીના ગંજ ખડાકાવા લાગ્‍યા છે. કાલે ઘરે ઘરે તુલસી કયારે શેરીડીના સાંઠા ધરાવી દીવો પ્રગટાવવામાં આવશે.

મંદિરોમાં પણ તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવેલ. તેમજ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પણ ધાર્મિક મંડળો અને ભકત સમુદાયો દ્વારા તુલસી વિવાહના આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

ધારેશ્વર મંદિર

શ્રી ધારેશ્વર મહાદેવ ટ્રસ્‍ટ ભકિતનગર સર્કલ દ્વારા કાલે તા.૮ ને શુક્રવારના સાંજે ૪ થી ૬ તુલસી વિવાહ ધામ ધુમથી ઉજવવામાં આવશે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ચિત્રકુટધામ રામજી મંદિર, ૪-ધર્મજીવન સોસાયટી ખાતે કાલે ૮ ના શુક્રવારે દેવ દિવાળી નિમિતે તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. સવારે ૯.૩૦ કલાકે મંડપ મુહુર્ત, માણેક સ્‍થંભની પુજા, બપોરે ૪.૩૦ કલાકે જાન પ્રસ્‍થાન કૃષ્‍ણ વિહાર સામેથી નિજ મંદિરમાં વાજતે ગાજતે પહોંચશે. કન્‍યા પક્ષ તરફથી સમુહમાં કન્‍યાદાન કરાશે. હસ્‍ત મેળાપ સાંજે ૬.૩૦ વાગ્‍યે થશે. ધર્મલાભ લેવા ભાવિક ભકતોને અનુરોધ કરાયો છે.

રાધેશ્‍યામ ગૌશાળા

રાધેશયામ ગૌશાળા, રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગરોડ, રૈયાધાર ખાતે કાલે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાશે. કાલે સાંજના આરતી બાદ બટુક ભોજન રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ પધારવા રાધેશ્‍યામબાપુ (મો.૯૨૨૮૩ ૫૩૭૮૦) ની યાદીમાં જણાવાયુ છે.

સર્જન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ

સર્જન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા આજે તા. ૭ ના ગુરૂવારે ઘરે ઘરે તુલસીના રોપા વિતરણ કરી એ રીતે તુલસી વિવાહના અવસરની અનોખી ઉજવણી કરાશે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણના ધર્મપત્‍ની અને ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકુરના હસ્‍તે રોપા વિતરણની શરૂઆત કરાશે. સાંજે પ વાગ્‍યે પંચનાથ મંદિરે ૫૦૦ રોપાનું વિતરણ કરવામાં આવનાર હોય વધુને વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. આયોજનને સફળ બનાવવા સુરેશભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઇ વોરા, ઉપપ્રમુખ ગુણવંતભાઇ ભટ્ટ, પ્રભાબેન વસોયા, પ્રવિણભાઇ ડોડીયા, દિવ્‍યાબેન રાઠોડ, હેમંતભાઇ ડોડીયા, કમલેશભાઇ રાઠોડ, મહેન્‍દ્રસિંહ તલાટીયા, ડેનિશ પટેલ, ચેતન ચૌહાણ, મહિલા મોરચાના પ્રમુખ રમાબેન હેરભા, ઉપપ્રમુખ રેશમાબેન સોલંકી, મંત્રી દિપાબેન કાચા, કારોબારી સભ્‍યો સીમાબેન અગ્રવાલ, દેવયાનીબેન રાવલ, હર્ષીદાબા કનોજીયા, શ્રધ્‍ધાબેન સીમાજીયા, રશિદાબેન સીદી, મીનાક્ષીબેન લીંબાસીયા, રશ્‍મીબેન લીંબાસીયા, ડોલીબેન શર્મા, હેતલબેન બારડ, ગીતાબેન ધામેલીયા, વર્ષાબેન નિમાવત, રસીલાબેન રાજયગુરૂ, તૃપ્‍તીબેન   રાજવીર, હિરલબેન જોષી, દિલ્‍પાબેન મકવાણા, શીતલબેન પંડયા, અશ્વિનીબેન ડાભી, માયાબેન ગોહેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:46 pm IST)