Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પત્રકાર હરસુખલાલ અને તેમના પત્‍નિને પડોશી દંપતિએ ફડાકા મારી ધમકી દીધી

પંચશીલ સોસાયટી પાસે આર.એમ.સી. ક્‍વાર્ટરમાં બનાવ : રાજેશ સવાણી અને તેના પત્‍નિને ક્‍વાર્ટરની સાંકડી લોબીમાં કૂતરાઓને ભેગા કરી દૂધ નહિ પીવડાવવા સમજાવતાં તૂટી પડયા

રાજકોટ તા. ૭: ગોંડલ રોડ પર પંચશીલ સોસાયટી બાન લેબ સામે આવેલા આર.એમ.સી. ક્‍વાર્ટરમાં રહેતાં અને દૈનિક ન્‍યુઝ પેપરમાં પત્રકાર તરીકે કામ કરતાં હરસુખલાલ અમૃતલાલ ગણાત્રા (ઉ.વ.૭૮)એ પડોશમાં જ બ્‍લોક નં. ૧૩/૮૭૮માં રહેતાં રાજેશભાઇ સવાણી અને રેખાબેન સવાણીને ક્‍વાર્ટરની લોબી સાંકળી હોઇ કૂતરાને દૂધ પીવડાવવું હોય તો બહાર જઇને પીવડાવવા માટે સમજાવતાં આ બંનેએ ગાળો દઇ ફડાકા મારી દેતાં અને તેમના પત્‍નિ જ્‍યોત્‍સનાબેન વચ્‍ચે પડતાં તેને પણ વાળ પકડી બે-ત્રણ ફડાકા મારી જાનથી   મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

માલવીયાનગર પોલીસે હરસુખલાલની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગઇકાલે સવારે હું ઘરે હતો અને રૂમની સફાઇ કરતો હતો ત્‍યારે અમારા બ્‍લોકની લોબી સાંકળી હોઇ બાજુમાં રહેતાં રાજેશભાઇ સવાણી અને તેના પત્‍નિ રેખાબેન બંને લોબીમાં ચાર-પાંચ કૂતરા ભેગા કરી દૂધ પીવડાવતાં હોઇ મેં તેમને લોબીની બહાર દૂધ પીવડાવો, સાંકળી લોબીમાં ચાલવામાં તકલીફ પડે છે તેમ સમજાવતાં રાજેશભાઇ અને તેના પત્‍નિએ ઉશ્‍કેરાઇ જઇ મને ગાળો દઇ ઢીકા-પાટુનો માર માર્યો હતો. રાજેશભાઇએ બે-ત્રણ લાફા મારી દીધા હતાં.

દેકારો થતાં મારા પત્‍નિ જ્‍યોત્‍સનાબેન બચાવવા આવતાં તેને પણ રેખાબેને વાળ પકડી બે-ત્રણ ફડાકા મારી દીધા હતાં. બીજા પડોશીઓ ભેગા થઇ જતાં અમને છોડાવ્‍યા હતાં. રાજેશભાઇ અને તેના ઘરવાળાએ અમને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)