Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પ્રહલાદ પ્‍લોટમાં નવા બની રહેલા બિલ્‍ડીંગમાં મજૂર પ્રવિણનું મોતઃ ગભરાયેલા સાથી મજૂરોએ લાશ બાલાજી મંદિર પાસે મુકી દીધી!

પ્રવિણ કોરી (ઉ.૨૨) ગઇકાલે જ પિત્રાઇ સહિતના ચાર યુવાનો સાથે મધ્‍યપ્રદેશથી મજૂરીએ આવ્‍યો'તોઃ રાતે બીજા માળે સુતા હતાં ત્‍યારે કોઇપણ રીતે લિફટના ખાંચામાંથી પ્રવિણ પટકાતાં મોત થયું: રિક્ષામાં લાશ નાંખી ફૂટપાથ પર મુકી આવ્‍યાઃ પછી પોતે જ પોલીસને જાણ કરીઃ મોત આકસ્‍મિક જ હતું કે કેમ? સાથી મજૂરોની પુછતાછ

 ઘટના બની તે નવુ બની રહેલુ પાંચ માળનું બિલ્‍ડીંગ, જેમાંથી પ્રવિણ પડી ગયાનું કહેવાયું તે લિફટનો ખાંચો, જ્‍યાં તેની લાશ મુકી દેવાઇ હતી તે બાલાજી મંદિર બહારની ફૂટપાથ તથા પ્રવિણનો નિષ્‍પ્રાણ દેહ

રાજકોટ તા. ૭: પ્રહલાદ પ્‍લોટમાં દિગ્‍વીજય મેઇન રોડ પર નવા બની રહેલા પાંચ માળના બિલ્‍ડીંગ ખાતે ગઇકાલે જ મધ્‍યપ્રદેશથી પિત્રાઇ સહિતના ચાર યુવાનો સાથે મજૂરી કામે આવેલા પ્રવિણ રામલાલ કોરી (ઉ.વ.૨૨) નામના યુવાનનું રાત્રીના આ બિલ્‍ડીંગના બીજા માળેથી લિફટ માટેના ખાંચામાં પડી જતાં મોત નિપજ્‍યું હતું. સવારે સાથેના મજૂરોને જાણ થતાં તેઓ ગભરાઇ જતાં લાશને રિક્ષામાં નાંખી ભૂપેન્‍દ્ર રોડ બાલાજી મંદિર બહાર ફૂટપાથ પર મુકી દીધી હતી. એ પછી તેણે જ પોલીસને જાણ કરી હતી. રાતે અકસ્‍માતે પ્રવિણ લિફટ માટેના ખાંચામાંથી પડી ગયાનું સાથી મજૂરોએ કહ્યું હતું. મોત અન્‍ય કોઇ રીતે તો નથી થયું ને? તે જાણવા પોલીસે તમામની પુછતાછ હાથ ધરી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ ભૂપેન્‍દ્ર રોડ બાલાજી મંદિરની ફૂટપાથ પર પ્રવિણ રામલાલ કોરી (ઉ.૨૨) બેભાન પડયો હોવાની જાણ પોલીસ કન્‍ટ્રોલ રૂમ મારફત થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી પટેલભાઇએ તેને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરા, એઅસઆઇ ડી. બી. ખેર, કમલેશભાઇ તથા ડી. સ્‍ટાફની ટીમ પહોંચી હતી. તપાસ કરતાં મૃતકના માથામાં ઇજા જોવા મળી હતી.

પોલીસે મૃતકની સાથે રહેલા તેના પિત્રાઇ ઇન્‍દ્રભાન કોરી તથા બીજા મજૂરો રામસુંદર કોરી, શ્રવણસિંગ કોરી સહિતનાની પુછતાછ કરતાં આ લોકોએ જણાવ્‍યું હતું કે ગઇકાલે જ પ્રવિણ મજૂરી કામ માટે મધ્‍યપ્રદેશના કુસલા ભાટ શીંગરોલીથી મજૂરી કામ માટે આવ્‍યો હતો. બધા પ્રહલાદ પ્‍લોટમાં નવા બની રહેલા પાંચ માળના બિલ્‍ડીંગમાં મજૂરીએ રહ્યા હતાં અને રાતે ત્‍યાં જ બીજા માળે સુઇ ગયા હતાં. સવારે બધા ઉઠયા ત્‍યારે પ્રવિણ જોવા ન મળતાં તપાસ કરતાં તે લિફટ માટેના ખાંચામાં બેભાન જોવા મળ્‍યો હતો.

તેને જગાડવા છતાં નહિ જાગતાં મૃત્‍યુ થયાનું સમજી હવે પોલીસ પોતાની પુછતાછ કરશે તેવો ભય લાગતાં લાશને રિક્ષામાં મુકી ભૂપેન્‍દ્ર રોડ પર બાલાજી મંદિર પાસે લાવ્‍યા હતાં અને ફૂટપાથ પર મુકી દીધી હતી. એ પછી પોતે કંઇ કર્યુ ન હોઇ અને મૃત્‍યુ અકસ્‍માતે થયું હોઇ તે સમજાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ આકસ્‍મિક જ હોવાનું બહાર આવ્‍યું છે. આમ છતાં મોતનું ચોક્કસ કારણ જાણવા અને માથાની ઇજા કોઇ પ્રહારથી તો નથી થઇ ને? તે જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું છે. તેનો રિપોર્ટ બાકી છે. મૃતકની સાથે સુતેલા તમામની પોલીસે પુછતાછ કરી હતી. આ તમામે પ્રવિણ રાત્રીના કોઇપણ સમયે લિફટના ખાંચામાંથી અકસ્‍માતે જ પડી ગયાનું કહ્યું હતું.

મૃતક પાંચ ભાઇમાં બીજો હતો અને સંતાનમાં એક પુત્રી છે.

(4:41 pm IST)