Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પૂરવઠાનો 'ઈ-પોર્ડ' સિસ્ટમનો વિરોધ કરતા ડોર સ્ટેપના કોન્ટ્રાકટરો

તમામ ટ્રકમાં જીપીએસ છેઃ માલ નિગમથી નીકળ્યો અને સસ્તા અનાજની દુકાને પહોંચ્યો ત્યાં સુધીના ફોટા ડ્રાઈવરે પાડવાના... : જો રસ્તામાં 'વાહન' કયાંય આડા અવળુ થાય.. કે ૧૦ મીનીટનો સમય લ્યે તો ૨ હજારથી ૧૦ હજાર સુધીના દંડની જોગવાઈ : આમ છતા ડોર સ્ટેપમાં ત્રણ કોન્ટ્રાકટરો તૈયાર પણ પરીવહન કોન્ટ્રાકટરોએ ભાવ વધારો માંગતા બધુ અટકયુઃ જો ફાઈનલ નહિ થાય તો ૧૧મીને બદલે વિતરણ ૩ થી ૪ દિવસ મોડુ થશેઃ તમામ જથ્થો પૂરતો અવેલેબલ છેઃ પૂજા બાવડા

રાજકોટ, તા. ૭ :. રાજ્યના પૂરવઠા તંત્રની ડોર સ્ટેપ ડિલીવરી અને પરિવહન કોન્ટ્રાકટ હજુ રાજકોટ સહિત રાજ્યભરમાં આણંદ સહિત ૨ થી ૩ જીલ્લાને બાદ કરતા ફાઈનલ નહિ થતા સસ્તા અનાજની દુકાને પહોંચતો ચાલુ મહિનાનો ઘઉં, ચોખા, તુવેરદાળ, મીઠુ સહિતનો માલ અટકી ગયો છે. ૧૧મીથી તો વિતરણ છે, પરંતુ હજુ માલ પહોંચ્યો નથી, પરિણામે દુકાનદારોમાં દેકારો છે, તો સ્થાનિક લેવલે અધિકારીઓ ચિંતાતુર છે, કારણ કે બધૂ-બધો કોન્ટ્રાકટ ગાંધીનગરથી ફાઈનલ થાય છે. કોન્ટ્રાકટરો આડા ફાટયા છે, પરિણામે આખી ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે.

રાજકોટ પૂરવઠાના અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ડોર સ્ટેપમાં ૨ થી ૩ કોન્ટ્રાકટરો વર્ષ ૨૦૨૦-૨૧ના ભાવે કોન્ટ્રાકટ કરવા તૈયાર છે, પરંતુ પૂરવઠાનો જે ઈ-પોર્ડ સિસ્ટમનો ભારે વિરોધ કરી રહ્યા છે, એ હટાવાય તો જ કામ થશે, તેવુ ઉમેરી રહ્યા છે.

પૂરવઠા તંત્રે નિગમમાંથી ટ્રક ભરીને નિકળતો માલ દુકાને પહોંચે તે માટે દરેક ટ્રકમાં જીપીએસ સિસ્ટમ ગોઠવી છે, આ ઉપરાંત તેના કરતા કડક સિસ્ટમ 'ઈ-પોર્ડ' (ઈલેકટ્રોનીક પ્રુફ ડીલીવરી)ની ગોઠવી છે, જેમા જે તે ટ્રકના ડ્રાઈવરે નિગમમાંથી માલ નીકળે ત્યારે અને જે તે દુકાને પહોંચે ત્યારે તેના ફોટા પાડવાના - વજન થતુ હોય તેના ફોટા પાડવાના અને તે કોન્ટ્રાકટરને મોકલવાના.. આમા વાહન જરા પણ આડુ અવળુ થયું... અપાયેલ રૂટ ઉપર ન ચાલ્યું, કયાંક માલ બીજે પહોંચ્યો તો કોન્ટ્રાકટરને રૂ. ૨૦૦૦થી માંડી ૧૦ હજાર સુધીના દંડની જોગવાઈ છે, અમે તેના પરિણામે કોન્ટ્રાકટરો કોન્ટ્રાકટ કરવા તૈયાર નથી.

એટલુ જ નહી જે તે તાલુકા કે દુકાનના માલનો રૂટ પણ નિગમથી દુકાન સુધી પૂરવઠા તંત્ર ફાઈનલ કરી રહ્યુ છે, એ રૂટ ઉપર જ ટ્રક જવો જોઈએ હવે રાજકોટમાં અનેક રસ્તા બંધ છે. કોન્ટ્રાકટરોએ આ સવાલ પણ ઉઠાવ્યા છે અને પરિણામે એમા પણ મોટો ડખ્ખો છે. બીજી બાજુ પરિવહન કોન્ટ્રાકટરોએ પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા આ વર્ષે ભાવ વધારો માંગ્યો છે, એટલે આ કોન્ટ્રાકટ અટકયો છે. આજે બપોરે ૩ વાગ્યાથી મીટીંગ છે.

 જો ફાઈનલ નહી થાય તો ગાંધીનગર ખાતે જાણ કરાશે અને ત્યાંથી સૂચના આવશે તે પ્રમાણે અનુસરાશે તેમ ડીએસઓ શ્રી પૂજા બાવડાએ 'અકિલા'ને જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યુ હતુ કે અમે કોન્ટ્રાકટરના ભાવ વધારા, રૂટ, ઈ-પોર્ડમાં કોઈ નિર્ણય લેવાના નથી, એ બધુ ગાંધીનગરથી ફાઈનલ થાય છે, જો ૧૧મી સુધીમાં માલ દુકાનો ઉપર નહિ પહોંચે તો વિતરણ ૩ થી ૪ દિવસ મોડુ થઈ શકે છે. તેમણે જણાવેલ કે રાહત દર અને મફત આપવાનો ઘઉં, ચોખા, મીઠુ, તુવેરદાળ વિગેરેનો પુરતો જથ્થો આપણી પાસે છે, એફસીઆઈનું ગોડાઉન પણ બાજુમાં છે. ફાઈનલ થાય એટલે દુકાનો ઉપર ધડાધડ માલ પહોંચાડી દેવાશે.

(3:59 pm IST)