Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રેશનીંગ દુકાનો ઉપર ૧૧ મીથી વિતરણ પણ ડોર સ્ટેપ ડીલીવરી અને પરિવહન કોન્ટ્રાકટ ફાઇનલ નહી થતા ૭૩૦ દુકાનો ઉપર માલ નથી

આખા રાજયમાં આ સ્થિતિઃ આજે બપોર ૩ વાગ્યાથી ડીએસઓ સાથે કોન્ટ્રાકટરોની મીટીંગ : પુરવઠા નિગમે ર૦ર૦-ર૧ ની સાલનો ભાવ ફાઇનલ ગણતા કોન્ટ્રાકટરો ખસી ગયાઃ દુકાનદારોમાં મોટો દેકારો

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠા નિગમનો ડોર સ્ટેપ ડીલીવરી અને પરિવહન કોન્ટ્રાકટ ફાઇનલ નહિ થતા અને હવે ૧૧ મીથી ગુજરાત સરકારનો સસ્તા અનાજના દુકાનેથી રાહત દરે પુરવઠાનું વિતરણ અને વડાપ્રધાન અન્ન સહાય હેઠળ ઘઉં-ચોખાનું વિનામુલ્યે વિતરણનો સમય પાકી જતા અને રાજકોટની ૭૩૦ સહિત રાજયભરની ૧પ થી ૧૬ હજાર દૂકાનો ઉપર આજ સુધી માલ નહિ પહોંચતા દુકાનદારો અને પુરવઠા તંત્રના જીવ પડીકે બંધાઇ ગયા છે., દુકાનદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જો ૧૧ મી સુધીમાં માલ નહી પહોંચે તો સસ્તા અનાજના કાર્ડ હોલ્ડરો અને દુકાનદારો વચ્ચે ભારે ઘર્ષણ થવાનો ભય ઉભો થયો છે.

અત્રે એ નોંધનીય છે કે ડોરસ્ટેપ ડીલીવરીનો કોન્ટ્રાકટ રિન્યુ નહિ થતા એક પણ દુકાનદારે પરમીટ કઢાવી નથી, અને માલ ઉપાડયો નથી.

સુત્રોએ ઉમેર્યુ હતું કે બંને કોન્ટ્રાકટરમાં કોન્ટ્રાકટરોએ ભાવ વધારો માંગ્યો છે, જયારે પુરવઠા નિગમે ર૦ર૦-ર૧ ની સાલમાં જે ભાવો ફાઇનલ થયા હતાં, તે જ ભાવો ફાઇનલ ગણવાનો આગ્રહ રાખતા કોન્ટ્રાકટરો ખસી ગયા છે, હવે વિતરણના આડે માત્ર ૪ દિવસ રહ્યા છે, પરીણામે આજે તો ભાવો ફાઇનલ કરવા તંત્ર કમર કસી રહયું છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે રાજકોટ નહિ આખા રાજયમાં ર થી ૩ જીલ્લાને બાદ કરતા, આ દશા છે, કયાંય ભાવો ફાઇનલ થયા નથી, ગાંધીનગરથી જ તમામ  કોન્ટ્રાકટ ફાઇનલ થાય છે, દરમિયાન આજે સમાધાન કાઢી લેવા ડીએસઓ શ્રી પુજા બાવડાએ નિગમના મામલતદારશ્રી સખીયા તથા ર થી ૩  કોન્ટ્રાકટરો સાથે મીટીંગ બપોરે ૩ થી યોજી છે, કોટડામાં અને મોરબીના એક કોન્ટ્રાકટર તૈયાર થયા છે, સાંજ સુધીમાં ફાઇનલ નિર્ણય આવી જશે.

(3:55 pm IST)