Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ધર્મની રક્ષાકાજો કાર્યરત ''પરમ ધર્મસંસદ ૧૦૦૮''દ્વારા ૭ વિધાનસભા ધર્માધાયકોની નિમણુંકો જાહેર

ટૂંક સમયમાં ગુજરાત પરમધર્મ સભા અધિવેશનઃ પૂરજોશમાં તૈયારી

રાજકોટ તા. ૭: પરમ ધર્મ સંસદ ૧૦૦૮ દ્વારા રાજકોટની સાત વિધાનસભાઓમાં ધર્માચાયકો કાર્યરત થશે. સનાતન વૈદિક હિન્દુ પરમધર્મ સંસદ ૧૦૦૮ એ વિશ્વભરમાં સનાતની હિન્દુજનોના પ્રશ્નોને વિશ્વસ્તર ઉપર વાયા આપતી હિન્દુઓના સર્વોચ્ચ ધર્માચાર્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સંસ્થા છે. ધર્મ વિષયક નિર્ણય લઇ શાસ્ત્રીય પ્રતિપાદન દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કટિબદ્ધ એક પ્રકારે સંસદની ગરિમા મુજબની આ પરમધર્મ સંસદ છે.

જેમાં પ્રત્યેક સંસદીય ક્ષેત્રમાંથી ધર્માસદોની નિયુકિત કરાઇ છે. તેવા સમગ્ર દેશમાંથી પ૪૪ પ્રતિનિધિઓ ઉપરાંત ર૮૧ ધર્મવિષયના તજજ્ઞ અને દેશની ચાર પીઠોમાંથી ચારધામમાંથી, ૧ર જયોતિલિંગ માંથી, પ૧ શકિતપીઠમાંથી, પ વૈષ્ણવાચાર્યમાંથી, તમામ વૈદિક સંપ્રદાયો અને બિનહિન્દુ સંપ્રદાયના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાની તમામ રાજનૈતિક પાર્ટીઓમાંથી પ્રતિનિધિઓનો સમાવેશ કરાયોછે. આ ઉપરાંત વિદેશમાં જયાં હિન્દુ વસે છે તેવા દેશોમાંથી પણ એક એક પ્રતિનિધિ મળીને કુલ ૧૦૦ઠ પ્રતિનિધિઓની આ સભાના પરમારાધ્ય પરમધર્માધીશ પુજયપાદ જયોતિષપીઠાધીશ્વર એવં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી મહારાજ છે. તેમજ પ્રવર ધર્માધીશ પુજયપાદ સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતિજી મહારાજ છે.

આગળના તબકકામાં રાજય સ્તર ઉપર વિધાનસભાની તર્જ ઉપર એક પરમધર્મ સભાનું ગઠન પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવનાર છે. તે રીતે ગુજરાત રાજયમાં ૧૮ર ધર્મધાયકોની નિયુકિત કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ગુજરાત રાજકોટના ધર્માસદ ડો. હિરેનભાઇ જોશી દ્વારા રાજકોટમાં ૭ વિધાન સભાઓના પ્રતિનિધિ અર્થાત ધર્માધાયકોની નિયુકિતની ઘોષણા કરવામાં આવી છે.

જેમાં (૧) રાજકોટ પૂર્વઃ ગોપાલભાઇ જાની (ર) રાજકોટ પશ્ચિમઃ પ્રશાંતપુરી દલપતપુરી ગોસ્વામી, (૩) રાજકોટ દક્ષિણઃ દિવ્યાબા જાડેજા, (૪) રાજકોટ ગ્રામ્યઃ રાજેશભાઇ દવે (પ) ટંકારાઃ પરેશભાઇ કકકડ, (૬) વાંકાનેરઃ મીતભાઇ જાની, (૭) જસદણઃ પાર્થગીરી ગોસ્વામી ની નિયુકિત કરવામાં આવેલ છે.

તમામ નવનિયુકત ધર્માધાયકો પોતપોતાના વિધાનસભાના ક્ષેત્રમાં સનાતન ધર્મ અંગે જાગૃતિનું કામ કરશે તેમજ સનાતન ધર્મ સામેના પડકારોને વાચા આપવા ધર્મ સંબંધી પ્રશ્નોને વિવિધ માધ્યમોથી પ્રસારિત કરશે.

ટૂંક સમયમાં રાજયના ર૬ ધર્માસદો અને ૧૮ર ધર્માધાયકોની ગુજરાત પરમધર્મ સભાનું અધિવેશન પ્રવર ર્ધાધિશ સ્વામીશ્રીઃ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતિજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાત ખાતે મળશે. જેમાં અનેક સંતો મહંતો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે.

રાજકોટ સરકીટ હાઉસ ખાતે મળેલ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ (પરમધર્મ સંસદ ૧૦૦૮) કિશોરભાઇ દવે, નિજાનંદગીરી છોટેઉદેપુર, તેમજ રામજીભાઇ માવાણી, તેમજ રમાબેન માવાણી તેમજ પ૦ થી વધારે લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)