Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજકોટમાં મોસમનો કુલ ૧૫ll ઈંચ વરસી ગયો

મ્યુનિસીપલ કોર્પોરેશન કરતાં હવામાન ખાતામાં વરસાદની કુલ માત્રામાં વધારો નોંધાયો : મોડીરાતે અને સવારે પણ હળવા ઝાપટાનો દોર યથાવતઃ આજનો દિવસ વરસાદી માહોલ રહેશે

રાજકોટ,તા.૭: સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતભરમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી ઝમાઝમ વરસી રહ્યો છે. અમુક શહેરોમાં તો સાંબેલાધાર પડયો છે. ચોમેર પાણી- પાણી કરી દીધુ છે. તો નદી, નાળા છલકાઈ ગયા છે. તો રાજકોટ શહેરમાં પણ મેઘાવી માહોલ યથાવત છે. છેલ્લા બે દિવસમાં એટલે કે રવિવાર અને સોમવાર સુધીમાં ૧૦ ઈંચ ખાબકી ગયો છે અને મોસમનો કુલ ૧૫।। ઈંચ પાણી પડી ગયુ છે. આજનો દિવસ છુટા છવાયા ઝાપટાનો દોર ચાલુ રહેશે તેમ હવામાનના સુત્રોએ જણાવ્યું છે.

વરસાદના આંકડાની વાત કરીએ તો હવામાન ખાતામાં છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ગઈકાલ સવારથી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૧૮.૯ મી.મી. પાણી પડયું છે. જયારે મોસમનો કુલ ૩૮૮.૫ મી.મી. નોંધાયો છે.

જયારે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં ગઈકાલ સવારથી આજે સવારે ૭ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોન ૧૨૮ મી.મી., કાલાવડ રોડ ૧૧૦ મી.મી. અને બેડીપરા ૧૫૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે મોસમના કુલ વરસાદની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોન ૨૯૭ મી.મી., કાલાવડ રોડ ૨૮૫ મી.મી. એન બેડીપરામાં ૩૨૨ મી.મી. પાણી પડયું છે. આમ, મ્યુ.કોર્પોરેશન કરતાં હવામાન ખાતામાં મોસમનો વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી શાનદાર વરસી રહ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન પણ સારો વરસી ગયો હતો. ત્યારબાદ સાંજના અને રાત્રીના સમયે પણ હળવાથી મધ્યમ ઝાપટા સતત ચાલુ રહ્યા હતા. આજે સવારે આઠ વાગ્યાની આસપાસ ફરી ઝરમર ચાલુ રહયો હતો. આમ હળવા ઝાપટાનો દોર સતત ચાલુ છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આજનો દિવસ છુટા છવાયા હળવા ઝાપટાનો દોર ચાલુ રહેશે. આવતીકાલથી વરસાદની માત્રામાં ઘટાડો આવશે. જો કે વાદળછાયુ વાતાવરણ અને પવનનું જોર રહેશે.

મ્યુ.કોર્પોરેશનના આંકડા

ગઈકાલ સવારથી આજે સવારે ૭ સુધી

* સેન્ટ્રલ ઝોન ૧૨૮ મી.મી.

* કાલાવડ રોડ ૧૧૦ મી.મી.

* બેડીપરા ૧૫૭ મી.મી.

મોસમનો કુલ

* સેન્ટ્રલ ઝોન ૨૯૭ મી.મી.

* કાલાવડ રોડ ૨૮૫ મી.મી.

*બેડીપરા ૩૨૨ મી.મી.

હવામાન ખાતાના આંકડા

છેલ્લા ૨૪ કલાક (ગઈકાલ સવારથી આજે સવારે ૮ સુધી)

*૨૧૮.૯મી.મી.

*મોસમનો કુલ

૩૮૮.૫ મી.મી.

(12:54 pm IST)