Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જૈન મોટા સંઘના આંગણે

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મનાદે રવિવારે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના

રાજકોટ,તા.૭: અનેક અનેક આત્માઓ જેમના નાભિના નાદથી પ્રગટતાં પરમાત્મા પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ સ્તુતિ સ્વરૂપ મહા પ્રભાવક શ્રી ઉવસંગ્ગહરં સ્તોત્રનું શ્રવણ કરીને તન- મન અને જીવનને શાંત, સ્વસ્થ અને સમાધિમય બનાવી રહ્યા છે એવા સિદ્ધિના સાધક રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી આ અદભુત સ્તોત્રની જપ સાધનાનું આયોજન શ્રી વિરાણી પૌષધશાળાના આંગણે કરવામાં આવ્યું છે.

ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. પૂ.શ્રી પિયુષમુનિ મ.સા., પૂ.શ્રી ચેતનમુનિ મ.સા., પૂ.શ્રી વિનમ્રમુનિ મ.સા. તેમજ પૂ.શ્રી પવિત્રમુનિ મ.સા. આદિ છ સંતોની સાથે પૂ.શ્રી ભદ્રાબાઈ મહાસતીજી આદિ, પૂ.વિરમતીબાઈ મહાસતીજી આદિ, ડો.પૂ.શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ ઠાણા મળીને ૪૧ સંતો- સતીજીઓ રવિવારે તા.૧૦ના સવારના ૬:૩૦ કલાકે ધર્મવત્સલ નટુભાઈ શેઠના એ.એન. એસ પ્રા.લી, અર્હમ ફાયનાન્શીયલ સેન્ટર, સ્ટાર ચેમ્બર્સ સામે, હરીહર ચોક, પંચનાથ મેઈન રોડથી વિહાર કરીને ૭:૧૫ કલાકે શ્રી વિરાણી ર્પૌષધશાળા, પેલેસ રોડ, કોઠારીયા નાકા, ખાતે પધારશે.

રાષ્ટ્રસંત પૂ.શ્રીના શ્રી મુખેથી ૭:૧૫ કલાકે શ્રી ઉવસગ્ગહરં જપ સાધના કરાવ્યાં બાદ ૭:૪૫થી ૮:૩૦ કલાક દરમ્યાન રાષ્ટ્રસંત પૂજય શ્રીના શ્રી મુખેથી મૌલિક શૈલી અને મધુર વાણીમાં 'આર્થિક અને આધ્યાત્મિક સમૃદ્ધિના કારણો' આ વિષય પર મનનીય પ્રવચન ફરમાવવામાં આવશે. પ્રવચન બાદ ભાવિકો માટે ગૌતમ પ્રસાદનું આયોજન કરાવમાં અવ્યું છે.

રાષ્ટ્રસંત પૂજય શ્રીની દીક્ષાભૂમિ, પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબની વડી દીક્ષાભૂમિ અને અનેક અનેક આત્માઓએ જે ભૂમિ પાવન પવિત્ર બનાવી છે એવા શ્રી વિરાણી પૌષધશાળા આંગણે તન- મનને સ્વસ્થ કરનારી અને આત્મિક ઉન્નતિ કરાવનારી આ પ્રભાવક જપ સાધનામાં સહુ ભાવિકોએ શ્વેત વસ્ત્ર પરિધાન કરીને આવવા સંઘપ્રમુખ ઈશ્વરભાઈ દોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(4:03 pm IST)