Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

રાજકોટના ૫ માં મહિલા મેયર કોણ? ૧૫મીએ ફેંસલો

મ્યુનિ. કોર્પોરેશનના ડે.મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિતનાં પદાધિકારીઓની મુદત ૧૪ જુને પુરી થશેઃ મેયર પદે મહિલા અનામતઃ ૧૫ વિવિધ સમિતિના ચેરમેનો બદલાશે

રાજકોટ,તા.૭: આગામી તા.૧૫નાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ મીટીંગ મળનાર છે. આ બોર્ડના અધ્યક્ષ ગણાતા મેયર અને ડેપ્યુટી મેયર માટે હોદ્દાની રુએ અંતિમ બોર્ડ હશે. શુક્રવારે બોર્ડ મીટીંગમાં હાલના મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ બોર્ડનું સંચાલન કરે છે, પરંતુ આગામી ૧૫ જૂને મળનારા બોર્ડમાં નવા મેયર ડેપ્યુટી મેયરની વરણી થશે. આ જનરલ બોર્ડમાં રાજકોટનાં ૩૨માં મેયર અને પાંચમાં મહિલા મેયરની પસંદગી કરવામાં આવશે.

જેને કારણે જૂન માસના બોર્ડમાં ચર્ચા નહી થાય. માત્ર નિમણુંકની કામગીરી કરવામાં આવશે. એટેલે કે ૧૫ તારીખનું બોર્ડ હાલના મેયર અને ડેપ્યુટી મેયર માટે અંતિમ બોર્ડ ગણી શકાય. મેયર માટે હવે મેયરનું પદ મહિલા માટે અને જનરલ કેટેગરીમાટે આરક્ષણ હોવાથી મહિલાઓ આ પદ માટે દોડાદોડી કરી રહી છે.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન માટે આગામી તા. ૧૫મી જૂન મહત્વની છે. કારણકે આ દિવસે શહેરને નવા મેયર મળશે. વર્તમાન મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ હોદ્દેદારોની મુદત પૂરી થઇ રહી છે. સત્ત્।ાધારી ભાજપમાં પદવાંચ્છુઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા શરૂ થઈ છે. મેયર જેવા મહત્વના પદ માટે આ વખતે મહિલાનો વારો હોવાથી ચૂંટાયેલા  ૧૯ જેટલા ભાજપનાં મહિલા કોર્પોરેટરોમાંથી અર્ધો ડઝન જેટલી મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી જામી છે. મહિલા મેયર કોણ બનશે તે અંગે જાત જાતના તર્ક -વિતર્ક થઇ રહ્યા છે. પોતાને શહેરના પ્રથમ નાગરિકનુ મહત્વનુ પદ મળે તે માટે કેટલીક મહિલા કોર્પોરેટરે અત્યારથી પ્રયાસો શરુ કરી દીધા છે.

૧૫મી જુન મેયર.ડે. મેયરના નામો ભાજપ કાર્યાલયમાંથી આવેલા બંધ કવરમાંથી ખુલશે. ત્યારબાદ સ્ટેન્ડિંગના સભ્યો નક્કી થશે, જેમાંથી ચેરમેન ચૂંટાશે. અન્ય ૧૫ જેટલી સમિતિ પણ મહત્વની ગણાતી કમિટીમાં સ્થાન મેળવવા પડાપડી છે.

મેયર પદ મહિલા અનામત હોય,  જ્ઞાતિ સાથે શિક્ષણ અને વહીવટના અનુભવને પણ ધ્યાનમાં રાખવામાં આવે તેવી શકયતા છે. તો સ્ટે.ચેરમેન પદે લોકસભા અને આવતી કોર્પોરેશનની ચૂંટણી પણ ધ્યાને રાખી અઢી વર્ષ માટે સિનીયર પદાધિકારીનેજ આ જવાબદારી સોંપવામાં આવે તેમ, સુત્રોએ સંકેતો આપ્યા છે.

મેયર ડો.જૈમન ઉપાધ્યાયની અઢી વર્ષની ટર્મ તા.૧૪ જુનના રોજ પુરી થઇ રહી છે. બીજી ટર્મ માટે મહિલા કોર્પોરેટર મુકવાના છે. આ નામોમાં હાલ આગળ રહેલા નામમાં વર્તમાન ડે.મેયર અને વ્યવસાયે ડોકટર એવા બિનવિવાદી અને કુશળ   પદાધિકારી ડો.દર્શિતાબેન શાહનું નામ ચાલી રહ્યું છે. ગત ટર્મમાં પણ મજબુત દાવેદાર ગણાતા અને મેયર ન બની શકેલા બીનાબેન આચાર્યનુંનામ પણ સાથે ચાલે છે.

રાજકીય પંડિતોમાં ચાલતી ચર્ચા મુજબ પ્રથમ ટર્મમાં બ્રાહ્મણ મેયર બનાવામાં આવ્યા હતા. જો બીજી ટર્મમાં પણ બ્રાહ્મણને મેયર બનાવામાં આવે તો અન્ય સમાજ નારાજ થાય અને પ્રબળ દાવેદાર બીનાબેન આચાર્યને વધુ એક વખત તક ન મળે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

 આ સિવાય પાટીદારમાંથી કિરણબેન સોરઠિયા, જાગૃતિબેન ધાડીયા તથા ઓબીસી જ્ઞાતિના અંજનાબેન મોરજરીયા અને અનિતાબેન ગોસ્વામીના નામ આવી રહ્યા છે.

સ્ટે.કમીટીના અઢી વર્ષના પ્રથમ ચેરમેન બનવાની તક પુષ્કર પટેલને મળી છે અને તેઓએ આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી પણ છે. જો કે હવેની અઢી વર્ષની ટર્મ લોકસભા અને અને અંતે કોર્પોરેશનની ચૂંટણીની પણ છે અને મેયર પદે મહિલા રહેશે તેથી સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પદે વહીવટી પકડ ધરાવતા અનુભવી કોર્પોરેટરને બેસાડાશે.

આથી હાલમાં આરોગ્ય સમિતિ ચેરમેન પદે ફરજ બજાવી અને આરોગ્ય તંત્રને સતત દોડતુ રાખી જાહેર આરોગ્ય માટે સતત ચીંતીત રહી અને નવા આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલોમાં સહાય, માં અમૃત કાર્ડ દ્વારા તબીબી સહાય સહિતની સુવિધાઓ માટે ખડેપગે રહેનાર  મનીષભાઇ રાડીયાની આ સેવાકીય કાર્યવાહીને સર્વત્ર બીરદાવામાં આવી રહી છે ત્યારે હાઇકમંાડ આ બાબતની ગંભીરતા પુર્વક નોંધ લઇ અને શ્રી રાડીયાને સ્ટેન્ડિગ કમિટિ ચેરમેનની મહત્વની જવાબદારી સુપ્રત કરે તેવી શકયતાઓ દર્શાય રહી છે.

     આ ઉપરાંત પુર્વ મેયર અને પુર્વ સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ તથા પુર્વ સ્ટેન્ડિગ ચેરમન કશ્યપભાઇ શુકલ સહિતનાં સ્ટેન્ડિગ ચેરમેન પદ માટે દાવેદાર હોવાની ચર્ચા છે.

જ્યારે ડે .મેયર પદે વોર્ડ નં.૨ના કોર્પોરેટરો જયમીન ઠાકર, દલસુખભાઇ જાગાણી, તથા રાજુભાઇ અઘેરાને પાર્ટી ખુરશી સોંપી શકે અને શાસક પક્ષ નેતાના મહત્વના પદ માટે બાબુભાઇ આહીર,  અશ્વીન મોલીયા, અશ્વીન ભોરણીયા, મુકેશ રાદડીયા ભાવિ ઉત્સાહી પદાધિકારી સાબિત થઇ શકે તેમ છે. દંડક પદે રાજુભાઇ અઘેરાની જગ્યાએ કોણ આવે છે તેની પણ ચર્ચા થઇ રહી છે

(4:02 pm IST)
  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST

  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST