Gujarati News

Gujarati News

News of Sunday, 8th May 2022

સગા પુત્રની મદદથી ઓરમાન માતાએ પતિનો કાંટો કાઢી નાખ્‍યો !

કોઠારિયા રોડ પરના મારૂતિનગરમાં બનાવ : આઠ દિવસથી થતો ઝઘડો વધુ ઉગ્ર બનતા પ્રેમીકા આશા ચૌહાણે પતિને પતાવી દીધો : પતિને ત્રણ બુકાનીધારીઓએ ઓરડીમાં પુરી ગાદલામાં આગ લગાડી સળગાવ્‍યાની આશાએ પહેલા ખોટી સ્‍ટોરી ઘડી : પાછળથી પોલીસે સત્‍ય શોધી કાઢયું : સગીર પુત્ર પણ પિતાના ત્રાસથી કંટાળી ગયો હતો તેને પણ ઓરમાન માએ હત્‍યા નિપજાવવામાં સામેલ કર્યો

રાજકોટ તા. ૭ : પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ મારૂતિનગર શેરી નં. ૧ માં અન્‍યસ્ત્રીઓ સાથે ફોન પર સતત વાતોના પ્રશ્ને અઠવાડિયાથી થતા ઝઘડાનો ખાર રાખી પ્રેમીકા કમ પત્‍નીએ જ રાકેશભાઇ નવીનચંદ્રભાઇ અધીયારૂ (ઉ.૪૯)ને કેરોસીન છાંટી સળગાવી હત્‍યા કર્યાનું ખુલતા ભકિતનગર પોલીસે પ્રેમીકા કમ પત્‍નીની અટકાયત કરી છે. આ ઘટનામાં ભોગ બનનાર રાકેશભાઇના સગા પુત્રએ પણ મદદગારી કરતા તેની સામે પણ પોલીસે ગુન્‍હો નોંધ્‍યો છે.

મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર હુડકો પોલીસ ચોકીની પાછળ મારૂતિનગર શેરી નં. ૧માં રહેતા શૈલેષભાઇ નવીનચંદ્ર અધીયારૂ (ઉ.૪૪)એ ભકિતનગર પોલીસ મથકમાં મારૂતિનગર શેરી નં. ૧માં રહેતી આશા નાનજીભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. શૈલેષભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે રીક્ષા ચલાવે છે. પોતે ત્રણ ભાઇઓ છે જેમાં સૌથી મોટા રાકેશભાઇ નવીનચંદ્રભાઇ અધીયારૂ (ઉ.૪૯) હતા તે કલ્‍યાણ જ્‍વેલર્સમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નાઇટશીપમાં નોકરી કરતા હતા. પોતાના ભાઇ રાકેશભાઇના પત્‍ની શીલ્‍પાબેનની સાથે આશરે ૧૫ વર્ષ પહેલા છૂટાછેડા લઇ લીધા હતા. રાકેશભાઇએ શીલ્‍પાબેન સાથે છૂટાછેડા લઇ લીધા બાદ છેલ્લા ૧૫ વર્ષથી આશા નાનજીભાઇ ચૌહાણ નામની મહિલા સાથે રીલેશનશીપમાં બાજુના મકાનમાં બંને સાથે રહેતા હતા. રાકેશભાઇને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો દીકરો હાર્દિક (ઉ.૨૦) જે છેલ્લા આઠેક મહિનાથી માનસીક બીમાર છે અને પોતાના માતા નંદનબેન સાથે રહે છે  અને નાનો દીકરો ભાર્ગવ તે રાકેશભાઇ સાથે રહે છે. ગઇકાલે બપોરે પોતે રીક્ષા લઇને રામકૃષ્‍ણ આશ્રમ તરફ ભાડુ લઇને ગયા હતા અને સાંજે ભત્રીજા હાર્દિકની માનતા ઉતારવા પાળગામ રોડ પર આવેલ જખરા પીરની દરગાહએ પરિવાર સાથે જવાનું હોઇ જેથી ચાર વાગ્‍યા આસપાસ પોતાના ભાઇની પત્‍ની તરીકે રહેતી આશાને બે વખત મોબાઇલ પર ફોન કરતા તેણે ફોન ઉપાડેલ નહી બાદ પોતે ભત્રીજા ભાર્ગવને ફોન કરતા તેણે પણ ફોન ઉપાડેલ નહી. જેથી પોતે ઘરે આવી નાનાભાઇ પ્રજ્ઞેશભાઇને લઇ માતાને ત્‍યાં દિપ્‍તીનગરમાં આવેલ રામદેવપીરના મંદિરે ગયેલ અને ત્‍યાં ભત્રીજા હાર્દિક તથા માતાને લઇ અને મવડીમાંથી પોતાના સાસુને લઇ બધા જખરાપીરની દરગાહએ ગયા હતા. ત્‍યાં દર્શન કર્યા થોડીવાર બાદ સાંજે પોતાના પરિચીત નિલેશભાઇ જોષીનો ફોન આવેલ અને વાત કરેલ કે ‘તારા ઘરમાંથી ધુમાડા નીકળે છે કાંઇ બનાવ બનેલ નથીને' તેમ વાત કરતા પોતે પરિવારના સભ્‍યોને લઇને તુરંત જ જખરાપીરની દરગાહએથી ઘરે આવવા માટે નિકળેલ અને પોતાના ઘર પાસે પહોંચતા ઘરની બહાર ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ઉભી હતી અને પોલીસ સ્‍ટાફ પણ જોવા મળતા પોતે ત્‍યાં જઇ જોતા પોતાના ભાઇ રાકેશભાઇની સળગેલી હાલતમાં લાશ જોવા મળી હતી અને પોલીસ પોતાના ભાઇની સાથે રહેતી આશાની પૂછપરછ કરી રહી હતી ત્‍યાં જઇ ‘મારો ભાઇ કેવી રીતે સળગી ગયેલ તે તપાસ કરવા માટે પોતે ઘરની અંદર જઇને જોતા આખો રૂમ સળગી ગયો હતો અને કેરોસીનની વાસ આવતી હતી. આ બનાવમાં રાકેશભાઇએ આશા સાથે ૧પ વર્ષ પહેલા મૈત્રી કરાર કર્યા હોવાનું જાણવા મળેલ અને તે રાકેશભાઇ સાથે પત્‍નિ તરીકે રહેતી હતી. રાકેશભાઇને કોઇસ્ત્રી સાથે સતત ફોન ઉપર વાત કરતા હોઇ, જેના લીધે પ્રેમિકા કમ પત્‍નિ આશા સાથે આઠેક દિવસથી રાકેશભાઇ સાથે ઝઘડા થતા હોઇ, તે બાબતનો ખાર રાખી આશાએ રાકેશભાઇને કેરોસીન છાંટી સળગાવી નાખવાનું જાણવા મળ્‍યું હતું. આ બનાવ બનતા ડીસીપી પાર્થરાજસિંહ રાઠોડ, એસીપી એચ.એલ. રાઠોડ તથા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એલ. એલ. ચાવડા, આઇ.એચ. વી. રાયજાદા અને રાઇટર નિલેષભાઇ મકવાણા, હિરેનભાઇ તથા હાર્દિકભાઇ સહિનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ પ્રેમીકા કમ પત્‍ની આશા નાનજીભાઇ ચૌહાણની અટકાયત કરી પુછપરછ કરતા પ્રથમ તબક્કે ત્રણ બુકાની પહેરીને આવેલા અજાણ્‍યા શખ્‍સોએ રૂમમાં પુરી ઝઘડો કરી ગાદલામાંઆગ લગાડી સળગાવ્‍યાની આશાએ જણાવતા આ વાત પોલીસને ગળે ન ઉતરતા પોલીસે આશાની ઉંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી.

 ગઇકાલે રાત્રે જે ઘટના ઘટી તે પછી પોલીસ રેકર્ડ ઉપર જે ફરીયાદ નોંધાઇ છે. તે ઉપરોકત હકિકતવાળી હતી. પરંતુ ભકિતનગર પીઆઇ એલ. એલ. ચાવડા અને સીનીયર અધિકારીઓએ રાતથી સવાર સુધી ઘટનાનો ક્રમ તલસ્‍પર્શી રીતે ચકાસી સત્‍ય હકિકત શું તે જાણવા કવાયત આદરી હતી, એ દરમ્‍યાન ભોગ બનનાર રાકેશભાઇ અને તેની પ્રેમીકા કમ પત્‍ની વચ્‍ચે હંમેશની માફક કાલે રાત્રે ઝઘડો થતા વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. આ દરમ્‍યાન પત્‍ની આશાએ રાકેશના માથામાં દસ્‍તો ઝીંકી દેતા તેણે પોતાના શરીર પરનો કાબુ ગુમાવ્‍યો હતો. અને ફસડાઇ પડયો હતો. આમ થતા આશાએ  તેના પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે એક વાત એવી પણ સપાટી પર આવી હતી કે ભોગ બનનાર રાકેશ અછીયારૂનો ૧૭ વર્ષીય સગો પુત્ર બનાવ સમયે હાજર હતો.  તે પણ પોતાના પિતાના અવાર નવાર ઘરમાં થતા રહેતા ઝઘડાથી ત્રાસી ગયો હતો. જો કે પોતે તેના પિતાની હત્‍યામાં સક્રિય રીતે ભાગ ભજવ્‍યો છે કે કેમ તે મુદ્‌્‌ે આ લખાય છે ત્‍યારે પણ આ ઉંડી તપાસ ચાલી રહી છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.વી.ધોડા, વાય.બી.જાડેજા તથા એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા, ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા, ડીસીપી ઝોન-૧ના પી.એસ.આઇ. વી.કે.ઝાલા, આર.જે. કામળીયા, એચ.એન.રાયજાદા, એ.એસ. આઇ. નિલેષભાઇ મકવાણા, હેડ કોન્‍સ. હિરેનભાઇ પરમાર, દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. મનિષભાઇ ચાવડા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી

પ્રથમ તસ્‍વીરમાં હત્‍યા જે સ્‍થળે થઇ તે મારૂતિનગરનું મકાન નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં હત્‍યાની ઘટના જાહેર થતાં કૌતુકવશ એકઠા થઇ ગયેલા આસપાસના રહેવાસીઓ અને સ્‍થળ પર દોડી આવેલી પોલીસ નજરે પડે છે. (ફોટો : સંદિપ બગથરીયા)

અન્‍યસ્ત્રીઓ સાથે ફોન પરની વાતોના પ્રશ્ને પ્રેમીકા કમ પત્‍નિ એ જ રાકેશ અધીયારૂને સળગાવી નાખ્‍યાની કબૂલાત

રાજકોટ : મારૂતિનગર શેરી નં. ૧માં રાકેશભાઇ નવીનચંદ્રભાઇ અધીયારૂની હત્‍યાના બનાવમાં ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડા સહિતના સ્‍ટાફે આરોપી આશા ચૌહાણની પૂછપરછ કરતા તેણે જણાવ્‍યું હતું કે, પતિ રાકેશભાઇને અન્‍ય મહિલાઓ સાથે સંબંધ હોઇ અને આઠ દિવસથી નાના-મોટા ઝઘડા તેની સાથે થતા ચાલતા હતા. ગઇકાલે ફરી ઝઘડો થતા પતિ રાકેશભાઇએ પોતાને મારમારતા તેનો સગીર પુત્ર વચ્‍ચે પડતા તેને પણ હાથમાં બટકુ ભરી લીધું હતું.

દરરોજ થતા ઝઘડાથી કંટાળી આશાએ સગીર પુત્રની મદદથી પતિ રાકેશભાઇના માથામાં લોખંડનો દસ્‍તો ફટકારી દેતા તે ફસડાઇ પડયા બાદ તેના પર કેરોસીન છાંટી કાંડી ચાંપી સળગાવી નાખ્‍યો હોવાની આશા નાનજીભાઇ ચૌહાણે કબુલાત આપી હતી. પોલીસે આ બનાવમાં ૧૧૪ અને જીપી એકટ ૧૩૫ની કલમનો ઉમેરો કરી આશા ચૌહાણની ધરપકડ કરી હતી અને સગીર પુત્રને ઝડપી લીધો હતો

(4:36 pm IST)