Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ભરવાડ સમાજની ૭૦ દીકરીઓએ ૧૦ દિવસની પર્વતારોહણની તાલીમ લીધીઃ પ્રમાણપત્ર

રાજકોટ,તા.૭:  શહેરમાં નાનામવા ચોકડી પાસે આવેલા ભરવાડ સમાજની દીકરીઓની હોસ્ટેલમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતી ૧૬૦ પૈકી ૭૦ છોકરીઓ પર્વતારોહણ તાલીમ લઈ પરત આવેલ છે. ગુજરાત સરકાર સંચાલિત સ્વામી વિવેકાનંદ ઈન્સ્ટીટયુટ ઓફ માઉન્ટરીંગ, રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાતે આવેલ છે, આ સંસ્થામાં દર વેકેશનમાં પર્વતારોહણને લગતા અલગ- અલગ કોર્ષ ચાલે છે. ''બેઝીક રોક કલાઈમ્બીંગ''નો ૧૦ દિવસનો કોર્ષ હતો. કોર્ષમાં ૭૦ છોકરીઓ આ ગોપાલક ગર્લ્સ હોસ્ટેટ રાજકોટની પસંદ થયેલ છે, શહેરની કણસાગરા અને ભાલોડીયા મહિલા કોલેજમાં તથા આર.આર.પટેલ મહિલા કોલેજ તથા બારદાનવાલા ગર્લ્સ સ્કુલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીઓ એક સાથે મળી આ માઉન્ટરીંગના સાહસિક કોર્ષમાં તાલીમ માટે ગયેલ હતી.

શ્રી ગોપાલક એજયુકેશન ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટ સંચાલિત આ ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ ભરવાડ સમાજની છોકરીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની વિકાસની યોજના સાથે કાર્યરત છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કુસુમ ટોળિયા, પ્રમુખ રૂપાબેન માલધારી, સેક્રેટરી દેવયાની ગમારા દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓ નિયમિતપણે કરાવવામાં આવે છે. માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ આ કોર્ષમાં રોક કલાઈમ્બીંગ- રેપલીંગ સહિત નાઈટ ટ્રેકીંગ તથા લોંગ સીલીંગ રેપલીંગ, સ્ટમક રેપલીંગ જેવી અઘરી તાલીમ લેવામાં આવેલી. તાલીમના અંતે રાજય સરકારના રમતગમત કમિશ્નરશ્રી દ્વારા પ્રમાણપત્ર તેમજ આબુ ગિરીમથક પર આવેલા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત કરવામાં આવેલ. આ ઉપરાંત માં અંબાજીના દર્શન - પ્રાર્થનાનો પણ લ્હાવો લીધેલ, આબુ ખાતે હોસ્ટેલના ગૃહમાતા તરૂલીકાબેન વ્યાસ તથા યુવા રેકટર કુમારી, પાયલ પરમારએ વ્યવસ્થા સંભાળેલી.

પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં માઉન્ટરીંગ સંસ્થાન કમલસિંહ રાજપુત, ઈન્સ્ટ્રકટર નિમેષ પટેલ, નેહા ચૌહાણ, રીધમ જોશી તથા આભિર સેન્ટરના કો- ઓર્ડીનેટરશ્રી ડો.વિનુભાઈ ટોળિયા, એમ.પી.ગમારા, ખેંગારભાઈ રાણગા અને મનોજભાઈ ગમારા ઉપસ્થિત રહેલા.

અનુ સરસીયા, કોમલ ઝાપડા, માધવિ ટોળીયા, પુરી ઝાંપડાએ પોતાના રીવ્યુ આપેલા. જયારે આભારવિધી કુમારી રીટા બાંભાવાએ  કરેલ. સમારોહનું હિન્દી ભાષામાં સંચાલન ગીતા ભુંડીયાએ કરેલ. રાજય બહાર આ પ્રકારે છોકરીઓના સર્વાંગી વિકાસ અર્થેનો ભરવાડ સમાજનો આ પ્રથમ કાર્યક્રમ હતો તેમ સંસ્થાના પ્રમુખ કરણાભાઈ માલધારીએ જણાવેલ.

સમાજના અગ્રણીઓ સર્વશ્રી દિનેશભાઈ ટોળિયા, ખીમજીભાઈ મકવાણા, પ્રફુલ ટોળિયા (ગોંડલ), હિરાભાઈ બાંભવા, અનિલભાઈ રાઠોડ, રામજીભાઈ ખરગીયા (મુંબઈ), વિરમ વકાતર (જામનગર), જીતુભાઈ કાટોડીયા, શનાભાઈ ગોહેલ વિ.એ. પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)