Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ગરીબોના પેટ પર પાટુઃ હોકર્સ ઝોન રદ્દઃ ૪૦ રેકડીધારકો રઝળી પડયા

ભાજપના શાસકોએ જ કુંડલિયા કોલેજનો હોકર્સ ઝોન શરૂ કરાવી રેંકડીધારકોને રોજી અપાવી હતી, હવે રાતોરાત આ હોકર્સ ઝોન રદ્દ થઈ જતા વર્ષો જૂના ખાણીપીણીના રેંકડીધારકો રઝળી પડયાઃ શાસ્ત્રી મેદાન આસપાસ ધંધો કરવા છૂટ આપોઃ ગરીબ ધંધાર્થીઓની આજી-જી-જી

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા કુંડલીયા કોલેજ પાસેના હોકર્સ ઝોનમાં ઉભા રહેતા ગરીબ રેંકડીધારકોએ હોકર્સ ઝોન રદ્દ થતા તેઓની આપવીતી વર્ણવી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા ગરીબ રેંકડીધારકો અને ફેરીયાઓને રોજીરોટી મળી રહે તેવા હેતુથી શહેરમાં વિવિધ સ્થળોએ હોકર્સ ઝોન શરૂ કર્યા છે. જે અંતર્ગત શાસ્ત્રી મેદાન સામે આવેલ કુંડલીયા કોલેજવાળી શેરીમાં વર્ષોથી ખાણીપીણીના નાનામોટા રેંકડીધારકો માટે હોકર્સ ઝોન ચાલુ હતો જેમાં અંદાજે ૪૦થી વધુ રેંકડીધારકો રોજીરોટી કમાઈ રહ્યા હતા પરંતુ મ્યુ. કોર્પોરેશનના તંત્રવાહકોએ કલમના એક ઝાટકે રાતોરાત આ હોકર્સ ઝોન રદ્દ કરી નાખતા આજથી આ તમામ ખાણીપીણીના ધંધાર્થીઓ રઝળી પડયા છે.

આ અંગે આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા કુંડલીયા કોલેજ પાસે આવેલ ખાણીપીણીના રેંકડીધારકોએ પોતાની આપવીતી જણાવતા કહ્યુ હતુ કે, વર્ષો અગાઉ કોર્પોરેશનના ભાજપ શાસકોએ જ આ હોકર્સ ઝોન બનાવ્યો હતો અને તેમાં ગરીબ ખાણીપીણીના ધંધાર્થીઓનો સમાવેશ કરતા અહીં આવેલ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ સસ્તો અને સારો નાસ્તો મળી રહેતો હતો જેના કારણે આ હોકર્સ ઝોન ખૂબ પ્રસિદ્ધ થયેલ અને ૪૦થી વધુ ગરીબ રેંકડીધારકોની રોજીરોટી આ હોકર્સ ઝોન થકી ચાલવા લાગી હતી, પરંતુ નિર્દયી તંત્રવાહકોએ ગઈકાલે કલમના એક ઝાટકે જ આ હોકર્સ ઝોન રદ્દ કરી નાખતા ગરીબ ખાણીપીણીના ધંધાર્થીઓ રઝળી પડયા હતા એટલુ જ નહિ અહીંથી હવે વિદ્યાર્થીઓને ઘરઆંગણે મળતી નાસ્તાની સુવિધા પણ તંત્રએ છીનવી લીધી. આથી ગરીબ રેંકડીધારકોએ કોર્પોરેશનના પદાધિકારીઓ સમક્ષ આજીજી કરતા માંગ ઉઠાવી હતી કે, શાસ્ત્રી મેદાન આસપાસ કોઈપણ સ્થળે અથવા કોઈ એક ખૂણામાં આ ખાણીપીણીના ધંધાર્થીઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તે જરૂરી છે અન્યથા આ ગરીબ ધંધાર્થીઓની આર્થિક હાલત દિવસેને દિવસે વધુ કફોડી બનતી જશે.

હવે ઘર કેમ ચલાવીશ..? સોડા વેંચતા વડીલની ચિંતા

રાજકોટઃ. આ હોકર્સ ઝોનમાં સવારે ૯ થી બપોર સુધી સોડા વેંચી અને વર્ષોથી ઘરનુ ગુજરાન ચલાવતા મોટી ઉંમરના વડીલ કે જેઓ ચોકીદારી પણ કરે છે તેઓને આ હોકર્સ ઝોન બંધ થતા હવે ઘર કેમ ચલાવવું..? તેવી મોટી ચિંતા થઈ પડી છે તેવી વ્યથા તેઓએ વ્યકત કરી અને આ હોકર્સ ઝોન ફરી ચાલુ થાય તેવી વિનંતી પણ તંત્ર સમક્ષ કરી છે.

(3:30 pm IST)