Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

હું અજય રાયધન બોરીચા... તમારી જમીનનું બોગસ સાટાખત મેં જ ઉભુ કરાવ્યું છે, રદ કરાવવું હોય તો બે કરોડ આપો!: પોલીસે દબોચ્યો

પાળના ૭૨ વર્ષના પટેલ વૃધ્ધે ત્રણ લોકોને વેંચેલી જમીનના બોગસ સાટાખત ઉભા કરી વાંધા અરજીઓ ઠપકારી માથે જતાં ધમકી દીધી : અનેક ગુનાઓમાં સામેલ અજય હવે જમીન કોૈભાંડકાર બન્યોઃ બે સાગ્રીતો સંજય કોળી તથા જયદિપ દરજી સાથે એસઓજીએ ધરપકડ કરીઃ રિમાન્ડની તજવીજઃ બોગસ કરાર ઉભા કરવામાં અન્ય કોની સંડોવણી? બે સાક્ષીઓ કોણ? સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ

જમીન પચાવી પાડવા બોગસ સાટાખત ઉભા કરી માથે જતાં ધમકી આપવાના ગુનામાં પકડાયેલો અજય બોરીચા (વચ્ચે) સાગ્રીતો સાથે જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: શહેરમાં નામચીનની છાપ ધરાવતાં અજય બોરીચાએ બે સાગ્રીતો સાથે મળી લોધીકાના પાળ ગામે રહેતાં પટેલ વૃધ્ધની લાખોની જમીન કે જે તેમણે ત્રણ લોકોને વેંચી નાંખી હતી તેના બોગસ સાટાખત કરાર ઉભા કરી જમીન ખરીદનારાઓને વાંધા અરજીઓ મોકલાવી તેમજ જમીન માલિક પટેલ વૃધ્ધ અને તેમના પુત્રને 'તમારી જમીનનું બોગસ સાટાખત મેં જ મારા માણસો મારફત ઉભુ કરાવ્યું છે, હવે તમારે આ સાટાખત રદ કરાવવું હોય તો બે કરોડ આપવા પડશે, નહિતર જમીન ભુલી જજો...જો પૈસા વગર જમીનમાં પગ મુકશો તો સારાવટ નહિ રહે, મને ઓળખતા નથી, હું કોણ છું?' કહી ધમકી આપતાં મામલો ડીસીબી પોલીસમાં પહોંચતા તાકીદે કાર્યવાહી કરી ત્રણની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બારામાં ડીસીબી પોલીસ મથકમાં લોધીકાના પાળ ગામે રહેતાં ચકુભાઇ મનજીભાઇ મેનપરા (ઉ.૭૨) નામના પટેલ વૃધ્ધની ફરિયાદ પરથી હસનવાડી-૨માં રહેતાં સંજય કિશોરભાઇ ધોળકીયા(કોળી), જૂનો પારડી માર્ગ પર રામેશ્વર-૨માં રહેતાં જયદિપ સુરેશભાઇ પરમાર (દરજી) અને સહકાર સોસાયટી-૪ સોનલ સમૃધ્ધી ખાતે રહેતાં અજય રાયધન કુંભરવડીયા (બોરીચા) સામે આઇપીસી ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૮૫, ૧૨૦-બી મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

ચકુભાઇએ જણાવ્યા મુજબ પોતે પરિવાર સાથે પાળ ગામે રહે છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેના પત્નિનું નામ લીલાબેન છે અને સંતાનમાં બે દિકરા તથા બે દિકરી છે. મોટા દિકરા વિપુલભાઇ સાથે રહે છે, નાના દિકરા સંજયભાઇ પાંચ મહિના પહેલા ગુજરી ગયા છે. લોધીકાના પાળ ગામના રેવન્યુ સર્વે નં. ૨૧૯ની ખેતી ખેડવાણ જમીન હે.આરે. ચો.મી. ૪-૪૬-૭૫ તથા પો.ખ.અ.ની જમીન હે.આરે. ચો.મી-૦ઢ૦૪લૃ૧-૦૧ મળી કુલ હે.આર. ચો.મી. ૪-૪૭-૭૬ તેમની વારસાગત માલિકીની છે. જેનો કબ્જો ભોગવટો વર્ષોથી તેમની પાસે છે. આ જમીન તેને વેંચાણ કરવી હોઇ જેથી ગુલાબનગર-૧ના ફિલીપભાઇ ડાયાભાઇ પટેલ સાથે કુલ જમીન પૈકીની ૩ એકર જમીન રૂ. ૩૩,૪૦,૦૦૦માં તથા સાકેત પાર્કના રાજેશભાઇ ગોબરભાઇ ભંડેરી અને અંકિત શાંતિલાલ વરસાણીને ૧ એકર જમીન રૂ. ૧૧,૧૬,૦૦૦માં વેંચવા આજથી દસેક મનિા પહેલા સોદો નક્કી થયો હતો.

જે તે વખતે જમીન બાબતે કોઇને વાંધા તકરાર હોય તો રજૂ કરવા વકિલ મારફત અખબારોમાં જાહેર નોટીસો છપાવી હતી. પરંતુ કોઇનો વાંધો મુદ્દત દરમિયાન ન આવતાં એડવોકેટ જયદીપ એસ. વોરાએ ૩/૯/૧૮ના રોજ પ્રમાણપત્ર આપ્યું હતું. એ પછી નક્કી થયેલી સમજુતી મુજબ ફિલીપભાઇ પટેલને ૩ એકર તથા રાજેશભાઇ ભંડેરી અને અંકિત વરસાણીને ૧ એકર જમીનના દસ્તાવેજ ૮/૩/૧૯ના રોજ કરી આપ્યા હતાં. આ બંને સોદાના રૂપિયા પણ તેમને મળી ગયા હતાં. કબ્જો સોંપાતા ખરીદનારાઓએ વંડા પણ વાળી લીધા હતાં. તેમજ રેવન્યુ રેકર્ડમાં પોતાના નામે જમીન ચડાવવા નોંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

ચકુભાઇએ પોલીસને આગળ જણાવ્યું હતું કે આજથી એકાદ મહિના પહેલા મને ફિલીપભાઇ પટેલે ફોન કરી બોલાવતાં હું તેના ઘરે જતાં તેમને મામલતદાર કચેરી લોધીકા તરફથી મળેલી નોટીસ બતાવી હતી. જે જમીન મેં તેઓને વેંચી હતી તે સંબંધે હસનવાડીના સંજય કિશોરભાઇ ધોળકીયા તથા રામેશ્વર-૨ના જયદિપ સુરેશભાઇ પરમારે વાંધા અરજી આપી હક્કપત્રકમાં અમારા નામની પાકી નોંધ નહિ કરવા માટે વાંધાઓ આપ્યા છે. તો ખરેખર શું બાબત છે? તમે તેઓના નામે કોઇ સાટાખત કરાર કરી આપ્યા છે કે કેમ? તેમ ફિલીપભાઇએ પુછતાં મેં તપાસ કરતાં ખબર પડી હતી કે આ બંને શખ્સોએ ૧૦/૧૨/૨૦૧૨ના રોજ રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી અશ્વિન કે. ટોળીયા પાસે નોટરાઇઝ સાટાખત તૈયાર કરાવ્યું છે. જેમાં મારા ચૂંટણી કાર્ડ તથા ફોટોગ્રાફસનો ઉપયોગ થયો હતો. પરંતુ મેં કોઇને આવુ સાટાખત કરી આપ્યું નથી કે ચૂંટણી કાર્ડ અથવા ફોટો આપ્યા નથી.

તેમજ સાટાખતમાં જે બંને ખરીદનારના નામ લખી ફોટા ચોટાડાયા છે તેવા કોઇને હું ઓળખતો ન હોઇ અને કદી મળ્યો પણ ન હોઇ આ લોકોએ બોગસ સાટાખત કરાર ઉભુ કર્યાનું જણાયું હતું. ફિલીપભાઇને વિશ્વાસ આપી હું ઘરે ગયો હતો. ત્યાં બીજા ખરીદદારો રાજશેભાઇ અને અંકિતભાઇએ પણ ફોન કરી પોતાને પણ નોટીસ મળ્યાની જાણ કરી હતી. પાછળથી તપાસ કરતાં ખબર પડી હતી કે સંજય અને જયદિપે ગોંડલ સિવિલ કોર્ટમાં એક દાવો પણ દાખલ કર્યો હતો.

મારી જમીનમાં કોૈભાંડ થયાનું જણાતાં મેં પોલીસ કાર્યવાહીનું નક્કી કર્યુ હતું અને ૩૦/૪/૧૯ના રોજ ડીસીબી પોલીસ મથક રાજકોટમાં અરજી આપી હતી. ૩/૫ના રોજ હું, મારો દિકરો વિપુલભાઇ પીપળીયા હોલના બગીચા પાસે હતાં ત્યારે સફેદ રંગની ગાડીમાં એક શખ્સે આવી અમને રોકીને 'હું અજય રાયધન બોરીચા છું અને તમારી જમીનનું ખોટુ સાટાખત મેં જ તૈયાર કરાવ્યું છે, જો તમારે સાટાખત રદ કરાવવું હોય તો મને બે કરોડ આપવા પડશે. તો જ સાટાખત રદ થશે' તેમ કહેતાં અમે પૈસા આપવાની ના પાડતાં તેણે ધમકી આપી હતી કે 'તમારી આ જમીન ભુલી જજો, તમે કોઇ આ જમીનમાં પગ મુકતા નહિ, નહિતર સારાવટ નહિ રહે. જે સાટાખત થયું છે મારા કહેવાથી થયું છે અને સંજય તથા જયદિપ મારા જ માણસો છે. તમે પોલીસમાં અરજી કરી છે તે પણ પાછી ખેંચી લેજો. મને ઓળખતા નથી હું કોણ છું?' તેવી ધમકી આપી હતી. અંતે મારી અરજી પરથી ડીસીબી પોલીસ મથકમાં ત્રણેય સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

એસઓજી પી.આઇ. આર. વાય. રાવલને આગળની તપાસ સોંપવામાં આવતાં તેમણે એસીપી જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં તપાસ હાથ ધરી અજય કુંભરવડીયા (બોરીચા), સંજય ધોળકીયા (કોળી) અને જયદિપ પરમાર (દરજી)ની ધરપકડ કરી ત્રણેયએ બોગસ સાટાખત કરાર કોની પાસે બનાવડાવ્યું? ફોટા-ચૂંટણીકાર્ડ કયાંથી મેળવ્યા? અંગુઠાનું નિશાન કેવી રીતે મેળવ્યું? બે ખોટા સાક્ષી કોણ? તે સહિતના મુદ્દે તપાસ કરવા ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

ઝડપાયેલાઓમાં જયદિપ દરજી વિરૂધ્ધ અગાઉ ભકિતનગર પોલીસમાં બળજબરીથી નાણા કઢાવવા, મારામારીના ગુના તથા અજય વિરૂધ્ધ ખૂન, મારામારીના અનેક ગુના નોંધાયા છે. તેમજ પાસામાં પણ જઇ આવ્યો છે.

(3:29 pm IST)