Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

વર્ધમાનનગરના દેરાસરની ચોરીનો ભેદ ખુલ્યોઃ દિકરીના લગ્ન માટે વારાણસીના પદુમનાથ પાઠકે ચોરી કરી'તી!

સોપારી તમાકુના ધંધા માટે રાજકોટ આવી કરણપરામાં ગેસ્ટ હાઉસમાં રોકાયો હતોઃ દર્શન કરવાના બહાને જઇ રૂ. ૧,૩૧,૦૦૦નું ભગવાનનું આભુષણ ચોરી લીધુ હતું: વતનમાં ભાગે એ પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધોઃ બીપીનદાન ગઢવી, ભરતભાઇ વાઘેલા અને કોન્સ. કરણભાઇ મારૂની બાતમી

જ્યાં ચોરી થઇ તે વર્ધમાનનગર-૩માં આવેલુ જૈન દેરાસર તથા તેમાં ચોરી કરવાના ગુનામાં પકડાયેલો વારાણસીનો પદુમનાથ પાઠક જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરના વર્ધમાનનગર-૩માં આવેલા શ્રી જૈન શ્વેતાંબર મુર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટના દેરાસરમાં રવિવારે ધોળે દિવસે એક શખ્સ ભગવાનની મુર્તિ પર લગાડવામાં આવેલા સોનાના આભુષણ (કપાળી) બે નંગ રૂ. ૧,૩૧,૦૦૦ના ચોરાઇ ગયા હતાં. આ મામલે ગઇકાલે વર્ધમાનનગર-૯માં રહેતાં પ્રકાશભાઇ પ્રાણલાલ શાહ (ઉ.૫૯)ની ફરિયાદ પરથી એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી મુળ વારાણસીના જેતપુરા ગામના પદુમનાથ પ્રભુનાથ પાઠક (ઉ.૫૬) નામના બ્રાહ્મણ પ્રોૈઢની કાલાવડ રોડ એમ. જી. હોસ્ટેલ સામેના રોડ પરથી ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોતાની દિકરીના લગ્ન માટે પૈસાની જરૂર હોઇ જેથી ચોરી કર્યાનું રટણ આ પ્રોૈઢે કર્યુ હતું.

જૈન દેરાસરમાં ચોરી થયાની જાણ થતાં જ એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમ કામે લાગી ગઇ હતી. દરમિયાન એક શકમંદ શખ્સના સીસીટીવી ફૂટેજ મળતાં તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમના બીપીનદાન ગઢવી, ભરતભાઇ વાઘેલા અને કોન્સ. કરણભાઇ મારૂને ફૂટેજ મુજબનો શકમંદ કાલવાડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પાસે હોવાની બાતમી મળતાં સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેથી સોનાની કપાળી (આભુષણ) બે નંગ મળતાં તે બાબતે આકરી પુછતાછ થતાં તેણે દેરાસરમાંથી ચોરી કર્યાનું કબુલતાં ધરપકડ કરી મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો હતો.

પુછતાછમાં પોતાનું નામ પદુમનાથ પ્રભુનાથ પાઠક (ઉ.૫૬-રહે. એચ.એન.જે-૬/૭ એ-જેતપુરા તા. જી. વારાણસી) જણાવ્યું હતું. પોતે સોપારી-તમાકુનો ધંધો કરતો હોઇ અવાર-નવાર રાજકોટ આવતો હોવાનું અને આગામી ૨૫ મેના રોજ પોતાની દિકરીના લગ્ન હોઇ પૈસાની જરૂર હોવાથી તા. ૪/૫ના સાંજે જૈન દેરાસરમાં દર્શન કરવાના બહાને જઇ આભુષણ ચોરી લીધાનું કબુલ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જોગરાણા, ભરતભાઇ, બીપીનભાઇ, અમૃતભાઇ મકવાણા, જયંતિભાઇ ગોહિલ, કોન્સ. ઘનશ્યામસિંહ (ઘનુભા) ચોૈહાણ, કરણભાઇ મારૂ સહિતે આ કામગીરી કરી હતી.

ચાર વર્ષ પહેલા દેરાસરમાં થયેલી ચોરી બાબતે પણ તપાસ

. સોની બજારમાં ચાર વર્ષ પહેલા પણ એક જૈન દેરાસરમાં ચોરી થઇ હતી. આ શખ્સ વર્ષોથી રાજકોટ આવ-જા કરતો હોઇ એ દેરાસરની ચોરીમાં તેની સંડોવણી તો નથી ને? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:27 pm IST)