Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

મેહુલનગરના સતિષભાઇ માણેકની ચંદુ પટેલ અને પુત્ર ભોૈતિક વિરૂધ્ધ ફરિયાદ

ઉછીના આપેલા નાણા પાછા માંગતા બંને સતત હુમલા કરી ધમકી આપતાં હોવાની લેખિત રાવ

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ પર નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર-૬માં રહેતાં સતિષ મોહનભાઇ માણેકએ પોલીસ કમિશનરે લેખિત ફરિયાદ કરી ન્યુ સુભાષનગર-૬માં રહેતાં ચંદુભાઇ કે. ઠુમ્મર અને ભોૈતિક ચંદુભાઇ ઠુમ્મર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરાવવા માટે માંગણી કરી છે.

સતિષ માણેકે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હું પ્લમ્બર તરીકે કામ કરુ છું અને ગુજરાન ચલાવું છું. અગાઉ અમે ન્યુ સુભાષ શેરી નં. ૮માં આરએમસી બગીચા સામે ૨૬ વર્ષ સુધી રહ્યા છીએ. એક વર્ષથી અમે ઘર બદલાવ્યું છે. જે કારણે હું ચંદુભાઇ અને તેના પુત્રને સારી રીતે ઓળખુ છું. ભોૈતિક મારી પાસેથી ૫૦૦-૫૦૦ કરીને રૂ. ૨ હજાર હાથ ઉછીના લઇ ગયો હતો. પરંતુ સમય વિતવા છતાં તેણે પૈસા પાછા ન આપતાં મેં તેના પિતા ચંદુભાઇને વાત કરતાં તેણે પટેલનગરના કારખાને આવીને લઇ જવાનું કહેતાં હું ૨૬/૨ના રોજ ત્યાં જતાં મને મારી લેણી રકમ પાછી આપવાને બદલે તારાથી થાય તે કરી લે, પૈસા નથી આપવા તેમ કહી ધમકી આપતાં હું નીકળી ગયો હતો. એ પછી ૨૮મીએ હું સુભાષનગરમાં તેના ઘરે જતાં ત્યાં ફરીથી ગાળો દઇ હાથ-પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. જેથી મેં પોલીસી ગાડી બોલાવી હતી.

એ પછી મેં અરજી કર્યાનો ખાર રાખી ૨૦/૩ના રોજ કોઠારીયા રોડ કમલેશ્વર મહાદેવ મંદિર પાછળ મને અટકાવી 'અમારી પોલીસમાં લાગવગ છે, પૈસા છે' તેમ કહી લોખંડનો ટૂકડો કપાળે મારી દીધો હતો. તેમજ તણીથી ગળુ કાપી નાંખવું છે, તને પતાવી દેવો છે...તેવી ધમકી આપી હતી. મને બીક લાગતાં હું ભાગી ગયો હતો. બે દિવસ ઘરમાં જ રહ્યો હતો. પછી સારવાર લીધી હતી. ૭/૪ના ફરીથી મારા પર ઘાતકી હુમલો કરવા પુનિત સોસાયટીમાં ચંદુભાઇ આવ્યા હતાં અને મને મારપીટ કરી હતી. ગંભીર ઇજા થઇ હોઇ મને ૮/૪ના રોજ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો હતો. આ બંને સામે આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાય તેવી મારી માંગણી છે. તેમ અરજીના અંતે સતિષ માણેકે જણાવ્યું છે.

(3:26 pm IST)