Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

શ્યામલ સીટીની ૧૩.૯૨ લાખની ચોરીમાં ક્રાઇમ બ્રાંચે લલીત અને જગદીશને દબોચ્યાઃ ૧૧ લાખની મત્તા કબ્જે

અમુક રકમ મોજશોખ પાછળ વાપરી નાંખીઃ શાપરમાં મોબાઇલ વેંચવા ગયા ને બાતમી મળીઃ શાપરના બંને કોળી શખ્સે પહેલી જ વખત ચોરી કરી અને ઝડપાઇ ગયાઃ ઘરધણીની હાજરીવાળા મકાનમાં હાથફેરો કર્યો હતોઃ જગમાલભાઇ, સંતોષભાઇ અને મયુરભાઇની બાતમી

૧૩.૯૨ લાખની ચોરીમાં ઝડપાયેલા લલિત ઉર્ફ લક્કી અને જગદીશ તથા કબ્જે થયેલો મુદ્દામાલ અને માહિતી આપી રહેલા એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. આર.વાય. રાવલ સહિતની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : શ્યામલ સિટી સોસાયટી એ-૪૨, ચાલીસ ફુટ રોડ પર રહેતાં અને પટેલનગરમાં કારખાનુ ધરાવતાં વિપુલભાઇ કિશોરભાઇ વેકરીયા (ઉ.૩૨)ના ઘરમાં તા. ૨૪-૨૫ની રાત્રે બે તસ્કર અગાસીના ભાગેથી નીચેના રૂમમાં પહોંચી રૂ. ૧૨ લાખ રોકડા તથા દાગીના મળી કુલ રૂ. ૧૩,૯૨,૫૦૦ની મત્તા ચોરી ગયા હતાં. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી શાપર વાછરાદાદાના મંદિર પાસે નાવ પ્લોટમાં અને સર્વોદય સોસાયટીમાં સંજયભાઇ વેગડાની દૂકાન પાસે રહેતાં બે શખ્સો લલીત ઉર્ફ લક્કી હેમતભાઇ ધામેચા (કોળી) (ઉ.૨૩) તથા જગદીશ દેવાભાઇ માંગરોલીયા (કોળી) (ઉ.૨૨)ને આજીડેમના બગીચામાંથી ઝડપી લઇ રૂ. ૧૧,૩૦,૫૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. ડ્રાઇવીંગના કામમાં બે છેડા ભેગા થતાં ન હોઇ મોજશોખ પુરા કરવા પહેલી જ વખત ચોરી કર્યાનું બંને કહી રહ્યા હોઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

મકાન માલિક વિપુલભાઇએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતીે કે તા. ૨/૪ના રોજ તેમણે ધંધાના કામ માટે જરૂર હોવાથી બીઓબી બેંકની પીપળીયા શાખામાંથી રૂ. ૧૨ લાખ ઉપાડ્યા હતાં અને ઘરમાં કબાટમાં રાખ્યા હતાં. ૨૫મીએ રાત્રે પોતે તથા પરિવારજનો પોતપોતાના રૂમમાં સુતા હતાં. અગાસીનો દરવાજો ખુલ્લો જ હતો. રાત્રે સાડા ત્રણેક વાગ્યે તેમના પિતા પાણી પીવા ઉઠ્યા ત્યારે એક શખ્સ ભાગતો જોવા મળ્યો હતો. દેકારો થતાં બધા જાગી ગયા હતાં અને ઘરમાં તપાસ કરતાં ચોરી થયાની ખબર પડી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ આ ચોરીનો ભેદ ઉકેલવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી અને મયુરભાઇ પટેલને બાતમી મળી હતી કે બે શખ્સોએ શાપરમાં ફોન વેંચવાનો પ્રયાસ કર્યો છે અને તે હાલ આજીડેમ ખાતે આવ્યા છે. ચોરીમાં આ બંને સામેલ હોવાની પાક્કી શંકાને આધારે સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં બંનેએ ચોરી કબુલી હતી. લલિત અને જગદીશ પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦ના ચેઇન, રોકડા રૂ. ૮,૭૦,૦૦૦, એકટીવા રૂ. ૫૦ હજારનું તથા ૬૦૫૦૦ના છ મોબાઇલ ફોન મળી રૂ. ૧૧,૩૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ટીમમાં ભરતભાઇ વનાણી, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા પણ સામેલ હતાં. પકડાયેલા બંનેની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:24 pm IST)