Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

મિલ્કત વેરા વળતર યોજનામાં ન્યુ રાજકોટવાસીઓ મોખરે

વેસ્ટ ઝોનના ૪૦ હજાર મિલ્કત ધારકોએ રૂ. ૨૦ કરોડ વેરો ભર્યોઃ સેન્ટ્રલ ઝોનમાં કરદાતાઓએ રૂ. ૧૫ કરોડ તથા ઇસ્ટ ઝોનમાં ૧૭ હજાર લોકોએ રૂ. ૭ કરોડનો વેરો ભર્યોઃ કુલ ૧ લાખ કરદાતાઓએ રૂ. ૪૬.૭૬ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યાઃ ૪૨ હજાર લોકોએ ઓનલાઇનથી વેરો ભર્યો

રાજકોટ તા.૭: મ્યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરનાર નાગરિકો માટે ૩૦ મે સુધીમાં ૧૫ થી ૧૦ ટકા તથા જુનમાં ૧૦ થી ૫ ટકા વળતર આપવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે પણ મ્યુ.કોર્પોરેશન દ્વારા ૯ એપ્રિલથી આ યોજનાનો પ્રારંભ થતા આજ દિન સુધીમાં કુલ ૧,૦૩,૪૫૪ કરદાતાઓએ રૂ.૪૬,૭૬,૮૫,૭૬૫ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે. ગત વર્ષ કરતા રૂ.૨૫ કરોડની આવક વધુ થવા પામી છે. ૪૨ હજાર લોકોએ ઓનલાઇનથી વેરો ભરી રૂ.૫૦ થી ૧ટકા સુધીનું વધારાનું વળતર મેળવ્યુ હતુ.

આ અંગે મ્યુ કોર્પોરેશન માંથી મળતી સતાવાર આંકડાકીય માહિતી મુજબ તા.૯એપ્રિલ થી ૧ મે ૨૦૧૯ સુધીમાં કયાં ઝોનમાં કેટલી આવક થવા પામી છે તેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.

વેસ્ટ ઝોન

વેસ્ટઝોન હેઠળના વોર્ડનં. ૧,૮,૯,૧૦, ૧૧, ૧ર સહિતના ૪૦ હજાર કરદાતાઓએ રૂ. ૨૦ કરોડનો વેરો ભર્યો છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં.૯માં ૮ હજાર મિલ્કતધારકોએ ૪૦  લાખ વેરો ભર્યો છે.

ઇસ્ટઝોન

ઇસ્ટઝોનના વોર્ડ નં.૪, પ, ૬, ૧પ, ૧૬, ૧૭ માંથી ૧૫,૮૨૮ મિલ્કતધારકોએ રૂ. ૫,૯૯,૭૭,૪૯૮ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૧૮ એટલે કે કોઠારીયા વિસ્તારમાંથી રૂ. ૮૬ લાખ ની આવક થવા પામી છે.

સેન્ટ્રલ ઝોન

વોર્ડ નં.ર, ૩, ૭, ૧૩, ૧૪, ૧૭, ૧૯, ર૦, ના વિસ્તારમાંથી ૩૨,૧૫૬ કરદાતાઓ દ્વારા રૂ. ૧૪,૦૨,૮૭,૯૭૦ ની આવક થવા પામી છે. આ ઝોનમાં સૌથી વધુ વોર્ડ નં.૭ના ૯,૯૫૯ મિલ્કત ધારકોએ રૂ. ૫,૩૮,૫૭,૦૧૯ ઠાલવ્યા છે.

મ્યુ.કોર્પોરેશનની વેરા શાખામાં ૧ એપ્રિલ થી ૧ મે ૨૦૧૯ સુર્ધીમાં કુલ ૨૫૭ નવી મિલ્કતો ઉમેરાઇ છે. ૯૧૦ મિલ્કતોના નામ ટ્રાન્સફર કરવા કરાયા છે.

(3:13 pm IST)