Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

અખાત્રીજ : પરશુરામ જયંતિની ધામેધુમે ઉજવણી

ત્રિકોણબાગ, બહુમાળી ભવન, નાગેશ્વર, ઇશ્વરીયા, પરશુરામધામ સહીતના સ્થળોએ સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો : સાંજે વિશાળ શોભાયાત્રા

ઇશ્વરીયાધામ ખાતે પરશુરામ જયંતિની ઉમંગભેર ઉજવણી : આજે અક્ષય તૃતિયાના પાવન અવસરે જામનગર રોડ પર આવેલ ઇશ્વરીયા મહાદેવ મંદિરમાં ભગવાન પરશુરામજીના જન્મોત્સવની આનંદ ઉમંગભેર ઉજવણી ચાલી રહી છે. વહેલી સવારે પૂજન અર્ચન તેમજ સાંજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાયા છે. જેની તડામાર તૈયારીની તાદ્રશ્ય તસ્વીરો નજરે પડે છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : આજે અખાત્રીજ એટલે કે વણજોયા શુભમુહુર્તનો દિવસ અને ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ!

રાજકોટમાં મકાન વાહનની ખરીદી અને શુભકાર્યોનો ધમધમાટ જોવા મળેલ.

ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિતે જય જય શ્રી પરશુરામજીના નામથી માર્ગો ગુંજી ઉઠયા હતા.

ત્રિકોણ બાગ ખાતે, બહુમાળી ભવન, નાગેશ્વર જામનગર રોડ તેમજ ઇશ્વરીયા મહાદેવ મંદિરે તથા રૈયા ગામે આવેલ શ્રી પરશુરામજી મંદિર ખાતે સવારથી જ પૂજન અર્ચન અને મહાઆરતીના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

રવિવારે ભુદેવ સેવા સમિતિ દ્વારા પરશુરામજી ચેતના યાત્રા સ્કુટર રેલી યોજવામાં આવી હતી.

દરમિયાન આજે મુખ્ય મહોત્સવના ભાગરૂપે ત્રિકોણબાગ ખાતે સ્થાપિત પરશુરામજીની વિશાળ કદની મુર્તિ સમક્ષ સવારથી જ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

આ લખાય છે ત્યારે સાંજે ૪ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરેથી વાજતે ગાજત ેશોભાયાત્રાનો પ્રારંભ કરાયો છે.  ભગવાન પરશુરામજીના જય જયકારથી માર્ગો ગુંજી ઉઠયા છે. પરશુરામજીના વિશાળ કટઆઉટ સાથેના મુખ્ય રથ ઉપરાંત વિવિધ ફલોટસ જોડાયા છે.

પંચનાથ મંદિરેથી ભગવાન પરશુરામના જયજયકાર સાથે પ્રારંભ થયેલ શોભાયાત્રા લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવીયા ચોક, યાજ્ઞીક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આમ્રપાલી ફાટક, હનુમાન મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક, રૈયા ચોકડી, રૈયા રોડ, રૈયા ગામ થઇ સાંજે ૭ વાગ્યે પરશુરામધામ પહોંચશે.

પરશુરામ ધામ ખાતે મહાઆરતી બાદ ભાવિકજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

બ્રહ્મસમાજે બહોળી સંખ્યામાં જોડાવા જન્મોત્સવ સમિતિના આગેવાનોએ અનુરોધ કરેલ છે.

(2:39 pm IST)