Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

પવિત્ર રમઝાન માસની બંદગીમાં મુસ્લિમો લીનઃ રોઝા શરૂ

૧લી જુન શનિવારે રાત્રે શબેકદ્ર : ર૭મો રોઝો બીજે દી'એ હોઇ રવિવારની રજાનો મળશે લાભ : આ વખતે સહેરીનો સમય અટપટો અને ઇફતારીનો સમય બે દી'એ બદલતો હોઇ યાદ રાખવામાં સરળઃ પ્રારંભમાં ૧૪ કલાક ર૩ મિનિટનો રોઝો રહેશે જે વધીને ૧૪ કલાક પ૧ મીનીટનો થઇ જશે : ગરમીમાં રાહત નહીં પણ રોઝાનો સમય ગાળો ઘટતા રોઝામાં રાહત સહેરીનો સમય ૮ મીનીટ ઉપર ગયો અને ઇફતારીનો સમય ૪ મિનીટ વહેલો થયો

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૭ : ગઇકાલે સાંજે સોમવારે આકાશમાં સ્વચ્છ ચંદ્ર દર્શન થઇ જતા આજથી ઇસ્લામ ધર્મનાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થવા સાથે આજે પહેલો રોઝો પણ થઇ ચૂકયો છે.

બીજી તરફ સાઉદી અરેબિયા સહિતના દેશોમાં ગઇકાલે સોમવારે પહેલો રોઝો થયો છે. જ્યારે આફ્રીકન દેશોમાં આજે મંગળવારે પહેલો રોઝો થયો છે. આ ઉપરાંત આ વખતે પણ કેટલાક સમયપત્રકો સોમવારના પહેલો રોઝો દર્શાવતા બહાર પડયા છે જે નકામા બન્યા છે અને પૂર્વ નિર્દેશ મુજબ ૭મીથી રમઝાન શરૂ થયેલ છે.

પૂર્વ નિર્દેશ મુજબ ગત શા'બાન માસના ૩૦ દિવસ પુરા થયા છે અને મંગળવારથી રમઝાન માસ શરૂથતા વર્તારા મુજબ ર૯ રોઝા થશે જો કે આ વખતે ૧૧ દી' વહેલો રમઝાન માસ શરૂ થયો છે ગયા વર્ષે ૧૮-પ-૧૮ ના પહેલો રોઝો હતો આમ ગયા વખતની જેમ આ વખતે પણ કાળઝાળ ગરમી યથાવત રહેવા પામશે એટલું જ નહીં. શરૂઆતથી જ તાપમાન ઉંચુ રહેનાર હોઇ ર૦ રોઝા સુધી આકરી તપસ્યા પસાર કરવાની રહેશે અને તે પછી રમઝાન માસના અંતિમ ૧૦ દિવસમાં થોડી રાહત ગરમીમાં મળી રહે તેવા નિર્દેશો છે.

ટુંકમાં રમઝાન માસનો પ્રારંભ થતા જ મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકો બંદગીમય બની ગયા છે અને આધ્યાત્મિકતામાં ગરકાવ થઇ ગયા છે. રમઝાન માસ શરૂ થતાં જ દરરોજ સાંજે વેપાર રહેતો હોઇ મુસ્લિમ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ - દુકાનો ધમધમતા થઇ ગયા છે.

અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી - પુરૂષોને ખુદા તરફથી 'રોઝા' રાખવા 'ફરજીયાત' છે. આ રોઝા એક 'ઉપવાસ' જ છે જેમાં પરોઢીયે થી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો  ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા ન કોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહી રાત્રે પણ મસ્જીદોમાં વધારાની 'સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. જેનો પણ ગઇ રાત થી જ તમામ મસ્જીદોમાં પ્રારંભ થઇ ગયો છે.

ઉપરાંત મુસ્લિમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિકતા છવાઇ જાય છે.

વાસ્તવમાં મંગળવારથી શરૂ થઇ મંગળવારે રમઝાન માસ આ વખતે ચાલશે અને એટલું જ નહી ગત કેટલાક વર્ષોનો ક્રમ આ વખતે પણ જળવાઇ રહેવાનો હોઇ તેમ રમઝાન માસના ર૯ રોઝા થશે અને તા.૪-૬-૧૯ને મંગળવારના સાંજે ચંદ્રદર્શન થયા બાદ તા.પ-૬-૧૯ને બુધવારે 'ઇદુલફિત્ર' મનાવવામાં આવશે.

આધ્યાત્મીક ઉત્સવ સમા તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લીમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે.

આ રમઝાન માસમાં દાન-પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત 'સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે 'ઇફતારી'ના પણ અનેક સદગૃહસ્થો અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો દરરોજ માટે યોજાઇ છે.

ખાસ કરીને રમઝાન માસમાં સાંજ પડતા જ રોઝેદારો તમામ મસ્જીદોમાં એકત્ર થશે અને સમુહમાં ઇફતાર કરશે એટલે રોઝા છોડશે. જેના માટે ફ્રુટ ફરસાણ ઠંડા-પીણા ઉપલબ્ધ કરાશે.

રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆન શરીફની વર્ષગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પુણ્યનું વળતર ૭૦ ગણું હોઇ કુઆર્ન પઠન મસ્જીદોમાં વધી જશે અને તેના લીધે રાત્રી-દિવસ મસ્જીદો ખુલ્લી જ રહેશે અને મોડી રાત  સુધી મસ્જીદોમાં ચહલ-પહલ પણ રહેશે. આથી મસ્જીદોને રોશની શણગાર કરવામાં પણ આવેલ છે.

આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહીનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્ચેપણ મુસ્લીમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત રહે છે.

જો કે આ વખતે રોઝાના સમયગાળાની માત્રા ઘટી છે. રોઝાનું સમયપત્રક જોતા ગત વર્ષે શરૂઆતમાં રોઝાનો સમય લાંબો હતો પરંતુ આ વખતે તેનાથી ઓછુ સમયપત્રક ચાલશે જેથી પ્રારંભમાં ૧૪ કલાક ર૩ મીનીટનો રોઝો રહેશે. જે વધીને ૧૪ કલાક પ૧ મીનીટનો રોઝો થઇ જશે.

જો કે ર૮ મીનીટની વધઘટ આખા માસમાં રહેશે એકંદરે સાડા ૧૪ થી પોણા પંદર કલાક સુધીનો રોઝો રહેશે. સમયપત્રક મુજબ રોઝો પરોઢીયે ૪.પર ના શરૂ  થશે અને જને સહેરી કહેવાય છે તેનો સમય યાદ રાખવો જ પડે તે રીતે ક્રમશઃ ઘટતો રહેતો હોઇ છેલ્લે ૪.૪૦ના રોઝો શરૂ થશે.

જયારે સાંજે પ્રથમ રોઝો ૭.૧૯ના પુરો થશે અને તેનું સમયપત્રક યાદ રહી જાય તેમ દર બે દિ'એ બદલતો રહેશે અને બે-બે મીનીટના વધારાથી છેલ્લે ૭.૩૦ના રોઝા ખુલશે. જો કે આ વખતે સહેરીનો સમય૮ મીનીટ ઉપર ગયો છે અને ઇફતારનો સમય માત્ર ૪ મીનીટ વ્હેલો થયો છે.

બીજી તરફ  આ વખતે પોણા પંદર કલાકની તપસ્યા છે જે ગયા વખતે સાડા પંદર કલાકની હતી અને આ વખતે ૧૧ દિ' વ્હેલો રમઝાન માસ શરૂ થઇ રહયો હોઇ તાપમાં રાહત નહીં રહે પણ સમયગાળો ઘટતા રોઝા રાખનારાઓને એ રાહત મળી રહેશે.

બીજું એ કે સહેરી સમય વ્હેલો થતો જશે  દરરોજ ઇફતાર સમય સાંજે વધતો જશે પણ સહેરી સમય યાદ રાખવો પડે યા તો દરરોજ જોવો પડે એ રીતે અટપટ્ટો છે તો ઇફતાર સમય દર બે દી'નો હોય યાદ રાખવામાં સરળતા રહેશે.

આ વખતે રોઝા રાખાનારાઓ માટે ઉત્સાહજનક સમાચાર એ છે કે હિન્દુ સમાજના અનેક ભાઇ-બહેનો પણ જે રોઝો રાખે છે અને તેને 'હરણી રોઝો' તરીકે ઓળખવામાં આવે છે તે ર૭ મો રોઝો તા.ર-૬-૧૯ના રહેશે એ દિને રવિવાર હોઇ રજાના દિવસનો સૌને લાભ અને આરામ મળી રહેશે.

બીજી તરફ રોઝા રાખનારાઓ માટે આ વખતે એક ઉત્સવ સમો સંયોગ સર્જાવા પામેલ છે. જેમાં તા.૩૧-પ-૧૯ના અંતિમ શુક્રવાર છે એ દિને રપ મો રોઝો છે. જયારે બીજા દિવસે તા.૧-૬-૧૯ના ર૬માં રોઝાના દિને શનિવારે રાત્રે 'શબેકદ્ર'ની રાત્રી મનાવવાશે અને રવિવારે ત્રીજા દિ'એ ર૭ મો રોઝો રહેશે. આમ અંતિમ શુક્રવાર, પવિત્ર રાત્રી અને હરણી રોઝો ક્રમવાર એક સાથે થયા છે.

આ સંયોગના બે દી'  પછી 'ઇદ' ઉજવાઇ જશે એટલે છેલ્લા પાંચ રોઝાના દિવસો ઉત્સાહભર્યા બની રહેશે. આખા રમઝાન માસમાં ૪ જ શુક્રવાર રહેશે જે ક્રમશઃ ચોથા, અગિયાર, અઢાર અને પચ્ચીસમા રોઝાના દીને રહેશે.

રવિવારે સાંજે પાંચમી મેના રોજ આકાશ સ્વચ્છ હોવા છતાં ચંદ્રદર્શન આખા દેશમાં નહીં થતાં ગઇકાલે સાંજે સોમવારે ચંદ્રદર્શન થતાં આજથી રમઝાન માસનો પ્રારંભ થયો છે. આ અંગેનો પૂર્વ અહેવાલ આજથી ૧૧ દિ' પહેલા ગત તા. રપ-૪-૧૯ના રોજ 'અકિલા' દૈનિકમાં પ્રસિદ્ધ કરાયો હતો જે આજે અક્ષરસ : સાચો ઠર્યો છે. રાજકીય બાબતો હોય કે કોઇપણ ક્ષેત્રે હંમેશા અકિલા દૈનિક પૂર્વ અહેવાલ પ્રસિદ્ધ કરતું રહ્યું છે. એ રીતે હવામાન ક્ષેત્રે પણ આજ સુધીની આગાહીઓ સાચી પડી છે એમ દર વર્ષે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ જે ચંદ્રદર્શન આધારીત હોય છે જેની પૂર્વ જાહેરાત હંમેશા અકિલા દૈનિક પ્રસિદ્ધ કરતું રહ્યું છે જે પરંપરામાં આજે વધુ એક અહેવાલ સત્ય ઠર્યો છે જેની પ્રતિકૃતિ અહીં રજૂ છે.

(9:54 am IST)