Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રાજકોટ કોર્પોરેશન કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કિંગની વિગતો જાહેર કરે

તંત્રવાહકો રોડ પરથી વાહનો ભલે ટોઇંગ કરીને જપ્ત કરે પણ સાથોસાથ આ પણ જરૂી : હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢયા બાદ હવે વેબસાઇટ પર વિગતો મૂકાશે

રાજકોટ તા. ૭ : શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરાતા વાહનોને તંત્રવાહકોએ ટોઇંગ કદી જપ્ત કરવાની ઝુંબેશ શરૂ થઇ છે પરંતુ તેની સાથોસાથ મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે શહેરમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગની વિગતો પણ જાહેર કરવી જોઇએ જેથી નાગરિકોને તેઓના વાહનો પાર્કિંગ કરવામાં સરળતા રહે. આ પ્રકારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગની માહિતી વેબસાઇટ પર મુકવા કાર્યવાહી હાથ ધરી છે. કેમકે નામદાર હાઇકોર્ટ દ્વારા આ મુદ્દે અમદાવાદ કોર્પોરેશનની ઝાટકી કાઢી હતી.

આ અંગેની વિગતો મુજબ તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની પાર્કિંગની ચકાસણી કર્યા વગર બીયુ પરમિશન અપાતી હોવાના મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કઢાઇ હતી. જોકે સત્તાધીશોએ રોડ પરની કોમર્શિયલ મિલકત સહિતની કોમર્શિયલ મિલકતની પાર્કિંગ વ્યવસ્થા અંગે સર્વેની કામગીરી હાથ ધરી હોઇ નાગરિકોને અમદાવાદ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ www. ahmedabadcity.gov.in પર ઉપલબ્ધ કરાવવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે.

દરમિયાન રાજકોટમાં પણ સૌથી મોટી વિકટ સમસ્યા ટ્રાફિકની છે. રસ્તા પર દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જતી હોઇ પીકઅવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાય છે. આથી પાર્ક કરાતાં હતાં તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાઇ રહી છે. આડેધડ પાર્ક કરાયેલ વાહનોને ટોઇંગ કરી જપ્ત કરવામાં આવે છે. તેની સાથોસાથ રાજકોટ કોર્પોરેશને અમદાવાદની જેમ નાગરિકોને ઓનલાઇન જે તે કોમર્શિયલ મિલકતની પાર્કિંગ વ્યવસ્થા અંગે જાણકારી પ્રાપ્ત થાય તે દિશામાં કવાયત હાથ ધરવી જોઇએ અને જે તે કોમર્શિયલ મિલકતનાં નામ-તસવીર સહિતની યાદી તેમજ તેમાં જનરલ પાર્કિંગ અને વિઝિટર્સ પાર્કિંગ સહિતની માહિતી લોકો સરળતાથી જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.

(4:16 pm IST)