Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સંભવિત પોલીસ ફરીયાદના ભયથી કરેલ આગોતરા જામીન મળવાની અરજી નામંજુર

રાજકોટ, તા. ૭ : ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પોતાની વિરૂદ્ધ ગુન્હો દાખલ થવાની સંભાવનાથી નિશાંતભાઇ કોરડીયાએ કરેલ આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકી વિગત એવી છે કે, ફરીયાદી જગદીશભાઇ ઠાકરશીભાઇ અઘેરાએ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નિશાંતભાઇ ગોકળભાઇ કોરડીયા રહે. 'રઘુકુળ ' ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ સામે નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ મેઇન રોડ વાળા વિરૂદ્ધ અરજી કરેલ જે પ્રમાણે નિશાંતભાઇ કે જેઓ જગદીશભાઇ સાથે સારથી કેમ ટેક પ્રા.લી.ના જે તે વખતના ડાયરેકટર હતાં ત્યારે ર૦૧૭માં જગદીશભાઇએ ફલેટ ખરીદવા લોન લેવાની હોય નિશાંતભાઇએ ફરીયાદી જગદીશભાઇની મુલાકાત લોન એજન્ટ સાથે કરાવેલ હતી.

ત્યાર બાદ નિશાંતભાઇએ લોન એજન્ટ પાસેથી સદરહું ચેક મેળવી લઇ અને જગદીશભાઇ સાથે કંપનીના ભાગીદાર હોવાથી બેંક ખાતુ બંધ થઇ ગયેલ હોવાનું જાણવા છતાં અને એક કરોડથી વધુ રકમની બેંક એકાઉન્ટની લીમીટ ન હોવાનું જાણવા છતાં જગદીશભાઇ વિરૂદ્ધ ખોટો કેસ કરવા તે ચેકમાં ૧ કરોડ ૩૪ લાખથી વધુની રકમ ભરી કે ભરાવી લઇ ર૦૧૭ની ચેકબુકના ચેકનો ચેક ડીસેમ્બર ર૦૧૯માં રીર્ટન કરાવી ઉપજાવી કાઢેલ કારણો વાળી તથા ફોજદારી કેસો કરવાની ધમકી આપતી નોટીસ તા. ૩-૧-ર૦ર૦ની જગદીશભાઇ તથા તેમના પત્નીને આ નિશાંતભાઇએ મોકલતા, ફરી જગદીશભાઇએ નિશાંતભાઇ કોરડીયા, અરજીમાં જણાવેલ વ્યકિતઓ તથા તપાસમાં જે કોઇના નામો ખૂલે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરેલ. જે અરજીના કામે ડી.સી.બી. પોલીસ દ્વારા નિશાંતભાઇને ફોન કરીને બોલાવવામાં આવતા તેઓએ પોતાના વકીલશ્રી મારફત રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ.

આ અરજીની સુનાવણી દરમ્યાન અરજીનો વિરોધ સરકાર પક્ષે ડી.જી.પી. શ્રી એસ.કે. વોરા તથા મૂળ ફરીયાદીના વકીલ રૂપરાજસિંહ પરમાર દ્વારા લેખીત વાંધાઓ રજૂ કરી કરવામાં આવેલ.

કોર્ટે ઉભયપક્ષોની રજુઆતો જેમાં પોલીસનો રીપોર્ટ જીલ્લા સરકારી વકીલની મૌખિક દલીલો, મૂળ ફરીયાદી જગદીશભાઇ અઘેરા તરફના લેખિત વાંધાઓ તેમજ ઉચ્ચ અદાલતોના આગોતરા જામીન અરજી અન્વયેના માર્ગદર્શન સિદ્ધાંતો ધ્યાને લઇ રાજકોટના એડીશનલ સેસન્સ જજશ્રી ડી.એ. વોરાએ નિશાંતભાઇ ગોકળભાઇ કોરડીયાની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે ગુજરાત સરકાર પક્ષે ડી.જી.પી. શ્રી એસ.કે. વોરા તથા મૂળ ફરીયાદી જગદીશભાઇ અઘેરા વતી એડવોકેટ દરજ્જે રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી વિગેરે રોકાયેલ હતાં.

(4:26 pm IST)