Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બીમારીથી બચવા માટે હાસ્ય શ્રેષ્ઠ ઉપચાર પધ્ધતિ છે

હા..હા..હા.. જીવનમાં હસો, હસાવો અને મોજ કરો

દરરોજ એક કલાક હસવામાં આવે તો ૪૦૦ કેલરી બર્ન થાય છે : કોરોનાના ટેન્શનમાંથી મુકત થવા હાલ હાસ્ય ખૂબ જરૂરી બન્યું છે

છેલ્લા ૧૫ દિવસથી ઘરમાં ને ઘરમાં રહીને કોરોનાનો કકળાટ કરતા દરેક લોકો માટે આજે એક વિનામુલ્યે મળતી અમુલ્ય દવા લેવાનો અવસર છે અને તે છે.. હાસ્ય, લાફટર, ખડખડાટ હસવું.. મનુષ્ય જીવનનાં ભારેખમ દર્દોનું દુખ હાસ્યનો આસરો શોધીને આસાનીથી સહ્ય બનાવી શકે છે અને જિંદગીને આવા સ્પીરીટથી જોતો થઇ જાય છે. હાસ્ય એક એવું પ્રબળ એન્જિન છે જે દરેક પ્રકારની પીડા, દુૅંખ અને દર્દોનો ભારેખમ બોજ પણ આસાનીથી ઉપાડી શકે છે. દુઃખ આવે તો પણ તેને તે હસીને અલવીદા કરી શકે છે. હાસ્ય એ જીવનની મશીનરીને ઘર્ષણ વિના ચલાવવા માટેનું એક ઉપયોગી ઓઇલ છે. મહાત્મા ગાંધીજીનું એક જાણીતું કથન છે કે, 'જો મારામાં વિનોદ-વૃતિ (સેન્સ ઓફ હ્યુમર) ન હોત તો મેં કયારનો ય આપઘાત કરી લીધો હોત.'  જયારે અંગ્રેજીમાં એક સરસ વાકય છે 'લાફ એન્ડ વર્લ્ડ વિલ લાફ વીથ યુ.. વીપ એન્ડ યુ વીપ અલોન.' જગતને હસાવનાર ચર્લી ચેપ્લીને પણ કહ્યું છે કે, દિવસમાં જો તમે એકવાર હસ્યા ન હોવ તો સમજી લેજો કે તમારો દિવસ નકામો ગયો.

આપણે જીવનમાં મસ્ત રહેવાના ઉપાયો શોધતા હોઇએ છીએ તેમાં હાસ્ય તેની જડીબૂટી સમાન છે. કોરોનાના કકળાટમાં હસવું શું કામ ભૂલવું? જીવનમાં હાસ્યનું સ્થાન અગ્રેસર છે. કારણ કે હાસ્ય વિનાની જિંદગી નકામી છે. ખાલીપાથી ભરપૂર થઈ જાય છે. હાસ્યથી તંદુરસ્તી સારી રહે છે. હાસ્ય કોઈ બજારમાં વેચાતું મળતું નથી. જીવનમાં હાસ્યને સ્થાન કેવી રીતે આપવું તે એક આગવી શૈલી છે અને તે પણ આપણામાં જ પડેલી છે. પરંતુ આપણે તેનો ઉપયોગ કરતાં નથી. હંમેશા ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય પરંતુ આપણા જીવનમાંથી હાસ્યનું સ્થાન ગાયબ થઈ જવું જોઈએ નહિ. કહેવાય છે ને કે 'હસે તેનું ઘર વસે' હસવાથી આપણું દુઃખ વિસરાઈ જાય છે. હસો અને હસાવો તો સુખી થવાશે. આપણે આપણા પાડોશી, પરિવાર સાથે હસતાં રહીશું અને હસાવતાં રહીશું તો એ જ આપણી ઘેર બેઠાં લાફિંગ કલબજ છે. હાસ્ય એ શ્રેષ્ઠ ટોનિક છે જે તમને તંદુરસ્તી બક્ષે છે. હાસ્ય એક અદભૂત દવા તરીકેનું કામ કરે છે. આ એક અમૂલ્ય છતાં મફતમાં આપેલું ઇશ્વરનું વરદાન છે. આ એક ચેપી રોગ જેવું છે. બીજાને હસતા જોઇ તમને પણ હસવું આવી જશે. અનુંભવ કરી જોજો. આજના વિકાસશીલ યુગમાં માનવી જાણવા છતાં હસવાથી સાવ બેધ્યાન બની ગયો છે. યંત્રવત આજીવિકા અને સાંસારિક સંબંધો, સામાજિક વ્યવહારો, ધાર્મિક ક્રિયાઓ વચ્ચે પીસાઈ, અટવાઈ ગયો છે. હસવું ભૂલી ગયો છે અને તેથી જાણે અજાણે તે રોગ વ્યાધિ ની લપેટમાં આવી ગયો છે. માનસિક શાંતિની ખોજમાં પ્રસન્નતા અને આનંદ ઝંખે છે. છેલ્લી બે સદીમાં હાસ્યને લગતાં શ્નલાફિંગ હિલીંગ, હાસ્ય થેરેપી, ગમ્મ્ત, ટીખળ, રમુજી મજાક વાળા હાસ્ય કાર્યક્રમો, પુસ્તકો અને કયાંક તો તેના વર્ગો નો વ્યાપ વધ્યો છે. તેમાં ખુલ્લાં બગીચાઓમાં સામુહિક નિઃશુલ્ક હાસ્ય કલબો પણ જીવન જરૂરિયાત જાદુઈ અસર સાથે વિદ્યુત ગતિએ પ્રસરી છે.

સામાન્ય રીતે કોઇપણ બીમારીથી બચવા માટે અને સ્વસ્થ રહેવા પૌષ્ટિક ખોરાક, યોગ, પૂરતી ઊંઘ વગેરે જેવાં પ્રયોગો વ્યકિત કરતી હોય છે. પરંતુ હાસ્ય દ્વારા પણ સ્વસ્થ રહી શકાય છે. આપણે ઘણી વખત જોયું છે કે, લોકો ગાર્ડનમાં લાફટર થેરાપી કરતા હોય છે. હાસ્યના અનેક પ્રકાર હોય છે, જયારે તમે ફકત સ્વાસ્થ્ય રહેવા માટે હસી રહ્યાં છો. તો તમે કેવી રીતે હસો છો, તે પણ મહત્વની વાત છે. બીમારીથી બચવા માટે હાસ્ય શ્રેષ્ઠ ઉપચાર પદ્ઘતિ છે, પણ આ લાફટર થેરપી યોગ્ય રીતે કરવામાં આવે તો તે શરીરને લાભદાયી બને છે. શરીરની માંસપેશિઓ, આંખ, હાર્ટની માંસપેશિઓને હાસ્યના કારણે આરામ મળે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ખુલીને હસનાર લોકોની લોહીની ગતિ શરીરમાં વધારે યોગ્ય હોય છે. બ્લડ સકર્યુલેશન ખુબ શાનદાર રહે છે. ૧૦ મિનિટ સુધી હસવાથી આપને બે કલાક સુધી પિડાથી રાહત મળે છે. સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. નિષ્ણાંતો કહે છે કે જે લોકો વધારે હસે છે તે લોકો લાંબા સમય સુધી યુવા દેખાય છે. હસવા માટેના બીજા કેટલાક કારણ રહેલા છે. ફિજિયોથેરાપી નિષ્ણાંત તબીબો કહે છે કે સવારના સમયમાં જો હાસ્ય ધ્યાન યોગ કરવામાં આવે તો દિવસ દરમિયાન પ્રસન્નાતા રહે છે, સ્ફુર્તિ પણ રહે છે. આ ઙ્ગવેળા શરીરમાં કેટલાક હાર્મોનનો  સ્ત્રાવ થાય છે. જેના કારણે ડાયાબિટીસ, કમરના દુખાવા અને અન્ય બિમારીમાં ફાયદો મળે છે. હસવાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે. લોહી પરિભ્રમણ સુધરે છે. હસવાની સ્થિતીમાં શરીરમાંથી એન્ડોર્ફિન નામના રસાયણ નિકળે છે. જે હાર્ટને મજબુત કરવામાં ભૂમિકા અદા કરે છે. હસવાથી હાર્ટ એટેકની સંભાવના પણ ઘટી જાય છે. એટલેજ લાફિંગને બેસ્ટ થેરાપી તરીકે ગણવામાં આવે છે. સ્ટ્રેસમાંથી રાહત અપાવવાની સાથે સાથે ૧૦ મિનિટ સુધી સતત હસવાના કારણે ૨૦ થી ૩૦ કેલરી બર્ન થાય છે. એટલે કે દરરોજ એક કલાક હસવામાં આવે તો ૪૦૦ કેલરી બર્ન થાય છે. આવી સ્થિતીમાં જો તમે શરીરના વજનને ઘટાડી દેવામાં લાગેલા છો તો કેલરી બર્ન કરવા માટે હસતા રહેવાની જરૂર હોય છે. કમરની પિડામાં રાહત આપવા માટે હસવાની બાબત શ્રેષ્ઠ વિકલ્પ તરીકે છે. હસવાથી ઓકિસજન વધારે પ્રમાણમાં મળે છે. ઓકિસજનની ઉપસ્થિતીમાં કેન્સરવાળી કોશિકા અને અન્ય પ્રકારના હાનિકારક બેકટેરિયા અને વાયરસ નષ્ટ થઇ જાય છે. આના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. કોરોનાના ટેન્સનમાંથી મુકત થવા હાલ હાસ્ય ખુબ જરૂરી બન્યું છે. તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખુશી પેનકિલર જેવું કામ કરે છે. દરેક પ્રકારની પીડાને દૂર રાખવા માટે ખુશી હોવી જરૂરી છે. આરોગ્ય માટે હાસ્ય દવાની જેમ કામ કરે છે. જે રીતે ટેન્શન અથવા તો દુઃખ વ્યકિતના આરોગ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. તેવી જ રીતે હાસ્ય આરોગ્ય ઉપર હકારાત્મક અસર કરે છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો હાસ્યથી બ્લડમાં વધારો પણ થાય છે. આ સંબંધમાં થોડાક સમય પહેલાં જ એક અભ્યાસ કરવામાં આવ્યા બાદ તબીબો એવા તારણો ઉપર પહોંચ્યા હતા કે હાસ્ય પેન કિલર જેવું કામ કરે છે. હાસ્યથી પીડામાં ઘટાડો થાય છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં ઘણી જગ્યાઓએ લાફટર કલબ પણ ચાલી રહી છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓમાં પણ સવારમાં અને રાત્રે વિશેષ પ્રકારનું આયોજન હાસ્ય કાર્યક્રમ સાથે યોજવામાં આવે છે. દિલ ખોલીને હસવાથી ઘણી બિમારીઓ પણ દૂર થાય છે. જો કે અભ્યાસમમાં જણાવવામાં આવ્યું છે કે હકારાત્મક અસર કઈ રીતે કરે છે તે અંગે કોઈ નક્કર બાબત જાણવા મળી નથી.

આમ જોઇએ તો લાફટર થેરાપીમાં મુખ્ય બે પ્રકારના હાસ્ય દ્વારા બીમારીઓ દૂર થઇ શકે છે.

(૧) મોઢું બંધ રાખીને હસવું : ઘણી વ્યકિતઓને મોં બંધ રાખીને હસવાની આદત હોય છે, તેમના ચહેરાને જોઇને ખ્યાલ આવે કે તેઓ હસી રહ્યા છે. આ સ્થિતિમાં મોંમાં ઓકિસજન ભરીને મો બંધ રાખીને તે વ્યકિત હસવાનો પ્રયત્ન કરતી હોય છે. તો આ પ્રકારનું હાસ્ય પણ એક પ્રકારની ચહેરા માટેની એકસરસાઇઝ જ છે. આ કસરતના કારણે ચહેરા પર વધતી ઉંમર દેખાતી નથી, અને ચહેરો યુવાન દેખાય છે.

(૨) મોઢું ખોલીને હસવું : ઘણી વ્યકિતઓને મોં ખોલીને હસવાની આદત હોય છે. આ સ્થિતિમાં મોં ખોલીને હસવાથી જે તે વ્યકિત હસતી હોય તેના હાસ્યનો અવાજ પણ મોટા થઇ જતો હોય છે. તે જયારે હસે ત્યારે શરીરમાં રહેલું કાર્બન ડાયોકસાઇડ બહાર નીકળે છે. જયારે વ્યકિતના શરીરમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર નીકળે છે, ત્યાર બાદ તે વ્યકિતનું શરીર હળવું બને છે, તેથી વ્યકિત રિલેકસ રહે છે. તે એસિડિટી, ગેસની સમસ્યાનો ઇલાજ છે. આ ઉપરાંત માંસપેશિઓને આરામ મળશે, તથા શરીરના હાડકાં જકડાઇ જવાની સમસ્યા નહીં થાય.

(૩) હસવાના અનેક ફાયદા : હસતી વખતે શરીરમાં ઓકિસજન સંચાર વધારે ઝડપથી થઇ શકે છે. તેનાથી હૃદયને ફેફસાંની કાર્યક્ષમતા વધારે સારી રીતે થઇ શકે છે. હસવાની સૌથી વધારે અસર તણાવ અનુભવતી વ્યકિત પર વધારે જોઇ શકાય છે. કારણ કે જે વ્યકિત વધારે તણાવનો અનુભવ કરતી હોય તે વ્યકિત જો હસે તો તણાવથી દૂર રહી શકે છે. તણાવમુકત વ્યકિત વધારે સ્વસ્થ રહી શકે છે, કારણ કે તણાવ અનેક બીમારીઓની શરૂઆતનું કારણ બને છે. હસવાથી શરીરની માંસપેશિઓ વધારે મજબૂત બને છે. તથા શરીરમાં હાજર બિનજરૂરી તત્ત્વો શરીરમાંથી દૂર થાય છે. હસવાથી પાચનશકિત વધારે મજબૂત બને છે, તેના કારણે પેટ સાફ રહે છે, પેટને લગતી બીમારીઓ થવાની શકયતા ઘટે છે. લાફટર થેરાપી વિશે રિસર્ચ કરવામાં આવેલું છે, તે રિસર્ચ મુજબ શરીરના વિવિધ અંગોમાં ઉત્પન્ન થતા દુખાવામાં રાહત થાય છે, સાથે બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. હાસ્યથી શરીરમાં એન્ટિબોડી સેલ ઉત્પન્ન થાય છે જે રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આપણા બ્રેઈન ફંકશન સુધારે છે અને સાથે જ મગજ એકાગ્ર કરે છે. આપણી યાદશકિતમાં વધારો થાય છે.

૧૯૯૮ માં દુનિયામાં પહેલી વખત ડો. મદન કટારિયાએ વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી શરૂ કરી હતી. આજે ભારત સહિત દુનિયાના ૧૦૮ દેશોમાં લાફટર કલબ ખુલી છે. ૨૫ હજારથી વધારે સ્ટુડન્ટના ગુરૂ ડો. કટારિયાની હસવાની પાઠશાળામાં તેઓ ફી લેતા નથી. ડો. કટારિયા કહે છે, આંધ્રપ્રદેશના વિશ્વમોહન નામના એક વ્યકિત કે જે હસનાર વ્યકિતથી ખુબ ચીડાતા હતા. એક વખત એક મેમ્બર તેને લાફટર કલબમાં લાવ્યા. શરૂમાં તેઓ મન વિના આવ્યા. કલબમાં આવ્યા બાદ ૨૦ વર્ષમાં બદલાવ ન આવ્યો તે છ મહિનામાં દેખાયો. તેઓ ઘણી દવા લેતા જે ઓછી થઇ ગઇ અને લાઇફ સુધરી ગઇ.

હાસ્ય તો ભલભલા ભડવીરનો પણ ગુસ્સો શાંત કરીને હસતાં હસતાં જીવતા શીખવાડી દે છે. મુકત હાસ્ય એક એવી જડીબુટ્ટી છે જે આપણા શરીરને જ નહિ પણ મનને અને બુદ્ઘિને પણ તાજગી અને તંદુરસ્તી આપે છે. ઘણાને એમ થશે કે હાસ્ય બીજા શેમાંથી ઉત્પન્ન થાય છે ? હાસ્ય તો રમૂજી ટૂચકામાંથી, રમૂજી કવિતામાંથી, કાર્ટૂનમાંથી, હાસ્યરસિક લેખ-વાર્તા કે નાટક કે ફિલ્મમાંથી પણ મળી રહે છે. તમે હાસ્યરસિક નાટકો જોયાં છે ? ના જોયા હોય તો જોજો. તમે હસી હસીને લોથપોથ થઈ જશો. મન જયારે નબળું પડે ત્યારે હાસ્ય એને બળ આપે છે. માનવીના અસહ્ય દુઃખોને હળવા બનાવવાની તાકાત હાસ્યમાં છે. જીવનમાં હાસ્યનું સ્થાન અનન્ય છે. હાસ્ય રેખાઓ અવનવા હાવભાવ ધારણ કરીને આપણી લાગણીને વાચા આપે છે. જીવન જીવવાની ઉત્તમ કળા તો હસતાં હસતાં જીવી લેવાની છે. તેને બરબાદ કરી તેનું અપમાન ના કરો. પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનું થઈ જાય છે. તેમ જીવનમાં પણ હાસ્ય એક અનોખી અને સોના જેવી અમૂલ્ય ભેટ લાવે છે. જે માનવીના જીવનમાં હાસ્ય નથી તે જીવન જીવવા છતાં પણ મરેલા જેવો છે.

આ ફકત વિચાર છે કે આપણે હસી શકતા નથી અને તેથીજ હાસ્ય યોગનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. ૭૦ ટકા લોકો ન હસવાને કારણે તણાવનો શિકાર બને છે. જયારે પણ લાહવો મળે મન ભરીને ખુલી ને હસો. નિયમીત હસવાથી શરીરમાં ગજબની ઇમ્યુનિટી વધે છે. હસવાનું દરેકને ગમે છે, પણ કોઇ એવી સિસ્ટમ નથી કે હસવા માટે તેને એકિટવ કરવી પડે! તમારે ફકત ૩૦ મિનિટ અલગ-અલગ રીતે હસવાનું છે, તમે જોશો કે દિવસ દરમિયાન તમારી એનર્જીમાં વધારો થશે.

પ્રશાંત બક્ષી

૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:22 pm IST)