Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

આ રસોડું ધૂળ ખાય છે, તેના ઉપયોગનું કેમ વિચારાતું નથી ?

લોકડાઉનમાં મધ્યાહન ભોજનનું રસોડું હજારોનું પેટ ઠારવા સક્ષમ

રોટલીનું મશીન - દાળ - શાક - ભાતના સ્ટીમ મશીનો વર્તમાન સંજોગોમાં અત્યંત ઉપયોગી થઇ શકે : વહીવટી તંત્ર વિવેકબુધ્ધિથી આ સેન્ટ્રલી રસોડાનો ઉપયોગ કરી હજારો જરૂરીયાતમંદોને ટીફીન પહોંચાડી શકે અને કરોડોની મશીનરી પણ બચી શકે

આધુનિક રસોડુ ઉપયોગી થઇ શકે તેમ છે :  મધ્યાહન ભોજનનું સેન્ટ્રલી આધુનિક રસોડું લોકડાઉનમાં અત્યંત ઉપયોગી થઇ શકે તેમ છે. તસ્વીરમાં દાળ, ભાત, શાક, ૧૫ થી ૨૦ મીનીટમાં જ એકી સાથે ૧ હજાર લોકો માટે તૈયાર થઇ શકે તેવા સ્ટીમ મશીનો દર્શાય છે જે હાલમાં ધૂળ ખાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭ : વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં નિરાશ્રીત - એકલા અટુલા તેમજ આવશ્યક સેવાની ફરજ પર રહેનારા લોકોને બે ટાઇમનું ભોજન પહોંચાડવું તે સરકાર માટે પડકારરૂપ છે. જોકે રાજકોટમાં સેવાભાવી સંસ્થાઓ વ્યકિતગત દાતાઓ ભોજન - ટીફીન વગેરેની તેઓની બનતી સેવા કરે છે પરંતુ તેઓની ક્ષમતા મર્યાદિત હોય છે ત્યારે મ્યુ. કોર્પોરેશન સંચાલીત મધ્યાહન ભોજનનું આધુનિક સેન્ટ્રલી રસોડુ જે હાલમાં લોકડાઉનમાં ધૂળ ખાય છે તેના ઉપયોગ દ્વારા દરરોજ હજારો વ્યકિતઓનું બે ટાઇમનું ભોજન ઝડપી અને સરળતાથી તૈયાર થઇ શકે અને લોકડાઉનમાં પણ સેવાના નામે બહાર ફરતા લોકો ઉપર કન્ટ્રોલ થઇ શકે તેમ છે.

આ અંગેની વિગતો મુજબ રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ રાજકોટમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ, આંગણવાડીઓ વગેરેના અંદાજે ૧૫ થી ૨૦ હજાર વિદ્યાર્થીઓનું ભોજન એક જ જગ્યાએ તૈયાર કરી ટીફીનો દ્વારા શહેરની શાળાઓ અને આંગણવાડીમાં પહોંચાડવા માટે શાસ્ત્રીમેદાન સામે સુચક સ્કુલમાં સેન્ટ્રલી રસોડુ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.

આ રસોડામાં ૧ મીનીટમાં ૧૦૦ જેટલી રોટલીઓ તેમાં ઘી લગાડીને તૈયાર થઇ થપ્પા લાગી જાય તેવું આધુનિક મશીન છે. ઉપરાંત દાળ, ભાત, ખીચડી, શાક, લાપસી વગેરે જેવી રસોઇ એકી સાથે ૧૦૦૦ વ્યકિતઓ માટે ૧ થી ૧ાા કલાકમાં થઇ જાય તેવા તપેલાઓ સાથેના સ્ટીમ મશીનો પણ છે.  આ ઉપરાંત આ તમામ રસોઇ ગરમા-ગરમ રહે તે માટેના મોટા ટીફીન વગેરે વાસણો પણ છે.

ઉપરાંત અનાજ દળવાની મોટી ઘંટી, શાકભાજીના કટીંગ મશીનો, લોટ બાંધવાનું મશીન વગેરે સહિતની કરોડોની મશીનરી છે જે ચાલુ હાલતમાં છે પરંતુ અત્યારે ધૂળ ખાય છે અને જો વધુ સમય આ મશીન બંધ રહેશે તો ખરાબ થવા લાગશે. આમ, વર્તમાન સંજોગોમાં વહીવટી તંત્ર જો મધ્યાહન ભોજનના આ આધુનિક રસોડાનો વિવેકબુધ્ધિથી ઉપયોગ કરી અને શહેરમાં જરૂરીયાતમંદ લોકો, ફરજ પરના આવશ્યક સેવાના કર્મચારીઓ વગેરે માટે ચાલુ કરી દયે અને સેવાભાવી સંસ્થાઓ કે જે હાલમાં ભોજન ટીફીન સેવા ચલાવે છે તેઓનો સહયોગ લઇ માત્રને માત્ર આ સેન્ટ્રલી રસોડામાં જ તૈયાર થયેલું ભોજન ટીફીન સેવામાં આપે તેવી વ્યવસ્થા કરાવે તો દરરોજ હજારોનું પેટ ઠારી શકે તેમ છે અને સેવા માટે ફરતા લોકોને પણ ઘરમાંથી બહાર ન નીકળવું પડે. આ સંખ્યામાં ઘટાડો થઇ શકે અને લોકડાઉનમાં લોકો ઉપર કંટ્રોલ આવી શકે તેમ છે ત્યારે તંત્રવાહકો આ દિશામાં વિચારે તે જરૂરી છે.(૨૧.૨૦)

આ રસોડામાં તમામ રસોઇ વરાળથી તૈયાર થાય છે જે સાત્વિક છે

રાજકોટ : ખાસ નોંધનિય છે કે આ સેન્ટ્રલી આધુનિક રસોડામાં તમામ રસોઇ વરાળ એટલે કે સ્ટીમ મશીનથી તૈયાર થાય છે જેથી ખોરાકનું સત્વ અને સાત્વિકતા જળવાઇ રહે છે. આથી આખુ ભોજન રોગપ્રતિકારક શકિત પણ વધારે છે ત્યારે વર્તમાન સંજોગોમાં આ દ્રષ્ટિએ પણ રસોડુ અત્યંત ઉપયોગી થાય તેમ છે.

(4:11 pm IST)