Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મસાલા માર્કેટ ઠપ્પ : લોકડાઉનનું ગ્રહણ નડી ગયુ

બજારો ખુલતા અને પૂર્વવત થતા સુધીમાં સિઝન પૂર્ણ થઇ જવાની સેવાતી ભીતી : 'મસાલા બગડયા તેનું વર્ષ બગડયુ' ની ઉકિત ભારે ચર્ચિત

ઉપરોકત તસ્વીરોમાં લોકડાઉનની સ્થિતી વચ્ચે રાજકોટના આજી નદી કાંઠે આવેલ જુની મરચા પીઠ તેમજ સોરઠીયા વાડી મસાલા માર્કેટ સુમસામ જોવા મળે છે.  (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭ : હાલ બારમાસી ઘઉં, હળદર, ધાણાજીરૂ સહીતના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. પરંતુ વિશ્વ આખાને ઘેરી લેનાર કોરોના વાઇરસને કારણે આ બજારોને પણ ગ્રહણ લાગી ગયુ હોય તેમ સન્નાટો છવાય ગયો છે.

રાજકોટના બજારની સ્થિતીની વાત કરીએ તો અહીં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર અનેક મસાલા બજારો ભરાય છે. પરંતુ હાલ લોકડાઉનની સ્થિતીના કારણે આ બજાર સુમસામ બની ગઇ છે. કયાંક વેપારીઓ બજાર ખોલવા તૈયાર નથી, તો કયાંક વેપારીઓ બજાર ખોલે તો પણ ખરીદદારો આવવા તૈયાર નથી. ભારે વિટંબણા સર્જાઇ છે.

આવશ્યક ચીજ વસ્તુઓ માટે છુટછાટ અપાઇ છે. તે મુજબ અનાજ કરીયાણું પાબંધીમાંથી મુકત છે. પરંતુ લોકો જ ઘરની બહાર નિકળી ન શકે તેવી સ્થિતી નિર્માણ પામી છે. 'પહેલુ સુખ તે જાતે નર્યા' ની ઉકિત મુજબ અત્યારે સૌ પોતાના  પરિવારને સાચવવા ઘરમાં પુરાઇને બેસી ગયા છે. આમાં મસાલા ખરીદવા કે દળાવવા જવાની કોણ હિમ્મત કરી શકે?

પરિણામ સ્વરૂપે ઘઉ, તેલ, હળદર, મરચા, ધાણાજીરૂ સહીતના ધંધાર્થીઓએ આ સિઝનમાં નિરાશ થવુ પડે તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. કેમ કે હજુ લોકડાઉન ઉઠે અને બજારો પૂર્વવત થતા ખાસ્સો સમય લાગી જાય તેમ છે. ત્યાં સુધીમાં તો કદાચ મસાલાની સિઝન પણ પૂરી થઇ જવાની ભીતી સેવાઇ રહી છે.જેમ મસાલાના ધંધાર્થી ચિંતીત છે તેમ ગૃહીણીઓ પણ ચિંતીત તો છે. કે કયારે લોકડાઉનમાંથી બહાર આવશુ? ને કયારે મસાલા કરાવીશુ? કયારે આ બધુ થાળે પડશે તેવા સવાલો સૌના મનમાં ઘુમરાઇ રહ્યા છે.

'જેના મસાલા બગડયા, તેનું આખુ વર્ષ બગડે' એ ઉકિત પણ અત્યારે તો મહિલાઓના મોઢે રમતી થઇ ચુકી છે. હવે થાય તે સાચું. મસાલા માર્કેટની મુદત લંબાવાય તેવી આશા રાખવાનો પણ કોઇ મતલબ નથી. કેમ કે ત્યાં સુધીમાં તો માથે ચોમાસુ ઝળંબતુ થઇ જશે. એટલે આ વર્ષ બગડયાની ચિંતા મહિલાઓના ચહેરા પર વધારે વર્તાય રહી છે.

(3:32 pm IST)