Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

મુળીના વગડીયાના ચાના ધંધાર્થી વિપુલ ભરવાડને રાજકોટમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ પિસ્તોલ સાથે દબોચ્યો

અગાઉ ૧૧ હથીયાર સાથે ઝડપાયેલા મધ્યપ્રદેશના શિવમ્ની પુછતાછમાં નામ ખુલ્યું હતું : ૧૦ કાર્ટીસ પણ મળ્યાઃ એરપોર્ટ રોડનો છગન ઉર્ફ સુનિલ અને થાનનો કરસન વિપુલ પાસેથી હથીયાર લેવાના હતાં: સપ્લયાર તરીકે એમપીના જીતેન્દ્રસિંગનું પણ નામ ખુલ્યું

તસ્વીરમાં વિગતો જણાવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા નીચે પી.આઇ. એચ. એમ.ગઢવી અને ટીમ તથા ઝડપાયેલો ભરવાડ શખ્સ અને કબ્જે થયેલા હથીયાર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: થોડા દિવસ પહેલા માલિયાસણ પાસેથી ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના શિવમ્ ઉર્ફ શીવો ઇન્દરસિંગ ડામોર (ઉ.૨૩)ને ૧૧ પિસ્તોલ-તમંચા અને ૩૦ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો હતો. ત્યારે તેની પુછતાછમાં હથીયારો મંગાવનાર તરીકે મુળીના વગડીયા ગામે રહેતાં અને ચાની હોટેલ ધરાવતાં વિપુલ વેલાભાઇ સાનીયા (ભરવાડ) (ઉ.૨૫)નું નામ ખુલ્યું હતું. આ શખ્સને વધુ બે પિસ્તોલ અને એક દેશી તમંચો તથા ૧૦ જીવતા કાર્ટીસ સાથે દબોચી લેવાયો છે.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, ભરતભાઇ વનાણી અને સંતોષભાઇ મોરીને હકિકત મળી હતી કે વિપુલ સાનીયા  કે જેનું નામ શિવમ્ ઉર્ફ શિવાની પુછતાછમાં ગેરકાયદે હથીયારો મંગાવનાર તરીકે ખુલ્યું છે તે મુળના વગડીયાનો વિપુલ ભરવાડ રાજકોટ શાસ્ત્રી મેદાન નવા બસ સ્ટેશન પાસે આવ્યો છે. આ માહિતીને આધારે તેને સકંજામાં લઇ તલાશી લેતાં વધુ ત્રણ ગેરકાયદે હથીયાર અને કાર્ટીસ મળતાં ધરપકડ કરવામાં આવી હતી.

આ શખ્સની પુછતાછમાં બીજા ત્રણ શખ્સો મધ્યપ્રદેશના જાંબુવા જીલ્લાના ગનવાની ગામના જીતેન્દ્રસિંગ ઉર્ફ બાબા સાહેબ, જામનગર રોડ એરપોર્ટ રોડ પર રહેતાં છગન ઉર્ફ સુનિલ બહાદુરભાઇ ભુરીયા તથા થાનના સોનગઢના કરસન ગોવિંદભાઇ રંગપરાના નામ સામે આવ્યા છે. જીતેન્દ્રસિંગનું હાલના ગુનામાં તથા અગાઉના આર્મ્સ એકટના ત્રણ ગુનામાં સપ્લાયર તરીકે નામ ખુલ્યું છે. જ્યારે છગન ઉર્ફ સુનિલ અને કરસનને વિપુલ ભરવાડ હથીયાર આપવાનો હતો. આ બંનેને આજે વિપુલ હથીયાર આપવા આવ્યો હતો ત્યાં જ દબોચાઇ ગયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. જગમાલભાઇ, મયુરભાઇ પટેલ, ભરતભાઇ વનાણી, સંતોષભાઇ મોરી, કોન્સ. સંજયભાઇ રૂપાપરા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી છે.

(4:07 pm IST)