Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ગોપાલનગરના હદપાર જયદિપ ઉર્ફ જયલાનો ભકિતનગર ડી. સ્ટાફના પોલીસમેનને તલવાર ઝીંકી મારી નાંખવા પ્રયાસ

હદપારને શોધવાની ડ્રાઇવ વખતે પોલીસને જોતાં જ બંધ દૂકાનના શટર પરથી તલવાર લાવી કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાને માથામાં ઘા ઝીંકવા પ્રયાસઃ તેણે હાથ આડો રાખતાં આંગળામાં ઇજાઃ પીએસઆઇ અને બીજા પોલીસમેનની સામે પણ થઇ ગયો : પોલીસે ઝડપી લઇ સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૭: ગુનેગારોને પોલીસનો પણ ડર ન હોય તેવા બનાવ અવાર-નવાર બને છે. રાત્રીના ગોપાલનગરમાં તડીપાર-હદપાર શખ્સોને શોધવાની ડ્રાઇવ હોઇ તે અંતર્ગત ભકિતનગર ડી. સ્ટાફની ટીમ ગોપાલનગર-૯માં એક તડીપાર શખ્સ જયદિપ ઉર્ફ જયલો વિજયભાઇ દેવડા (રજપૂત) (ઉ.૨૪) મળી આવતાં તેની સામે કાર્યવાહીની તજવીજ કરતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ તલવારથી પોલીસમેન પર હુમલો કરી માથામાં ઘા કરવાનો પ્રયાસ કરતાં પોલીસમેને હાથ આડો રાખી દેતાં હાથમાં ઇજા થઇ હતી. તેમજ પીએસઆઇ અને બીજા કોન્સ્ટેબલ પકડવા આવતાં તેની સામે પણ થઇ ગયો હતો. આ શખ્સ સામે ફરજમાં રૂકાવટ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી પકડી લઇ કાયદાનું ભાન કરાવાયું છે. આ શખ્સ અગાઉ પણ છ ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

હુમલામાં હાથમાં ઇજા થતાં ભકિતનગરના કોન્સ. દિવ્યરાજસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.૩૧) સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે જયદિપ ઉર્ફ જયલો દેવડા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૪૨, ૧૩૫ મુજબ પીઆઇ વી.કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે ગુનો નોંધ્યો છે.  જયદિપસિંહે જણાવ્યું હતું કે સાંજે સાત વાગ્યે પોતે તથા ડી. સ્ટાફના કર્મચારીઓ હેડકોન્સ. મહેન્દ્રસિંહ, પ્રતાપસિંહ રાણા, વિક્રમભાઇ, કોન્સ. મનિષભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ સહિતનો સ્ટાફ પીએસઆઇ પી. બી. જેબલીયા સાથે વિસ્તારમાં હદપાર શખ્સોને ચેક કરવા માટે નીકળ્યા હતાં. સાંજે સાડા ઓઠક વાગ્યે ગાયત્રી નગર મેઇન રોડ પર ગોપાલનગર-૯ના ખુણે પહોંચ્યા ત્યારે અહિ રહેતો જયદિપ ઉર્ફ જયલો દેવડા જે હદપાર હોઇ અને તેના ઘર પાસે ઉભો હોઇ તેની પાસે જતાં તે શેરીમાં એક બંધ દુકાનના શટર ઉપર રાખેલી ખુલ્લી તલવાર લઇ ધી આવ્યો હતો. પોતે અને સાથેના કર્મચારીઓ કંઇ બોલે એ પહેલા જ તેણે જોરથી તલવાર ઉગામી માથામાં ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેણે ડાબો હાથ આડો રાખી દેતાં હાથની આંગળીઓમાં ઇજા થઇ હતી.

આ વખતે કોન્સ. દેવાભાઇ, પીએસઆઇ જેબલીયા જયદિપ ઉર્ફ જયલાના હાથમાંથી તલવાર ખેંચવા જતાં તેની સામે પણ તલવાર ઉગામી હતી અને ફરીથી માથામાં ઘા કરવા પ્રયાસ કરતાં બીજા કર્મચારીઓ વચ્ચે પડી ગયા હતાં. જેથી માથામાં ઉંધી તલવાર લાગી હતી. ટીમે આ શખ્સને બળપુર્વક પકડી લીધો હતો. એ પછી પોતાને હેડકોન્સ. પ્રતાપસિંહ રાણા સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. તેમ દિવ્યરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ અગાઉ પણ હત્યાની કોશિષ, જાહેરનામા મંગ, જૂગાર, મારામારી, રાયોટ સહિતના ગુનામાં પકડતાં પાસાની હવા પણ ખાઇ ચુકયો છે.  હાલમાં હદપાર હોવા છતાં તેના ઘરે આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ તેના લગ્ન થયા છે. પોલીસ સામે થઇ જનારા આ શખ્સને એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે.ગઢવી અને ટીમે કાયદાનું ભાન કરાવ્યું હતું.

(4:00 pm IST)