Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

પાણીનો બગાડ - ચોરી કરનારાઓને ૨૫૦થી ૫૦૦૦નો દંડ

ઉનાળામાં ભૂતિયા નળ - ડાયરેકટર પમ્પીંગ ઝડપી લેવા બંછાનિધી પાનીનો એકશન પ્લાન : ૧૮ વોર્ડમાં ૧૨૬ અધિકારીઓ ઇજનેરો ઘરે - ઘરે નળ કનેકશન ચેકીંગ માટે કામે લગાડાયા : કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓની ચેકીંગ સ્કવોડ બનાવાઇ

રાજકોટ તા. ૭ : ઉનાળામાં પાણીની માંગ વધુ હોય છે ત્યારે પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓને ઝડપી લઇ કિંમતી પાણી બચાવવા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ એકશન પ્લાન બનાવી ૧૮ વોર્ડમાં ૧૨૬ અધિકારીઓની અલગ અલગ ચેકીંગ સ્કવોડ બનાવી અને પાણી ચોરી તથા પાણી બગાડ કરનારાઓ પાસેથી રૂ. ૨૫૦થી રૂ. ૫૦૦૦ સુધીનો દંડ વસુલવાની જોગવાઇ કરી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરી વિસ્તારમાં પાણી પુરવઠાની કામગીરી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાનું પાણી પુરૂ પાડતા  સ્ત્રોતોમાં પાણીની કોઇ ખાસ આવક થયેલ નથી. તેથી હાલ ઉપલબ્ધ  સ્ત્રોતમાં રહેલા પાણીના જથ્થોનો સંભાળપૂર્વક અને કરકસરયુકત ઉપયોગ થાય તે આવશ્યક છે, આ માટે શહેરમાં પીવાના પાણીનાં ભુતીયા કનેકશન, ડાયરેકટ પમ્પીંગ વિગેરેથી થતી ચોરી અટકાવવી જરૂરી છે. આ માટે પાણીનાં સમયે શહેરના તમામ વિસ્તારોમાં ઘરે ઘરે સઘન ચેકીંગ કરવું જરૂરી છે. સદરહું બાબતે જુદા જુદા અધિકારી - કર્મચારીઓને વોર્ડનાં વિસ્તારો પાણી વિતરણ સમયે સ્થળ પર રૂબરૂ હાજર રહી અલગ - અલગ રીતે થતી પાણી ચોરીનું સઘન ચેકીંગ કરવાનો કમિશનર શ્રી બંછાનિધિ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ હુકમ મુજબ ૧૮ વોર્ડમાં ટાઉન પ્લાનીંગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજ, બાંધકામ આવાસ યોજના, પ્રોજેકટ વગેરે વિભાગના ૧૨૬ અધિકારીઓને જુદા-જુદા વોર્ડમાં તેઓની મૂળભૂત ફરજ ઉપરાંત પાણી ચેકીંગની વધારાની જવાબદારી સુપ્રત કરાઇ છે. આ માટે દરેક વર્ડમાં વિસ્તાર દિઠ ચેકીંગ સ્કવોડ રચવામાં આવી છે.

રૂ. ૨૫૦ થી ૫૦૦૦નો દંડ વસુલાશે

શહેરમાં પાણી ચોરી અર્થે થતુ ડાયરેકટ પમ્પીંગ અને ભુતિયા નળ કનેકશન ચેકીંગ સહીતની કરવાની થતી કામગીરી દરમ્યાન પાણી ચેકીંગ કરનારી ટીમોએ ચેકીંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં કીસ્સામાં જે તે આસામીઓની મોટર જપ્ત કરીને રૂ. ૨,૦૦૦ વહીવટી ચાર્જ પેટેની રકમ વસુલવાની રહેશે. આ ચાર્જની રકમ દિવસ ૪ (ચાર) માં ભરપાઇ ન કરે તો તેવા કીસ્સામાં નળ કનેકશન કપાત કરવામાં આવશે.

આસામી દ્વારા વહીવટી ચાર્જ પેટેની રૂ. ૨,૦૦૦ની રકમ જમા કરાવ્યા બાદ ઇલે.મોટર પરત આપવાની રહેશે તેમજ આસામી દ્વારા ૩૦ (ત્રીસ) દિવસમાં ઇલે.મોટર પરત ન લઇ જાય, તેવા કીસ્સામાં ઇલે.મોટરને સ્ક્રેપ ગણીને ડંકી - બોર વિભાગનાં ના.કા.ઇ.શ્રી હસ્તક જમા કરાવવાની રહેશે. આ અંગે જે તે આસામી કોઇ દાવો કરી શકશે નહી. પાણી વિતરણ સમયે આસામી બીજીવાર ડાયરેકટ પમ્પીંગ કરતા જણાશે, તેઓની ઇલે. મોટર જપ્ત કરવામાં આવશે, જે પરત કરવામાં આવશે નહી તથા આસામીનું નળ કનેકશન કપાત કરવામાં આવશે.

જયારે આસામીની જપ્ત કરવામાં આવેલ મોટર, ચેકીંગ ટીમ સાથે રહેલ તે જ વોર્ડનાં વોટર વર્કસનાં ઝોનલ કોન્ટ્રાકટ મારફત યોગ્ય સ્થળે મુકાવવાની વ્યવસ્થા અને તે મોટર જે તે આસામી દ્વારા તેઓએ ભરેલ દંડની રકમની પહોંચ વોર્ડનાં વોટર વકર્સ શાખાનાં નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજુ કર્યેથી પરત કરવાની વ્યવસ્થા સંલગ્ન વોર્ડનાં તાબાનાં સ્ટાફ દ્વારા થશે.

ઉપરોકત ટીમોએ ત્યારબાદ તેમને ફાળવેલ વિજીલન્સનાં સ્ટાફ સહિત સ્થળ ઉપર ભુતિયા નળ કનેકશન (અનધિકૃત નળ કનેકશન) ધ્યાનમાં આવ્યેથી ભુતિયા નળ કનેકશન રેગ્યુલરાઇઝ કરવા માટે ધોરણસર ચાર્જ ઉપરાંત વિશેષ રૂ. ૩,૦૦૦ વહીવટી ચાર્જ વસુલવામાં આવશે.

બીજી વખત પકડાયેલ અનધિકૃત નળ કનેકશનના કીસ્સામાં રૂ. ૫,૦૦૦ વહીવટી ચાર્જ તેમજ સંબંધિત આસામી વિરૂધ્ધ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ તથા પાણી ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.સદરહું ફરિયાદ વોર્ડના મ.ઇ.શ્રી અથવા અ.મ.ઇ.શ્રી દ્વારા તેમના વોર્ડને લગત પોલીસ સ્ટેશનમાં સંબંધિત આસામી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

ચેકીંગ દરમ્યાન પાણીની ગુણવત્તા તપાસવા માટે કલોરોસ્કોપ સાથે રાખી પાણીની ગુણવત્તાનું પ્રમાણ ચેક કરવામાં આવશે.

સંલગ્ન વોર્ડની વોર્ડ ઓફીસે અને કોલ સેન્ટરમાંથી આવતી પાણી ચોરી અને ડાયરેકટ પમ્પીંગ વિગેરેને લગત તમામ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે.

પાણીનો બગાડ કરતા માલુમ પડેલ આસામી પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. ૨૫૦ સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવશે. જે આસામી પાસેથી વહીવટી ચાર્જ  વસુલ કર્યા બાદ પણ જેતે આસામી પાણીનો બગાડ કરતા ફરીથી માલુમ પડયેથી જે તે આસામીનું નળ કનેકશન કપાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.  તેમ સત્તાવાર યાદીના અંતે જણાવાયું છે.

વોર્ડ નં. પાંચમાં પાણીના ધાંધિયા ૧II કલાક મોડુ વિતરણ : દેકારો

રાજકોટ : શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૫માં આજે સવારથી પાણી નહી આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

દરમિયાન વોટર વર્કસ વિભાગે મોડેથી જાહેર કર્યું હતું કે, ગ્રીનલેન્ડ ચોકડી પમ્પીંગ સ્ટેશને વિજળી ગુલ થઇ જવાના કારણે પાણીનું પમ્પીંગ અટકયું હતું. જેના કારણે વિજ પુરવઠો શરૂ થયા બાદ ૧II થી ૨ કલાક પાણી વિતરણ મોડું કરાયું હતું.

(3:43 pm IST)